ભારતીય દૃષ્ટિએ ઈતિહાસ -ડૉ. રાજેશ ચૌહાણ
ઇન્ફોર્મેશન ટેકનોલોજી, ઇન્ટરનેટ, સોશ્યલ મીડિયા અને મોબાઇલ ફોનના આ યુગમાં આજની યુવા પેઢીને મન ઇતિહાસનું કોઈ મહત્ત્વ નથી. આજની પેઢી ઈતિહાસ વિષયને નકામો ગણે છે. અમુકને તો પ્રશ્ર્ન થાય કે, ઇતિહાસ ભણવાથી કે જાણવાથી શું ફાયદો? ભૂતકાળમાં જે બન્યું તેની વર્તમાન સમયમાં ચર્ચા શા માટે કરવી જોઈએ? આવો પ્રશ્ર્ન સાંભળીએ ત્યારે ખૂબ દુ:ખ થાય. ભૂતકાળ પરથી જ વર્તમાન અને ભવિષ્ય ઉજળું બનતું હોય છે. એ બાબતે પ્રશ્ર્ન કરનાર અજ્ઞાની છે. ખરેખર પ્રજાએ ઇતિહાસમાંથી થોડોક પણ બોધપાઠ લીધો હોત તો વિશ્ર્વમાં જે યુદ્ધો, હુમલા થઈ રહ્યા છે એ ન થાય અથવા તેને અટકાવી શકાય. ભૂલોમાં ઊંડા ઊતરીશું તો એવો જ નિષ્કર્ષ નીકળશે કે આ તો આપણી ભૂતકાળની ભૂલોનું જ પરિણામ છે.
ભારતના લોકોએ ઇતિહાસમાંથી કોઈ પ્રેરણા કે બોધપાઠ લીધો નથી એનાં અનેક કારણ છે કે, ઇતિહાસનું વાંચન, અધ્યયન, લેખનનું સાચું મૂલ્ય સમજાયું નથી. ભારતીય લોકોએ જે ઇતિહાસનું વાંચન કર્યું છે તે પણ વિકૃત, વિલોપીકરણ, યુરોસેન્ટ્રીક છે. આજનાં મોટા ભાગનાં પાઠ્યપુસ્તકોમાં એવું જ ભણાવવામાં આવે છે કે, આપણે અંદરો-અંદર લડનાર, ગુલામ કે પરાજિત હતા. બીજી તરફ પરસ્પર સહકાર, કુટુંબ ભાવના, સંઘર્ષ, પ્રતિરોધ અને વિજયોનો ઈતિહાસ સામે આવ્યો જ નથી. ઔરંગઝેબે ગુરુ ગોવિંદસિંહના બે પુત્રોને ઇસ્લામ ધર્મ અંગીકાર ન કરવા બદલ જીવતા દીવાલમાં ચણાવડાવી દીધા (ભારત સરકારે નાના સાહિબ જાદાની યાદમાં બાલ દિવસ તરીકે ઉજવણીની જાહેરાત કરી દીધી છે.) કવિ પદ્મનાભ રચિત કાન્હડદે પ્રબંધમાં જણાવે છે કે, કાન્હડદે (કૃષ્ણદેવ) ચૌહાણ કે જેણે ગુજરાત પર આક્રમણ કરવા જઈ રહેલી અલ્લાઉદ્દીન ખિલજીની સેનાને રસ્તો ન આપ્યો એ બદલ એ સપરિવાર ખપી ગયો, પરંતુ ગુજરાતનાં પાઠ્યપુસ્તકોમાં એના નામનો કોઈ ઉલ્લેખ આવતો નથી. હા, એ જ પાઠ્ય પુસ્તકોમાં અકબરને ઉદારદિલી અને જહાંગીરને ન્યાયપ્રિય બતાવવામાં આવ્યો છે. ખરેખર અકબર જો ઉદારદિલી હોત તો એણે કેમ કોઈ મુગલક્ધયાને રજપૂત રાજા સાથે પરણાવવા જેટલી ઉદારતા ન દાખવી? જહાંગીર ન્યાયપ્રિય હતો તો એણે કયા ન્યાયે શીખોના પાંચમા ગુરુ અર્જુનદેવને ફાંસીએ ચડાવી દીધા હતા? ઇતિહાસનાં પાઠ્યપુસ્તકો આવા ઘણા પ્રશ્ર્નોના જવાબ નથી કેમ તે વિકૃત, વિલોપીકરણ કે યુરોસેન્ટ્રીક છે.
જીતેન્દ્ર પટેલ પોતાના પુસ્તક ‘ભારતના સમ્રાટો’ માં જણાવે છે કે, ઘણી જગ્યાએ એવું બનતું હોય છે કે વૈમનસ્ય જાળવી રાખવાના ભાગરૂપે ઈતિહાસને વિકૃત કરવામાં આવતો હોય, પરંતુ અહીં તો એનાથી ઊલ્ટું છે. અહીં સામાજિક સદ્ભાવના જાળવી રાખવાના ભાગરૂપે ઇતિહાસનું વિકૃતકરણ કે છુપાવવામાં આવી રહ્યો છે. આ દેશના કેટલાક બુદ્ધિજીવીઓ એવું માનતા આવ્યા છે કે વિદેશી આક્રમકોને મંદિરો તોડતા બતાવીશું તો અહીંના એકવર્ગની લાગણી દુભાશે. આ કારણસર ટોચના નેતાઓ, ઈતિહાસકારો અને સાહિત્યકારો કહેતા આવ્યા છે કે મહમૂદ ગઝનીએ ધન લૂંટવાના ઇરાદાથી જ સોમનાથ પર આક્રમણ કરેલું. એ કોઈ ધાર્મિક આક્રમણ નહોતું. પરંતુ આશ્ર્ચર્યની વાત એ છે કે, ગઝનીના વંશો ગઝનીના કૃત્યનો ગર્વ લઈ રહ્યા છે. ગઝનીએ મૂર્તિઓનું ખંડન કર્યું એ બદલ ધર્મગુરુઓએ તેને ‘ગાઝી’નું બિરુદ આપેલું. આ તે સમયની વાત છે. આજે પણ કોઈ એ વર્ગના બુદ્ધિજીવી ગઝનીના મૂર્તિખંડનના ‘કૃત્યને ખોટું કર્યું છે’ એમ કહેવા તૈયાર નથી. ઊલટાના કેટલાક તો બચાવ મોડમાં રહ્યા. જવાહરલાલ નહેરુએ પોતાના પુસ્તક ‘ડિસ્ક્વરી ઓફ ઇન્ડિયા’માં એ વર્ગના આક્રમણોનો બચાવ કરવાની પૂરતી કાળજી રાખી છે. તેઓ બાબરને સહિષ્ણુ અને સંસ્કારી ગણાવે છે. એ જ બાબરને ઇતિહાસકાર પી. એન. ઓક બર્બર, ક્રૂર, શરાબી અને સજાતીય વૃત્તિવાળો કહે છે. મહમૂદ ગઝનીના પંજાબના રાજા અનંતપાલ પરના વિજયને કનૈયાલાલ મુનશી તેમના પુસ્તક ‘ચક્રવર્તી ગુર્જરો’માં (પૃ. ૨૧૬) સંસ્કારી પ્રજા સાથે સંસ્કાર વિહીનોનો વિજય ગણાવે છે.
ભારત માત્ર વિદેશી આક્રમણખોરોથી જ નહીં અહિના કેટલાક બુદ્ધિજીવીઓથી પણ ઘૃણાતાથી પીડિત હતા. આ બુદ્ધિજીવીઓએ વ્યક્તિગત પ્રતિષ્ઠાના ભોગે ઇતિહાસનું સાચું મૂલ્યાંકન કર્યું નથી. જો કદાચ કર્યું હોત તો દેશનો એક વર્ગ તેમનાથી નારાજ થઈ જશે એવો ભય હતો. એટલે તેઓ આતંકવાદીઓની ટીકા કરવામાં શરમ અનુભવે છે. તેઓના આ પ્રકારના ઈતિહાસ લેખનમાં પ્રજાને વીર બનવાની કે ઈંટનો જવાબ પથ્થરથી આપવાની પ્રેરણા આપતા નથી, પરંતુ સ્વતંત્રતા, સમાનતા, બંધુતા, માનવતા, સર્વધર્મ સમભાવ, ઉદારતા અને શાંતિની જ સલાહ આપતા આવ્યા છે, પરંતુ દુનિયામાં એક માત્ર હ્યુમાનિટી સુવાસ પ્રસરાવનારા છીએ, બીજા બધા સમાજનાં વિઘટનકારી તત્ત્વો છે એવું સમજે છે. આવા હ્યુમન એક્ટિવિસ્ટો રાષ્ટ્રવાદી સંગઠનોને ધિક્કારે છે.
સ્વતંત્રતા, સમાનતા, બંધુતા, સર્વધર્મ સમભાવ, અધ્યાત્મ, માનવતા, લોકશાહી આ બધી વાતો સારી છે પરંતુ એ ત્યારે જ ચરિતાર્થ થાય કે તમામ પક્ષે આ આદર્શો સ્વીકારે, પરંતુ આ વાતો માત્ર હિન્દુ પ્રજાએ જ સ્વીકારી છે. જો સર્વધર્મ સમભાવના નામે આતંકવાદની સમસ્યાનો ઉકેલ આવતો હોય તો એના જેવું રૂડું એકેય નહિ. પરંતુ આ શક્ય છે ખરું? આ પ્રશ્ને હ્યુંમાનીટીવાદીઓ ચૂપ કેમ છે? એમની આ ચૂપકીદી શંકા ઉભી કરે છે આપણા દેશના નેતાઓમાં ‘શાંતિના દૂત’ અને ‘ઉદાર મતવાદી’ બનવા મથે છે. રાષ્ટ્રની સીમાઓના પ્રશ્ર્નો ઉકેલવા માટે કોઈનામાં ‘મહાવીર કે પરમવીર’ બનવાની ઇચ્છાઓ નથી જાગતી. તૈમુર લંગે સાત દિવસ સુધી દિલ્હીનો વિનાશ કર્યો ત્યારે એમાં કેટલાયે હ્યુમાનિટીવાદીઓ બળીને ભસ્મ થયા ત્યારે કેમ ચુપ હતા?
સમ્રાટ અશોકનું કલિંગ પરના આક્રમણ બાદ હૃદય પરિવર્તન અને સૈન્યવિસર્જનનો નિર્ણય કર્યો થોડા સમય બાદ સમ્રાટ હર્ષે ભારતમાં સૈન્ય વિસર્જન કર્યું એ જ સમયે અરબસ્તાનમાં ઇસ્લામ ધર્મની સ્થાપના થઈ. પછીથી આ જ ધર્મના કેટલાક લોકો એક હાથમાં તલવાર (રાજકીય) અને ધર્મના પ્રચાર (ધાર્મિક) અર્થે ભારત પર આક્રમણ કર્યું. અહિંસામાં માનવાવાળી હિન્દુ પ્રજા તેમની સામે લાચાર અને વિવશ બની રહી.
યુદ્ધ સર્વનુકસાન કર્તા છે શક્ય ત્યાં સુધી ટાળવું જોઈએ. બીજી, વાસ્તવિકતા એ છે કે વિશ્વમાં યુદ્ધ પછી જ શાંતિ આવી છે. ત્રીજું, કે યુરોપિયન દેશોની શ્રદ્ધા જ યુદ્ધોમાં છે. યુદ્ધના અનુભવે કે તેના ભયે ભવિષ્યનાં બીજાં અનેક યુદ્ધો ટાળી શકાય છે. યુદ્ધ અને શસ્રો ખતરનાક છે તેમ કહી તેની અવગણના કરવી કેટલે અંશે વાજબી છે? ડૉ. એ. પી. જે. અબ્દુલ કલામે કહ્યું છે કે પરમાણુ બોમ્બથી જેટલાં યુદ્ધો થયાં તેના કરતાં ભયથી વધારે યુદ્ધો ટાળી શકાયાં છે.’ ડૉ. કલામની આ વાત સાથે સૌ સંમત થઈ શકશે. આ દેશમાં મહમૂદગઝની, તૈમુરલંગ અને નાદિરશાહ જેવા આક્રમકોના તલવાર અને તીરકામાંઠાંથી જે રક્તપાત થયો એવો રક્તપાત ક્યાંય પરમાણુ બોમ્બથી થયો? આ બાબતે હ્યુંમાનિટીવાદીઓ કેમ ચૂપ છે?
જય અને પરાજય તો સંસારનો નિયમ છે તેમ દરેક વ્યક્તિની સિદ્ધિઓમાં બે પાસા હોય છે ૧- વિજય ને ૨ – પરાજય. ભારતના સમ્રાટોની કેટલીક નબળાઈઓ છતાં એમણે દાખવેલી વીરતાની નોંધ લીધા વગર કેમ રહી શકાય? ઈ. સ. ૬૨૨માં અરબસ્તાનમાં ઇસ્લામ ધર્મની સ્થાપના પછીની આંધી નીચે અડધું વિશ્ર્વ અસરગ્રસ્ત થયું. સ્પેનથી મંગોલિયા સુધી ઇસ્લામ ધર્મ ફેલાઈ ગયો. ઈ. સ. ૭૧૨માં મહમ્મદ બિનકાસીમે સિંધ જીત્યું, એ જ વર્ષે મૂરોએ સ્પેનમાં પ્રવેશ કર્યો. એક જ વર્ષમાં આખું સ્પેન જીતીને ત્યાંના ખ્રિસ્તીઓને મુસલમાન બનાવ્યા. ક્યાં અરબસ્તાન અને ક્યાં સ્પેન? બીજી તરફ ભારતના સમ્રાટોએ ઇસ્લામને સિંધથી આગળ વધવા દીધો નહિ. જ્યારે ઈજિપ્ત અને સીરિયા છ વર્ષમાં ધરાશાયી થયાં, પર્શિયા કબજે કરતાં ૧૦ વર્ષ લાગ્યાં, ઉત્તર આફ્રિકા એક વર્ષમાં પરાજિત થયું, તુર્કસ્તાન ૮ વર્ષ સુધી ટક્કર લઈ શક્યું, પરંતુ મુસ્લિમ આક્રમકોને સિંધથી દિલ્હી પહોંચતાં પોણા પાંચસો વર્ષ (૭૧૨ થી ૧૧૯૨) લાગી ગયાં. આ સમયગાળો નાનો ન કહેવાય. આ દરમિયાન રાજા/સમ્રાટની પેઢીઓ ખપી ગઈ અને કેટલાય રાજાઓ શહીદ થઈ ગયા. ભારતીય સમ્રાટોની આ સિદ્ધિ નાનીસૂની તો ન જ કહેવાય. આ ઈતિહાસ પાઠ્યપુસ્તકોમાંથી ગાયબ છે.
ઇતિહાસ મોટે ભાગે એક વર્ગ અને અંગ્રેજ ઇતિહાસકારોએ જ લખ્યો છે. આ ઇતિહાસકારો ભારતીય રાજાઓના પરાજયની જેટલી નોંધ લીધી તેટલી વિજયની નોંધ કેમ ન લીધી? આવા કેટલાક દેશી અને વિદેશી ઇતિહાસકારોએ સમુદ્રગુપ્તને હિન્દનો ‘નેપોલિયન’ કહ્યો છે. ખરેખર તો આ બિરુદથી સમુદ્રગુપ્તનું અવમૂલ્યન જ થયું. કહેવો હોય તો નેપોલિયનને ફ્રાંસનો ‘સમુદ્રગુપ્ત’ કહેવો જોઈએ. કારણ કે સમુદ્રગુપ્ત નેપોલિયન કરતાં પંદરસો વર્ષ પૂર્વે થઈ ગયો. વળી નેપોલિયનનો અંત પરાજયમાં છે. સમુદ્રગુપ્ત એના જીવનનું એકેય યુદ્ધ હાર્યો નથી. ભારતના આ સમ્રાટની સિદ્ધિ પણ સાધારણ ન જ કહેવાય. આ રીતે સરદાર વલ્લભભાઈ પટેલની તુલના બિસ્માર્ક સાથે કરી સરદારનું અવમૂલ્યન કર્યું છે. જર્મનીની વસતી, વિસ્તાર, ભાષા કરતાં તદ્દન વિપરીત સરદારે ભારતનું એકીકરણ કર્યું. એટલે બિસ્માર્કને જર્મનીનો સરદાર કહેવો જોઈએ.
ઇતિહાસનાં પાઠ્યપુસ્તકોમાં ઊંડા ઊતર્યા સિવાય સત્યનો અંદાજ લગાવી શકાતો નથી. વિદેશી આક્રમણો થયાં તેની સામે અનેક પ્રતિરોધ પણ થયા. આમ છતાં પરાજયના સંદર્ભમાં વિશેષ રીતે રજૂ કરવામાં આવ્યા. મહમૂદ ગઝની, મહમ્મદ ઘોરી, તૈમૂર લંગ, બાબર, નાદિર શાહ જેવા કેટલાય વિદેશી આક્રમકો આવ્યા. વચ્ચે ક્યારેક લાંબા ગાળા માટે શાંતિ સ્થાપી શક્યા નથી. વર્તમાનમાં પણ સરહદના પ્રશ્ર્નો આપણી સામે છે આગાઉ કરતાં અનેક પ્રશ્ર્નો હળવા સાથે પ્રતિરોધ પણ શરૂ છે.
રાજવાણી : ટૂંકમાં ઈતિહાસમાંથી થોડો પણ બોધપાઠ લઇ, ઈતિહાસ બોધનું શિક્ષણ આપવામાં આવે તો ચોક્કસ રાષ્ટ્રની અસલામતીના પ્રશ્ર્નોનું સરળતાથી સમાધાન ઈતિહાસમાંથી મળશે. ઇતિહાસ વૈમનસ્ય ફેલાવવા માટે નથી હોતો, એ તો બોધપાઠ લેવા માટે છે. ભૂતકાળમાં થયેલ ભુલોને સુધારવાની શીખ ઇતિહાસ આપે છે.