Homeઉત્સવમહાભારતને મિથ્યા માનનાર ઇતિહાસકારો... ઇન્દ્રપ્રસ્થને લઈને હવે ચૂપ રહેશે કે હજુ ભ્રામક...

મહાભારતને મિથ્યા માનનાર ઇતિહાસકારો… ઇન્દ્રપ્રસ્થને લઈને હવે ચૂપ રહેશે કે હજુ ભ્રામક ઈતિહાસ લોકો સામે મૂકશે?

ભારતીય દૃષ્ટિએ ઈતિહાસ -ડૉ. રાજેશ ચૌહાણ

* દિલ્હીનું નામકરણ પણ ઇન્દ્રપ્રસ્થ ક્યારે થશે?
* ઈતિહાસકારો અનુસાર દિલ્હી (ઇન્દ્રપ્રસ્થ) ૭ અને અજઈં અનુસાર ૧૨ વખત બન્યું છે.
* દરબારી કવિઓએ ઇન્દ્રપ્રસ્થને દિલ્હીના મુઘલ ઈતિહાસ સાથે જોડ્યું.
* દિલ્હીમાં જૂનો કિલ્લો ઇન્દ્રપ્રસ્થની જગ્યાએ બનાવેલ: એલેકઝાન્ડર કનિંગહામ
————–
ઈતિહાસ માત્ર પુસ્તકોમાં કે વાર્તાઓમાં નોંધાતો નથી. કેટલીકવાર ઈતિહાસ જમીનના એ સ્તરો નીચે ઊંડે સુધી દટાઈ જાય છે જેને દૂર કરીને સત્ય બહાર લાવવામાં આવે છે. આવા જ એક સત્યની શોધ હાલમાં દિલ્હીના જૂના કિલ્લામાં ચાલી રહી છે. સવાલ એ છે કે, શું દિલ્હીનો જૂનો કિલ્લો પાંડવોનું ઈન્દ્રપ્રસ્થ શહેર હતું? મહાભારત મિથ્યા હતું? આ સવાલના જવાબો જાણવા માટે અજઈંએ ફરીથી દિલ્હીના જૂના કિલ્લાનું ખોદકામ શરૂ કર્યું છે. આ ખોદકામમાં જૂના કિલ્લામાં તે જગ્યાએ અત્યાર સુધીમાં સૌથી વધુ ઐતિહાસિક પુરાવા અને તે પણ અઢી હજાર વર્ષ જૂના તથ્યો/અવશેષ મળી આવ્યા છે જે પ્રારંભિક દૃષ્ટિએ મહાભારતકાળ સાથે જોડાયેલા હોવાની સંભાવના છે.
દિલ્હીની દરેક ઈંટ, દરેક દિવાલ, દરેક વારસો તેની પ્રાચીનતાની સાક્ષી આપે છે. તેની ભારતીય પ્રાચીન સભ્યતા સમયના ગર્ભમાં છુપાયેલી છે. ઈતિહાસ અને સંસ્કૃતિ છુપાયેલી છે.
મહાભારતમાં ઇન્દ્રપ્રસ્થનો ઉલ્લેખ : ડો. ઉદયનારાયણ રાવ પોતાના પુસ્તક ‘પ્રાચીન ભારત કે નગર તથા નગર – જીવન’માં જણાવે છે કે, ઈન્દ્રપ્રસ્થ સૌથી પ્રાચીન (પ્રથમ) દિલ્હી મનાય છે. દિલ્હીના ઇતિહાસ અને વિકાસની કોઈ પણ ચર્ચા મહાભારતકાલીન ઈન્દ્રપ્રસ્થની ચર્ચા વિના ન તો આરંભ થાય કે ન તો અંત. આ શહેર પાંડવો દ્વારા બનાવવામાં આવ્યું હતું. આ જગ્યા પર જંગલ હતું જેને મહાભારતમાં ‘ખાંડવ’ કહ્યું છે. જંગલને કાપીને ઈન્દ્રપ્રસ્થની સ્થાપના થઈ. મહાભારતમાં આ શહેર અનેક ખાડાઓથી ઘેરાયેલું હતું (સાગરપ્રતિરૂપાભિહ પરિખાભિરલંકૃતામ) સાથે તે ઊંચી દીવાલથી પણ ઘેરાયેલું હતું. સમગ્ર ભાષાઓ બોલતા લોકો તેમાં રહેતા હતા (સર્વ- ભાષવિદસ્તથા) સંપત્તિ પ્રાપ્ત કરવાની ઇચ્છા સાથે ત્યાં વિવિધ દિશાઓમાંથી વેપારીઓ આવતા હતા. આ શહેરમાં લગભગ તમામ પ્રકારના કારીગરો હતા. આ ઉલ્લેખો પરથી સ્પષ્ટ થાય છે કે, આ સમયે આ શહેર એક પ્રતિષ્ઠિત કેન્દ્ર હતું. આ શહેરના જુદા જુદા ભાગોમાં આકર્ષક ચિત્ર- શાળાઓ હતી(મનોહરાય: ચિત્રગૃહ:). અલગ- અલગ જગ્યાએ બગીચા હતા, જેમાં વિવિધ પ્રકારના વૃક્ષો વાવવામાં આવ્યા હતા. અહીંના સરોવરોનું પાણી ખીલેલા કમળથી સુગંધિત હતું. હંસ, કરંડવ અને ચક્રવાક જેવા પક્ષીઓના કારણે તેની છાયા આહલાદક હતી. અહીંના નાગરિકો સુશિક્ષિત, સંસ્કારી અને ધાર્મિક પ્રકૃતિના હતા. તેમના દ્વારા આ નગર અમરાવતીની શોભાની યાદ અપાવતી રહ્યું હતું.
મહાભારતમાં પાંડવોને માત્ર પાંચ ગામો જ આપવા જોઈએ એ વાત આપણે સૌ જાણીએ છીએ. આ ગામોમાં તિપ્રસ્થા(તિલપ્રસ્થ-હરિયાણા), વ્યાધ્રપ્રસ્થ(બાગબત-ઉ.પ્ર) પાંડુપ્રસ્થ(પાણીપત-હરિયાણા), સુવર્ણપ્રસ્થ(સોનીપત- હરિયાણા) અને ઇન્દ્રપ્રસ્થ (ખાંડવપ્રસ્થ કે શ્રીપદ)નો સમાવેશ થતો હતો. આ પાંચ ગામોને જોડીને તેનું નામ ઈન્દ્રપ્રસ્થ રાખવામાં આવ્યું હતું.
હસમુખ વ્યાસ પોતાના પુસ્તક ‘ભારતના પ્રાચીન નગરો’ માં લખે છે કે, પ્રસિદ્ધ ઈતિહાસ-પુરાવિદ્દકાર સ્ટીફન દર્શાવે છે કે યુધિષ્ઠિરના વંશજોની યાદી ૩૦ પેઢીએ ઇન્દ્રપ્રસ્થ પર રાજ્ય કર્યું હતું. આ અવધીને ઈસુના જન્મ પૂર્વના ૧૫૦૦ વર્ષથી ૭૦૦ સુધી માનવામાં આવે છે. સત્તા પરિવર્તન બાદ પણ ત્રણ પેઢીઓ પર્યન્ત ઇન્દ્રપ્રસ્થ રાજધાની બની રહે છે. તે પછી ગૌતમો અને મૌર્યોનો અધિકાર સ્થપાયો. ૧૨ વર્ષના અંતરાલ બાદ ઉજ્જૈનના રાજા વિક્રમાદિત્ય વિજય મેળવે છે. બૌદ્ધ જાતક કથાઓમાં પણ ઇન્દ્રપ્રસ્થનો ઉલ્લેખ છે. આદિત્ય અવસ્થીના પુસ્તક ‘દાસ્તાન-એ-દિલ્હી’માં લખ્યું છે કે ઉત્તર દિલ્હીમાં યમુનાના કિનારે સ્થિત બુરારી એક નામ છે જે મહાભારતના સમય સાથે જોડાયેલું છે કે અહીં કૃષ્ણના લગ્ન કાલિંદી સાથે થયા હતા.
સાહિત્ય અને પુરાતાત્વિક સ્ત્રોત અનુસાર ઇન્દ્રપ્રસ્થનો સમય: સાહિત્ય સ્ત્રોત અનુસાર મહાભારતનો સમય ઈ.સ. પૂ.૩૫૦૦ વર્ષ અને પુરાતાત્વિક સ્ત્રોત અનુસાર ઈ.સ. પૂર્વે ૪૦૦ થી ૨૦૦ વચ્ચેનો માનવામાં આવે છે. આઝાદી બાદ અને હાલમાં અજઈં એ કરેલ સર્વેક્ષણ અને કામગીરીને કારણે સાહિત્યમાં દર્શાવેલ સમયગાળા વચ્ચે હવે માત્ર ૧૦૦૦ વર્ષનું અંતર રહ્યું છે તેના માટે હાલમાં ૫મી વખત ખોદકામ ચાલી રહ્યું છે. જેમાં કેટલાક અવશેષ મહાભારતકાળના મળી આવ્યા છે એટલું જ નહીં સિલોની (બાગબત)માં મળેલ અવશેષ મહાભારતકાળના હોવાથી ઇન્દ્રપ્રસ્થમાં પણ આ સંભાવના મજબૂત બની રહી છે.
મુઘલો અને અંગ્રેજોના સમયે ઇન્દ્રપ્રસ્થ – દિલ્હીનો ઉલ્લેખ : મુઘલો અને અંગ્રેજોએ પણ નામ બદલ્યું ન હતું. દ્રૌપદી ડ્રીમ ટ્રસ્ટના સ્થાપક અને પ્રાચીન ભારતીય ઇતિહાસ સભ્યતા અને સંસ્કૃતિના લેખક ‘નીરા મિશ્રા’ કહે છે કે, દિલ્હીનો ઇતિહાસ જૂનો છે અને તેની અધૂરી માહિતીને કારણે તેને ઘોષિત કરવાનો આગ્રહ રાખ્યો હતો. માત્ર મહાભારત જ નહીં પરંતુ અંગ્રેજો અને મુઘલયુગના પુસ્તકો અને ગેઝેટિયરોમાં પણ દિલ્હીનું નામ ઈન્દ્રપ્રસ્થ જોવા મળે છે. અબુલ ફઝલના પુસ્તક ‘આઈ-ને-અકબરી’માં પણ ઈન્દ્રપ્રસ્થનું નામ જોવા મળે છે કે, જ્યારે હુમાયુ અહીં આવ્યો ત્યારે તેણે ઈન્દ્રપ્રસ્થનો કિલ્લો (હવે હુમાયુનો મકબરો) લૂંટી લીધો હતો. નાદિર પછી ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ દિલ્હીમાં પ્રવેશ કર્યો. ત્યારબાદ ૧૮૦૩માં દિલ્હી પણ અંગ્રેજોના કબજામાં આવી ગયું. તૈમૂર લેંગ અને નાદિર શાહે જે કર્યું તે અંગ્રેજોએ પણ કર્યું. આ પછી ૧૯૧૧માં ભારતની રાજધાની કલકત્તાથી દિલ્હી ખસેડવામાં આવી હતી. ૧૩ ફેબ્રુઆરી, ૧૯૩૧ના રોજ, દિલ્હી ૨૦ વર્ષની રાહ જોયા પછી અવિભાજિત ભારતની રાજધાની બની. ૧૫ ઓગસ્ટ, ૧૯૪૭ના રોજ ભારતની આઝાદી પછી પણ નવી દિલ્હીને રાજધાની બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
આઝાદી બાદ ઇન્દ્રપ્રસ્થ પર અજઈં નું સર્વેક્ષણ અને કામગીરી :
પદ્મવિભૂષણ પ્રોફેસર બી.બી. લાલ જેઓ સ્વતંત્રતા પછી અજઈં ના મહાનિર્દેશક તરીકે વર્ષ ૧૯૫૪માં સર્વેક્ષણની શરૂઆત કરી હતી. પહેલા જ ખોદકામમાં લગભગ ૨૧૦૦ વર્ષ જૂના સુંગ અને કુશાણ કાળના અવશેષો મળી આવ્યા હતા. આ સાથે રાખોડી રંગના માટીકામના ટુકડા પણ મળી આવ્યા હતા. આ પછી વર્ષ ૧૯૬૯ અને ૧૯૭૩માં જૂના કિલ્લાના એક ખાસ ભાગને ખોદવામાં આવ્યો તો તેમાંથી ૮ કાળા રંગના અવશેષો અને ટેરાકોટાનાં રમકડાં પણ મળી આવ્યા હતા. અજઈં ના વર્તમાન નિયામક વસંત સ્વર્ણકરના નેતૃત્વમાં ૨૦૧૩ અને ૨૦૧૭માં જૂના કિલ્લાનું સતત ખોદકામ કરવામાં આવ્યું હતું. આમાં મૌર્ય કાળ સહિત લગભગ અઢી હજાર વર્ષ જૂના પુરાવા મળ્યા છે. અત્યાર સુધી અહીં ૪ વખત અને હાલ ૨૦૨૨-૨૩માં ૫મી વખત પુન: સર્વેક્ષણનું કામ હાથ ધરવામાં આવ્યું છે.
ઈન્દ્રપ્રસ્થની શોધ કેમ ચાલી રહી છે? : ઘણા સંશોધકોના મતે મહાભારતનો સમયગાળો લગભગ ૫ હજાર વર્ષ જૂનો હોઈ શકે છે. દિલ્હીના જૂના કિલ્લામાં સતત ઈન્દ્રપ્રસ્થની શોધ કેમ ચાલી રહી છે? એ પણ સમજવું જરૂરી છે. વાસ્તવમાં અત્યાર સુધી ખોદકામમાં જે વસ્તુઓ મળી આવી છે તેનો ઉલ્લેખ મહાભારત સાથે જોડાયેલી વાર્તાઓમાં જોવા મળે છે. મળેલા પેઇન્ટેડ વાસણો મહાભારત કાળના હોવાનું અનુમાન છે. આ સિવાય ટેરાકોટાના રમકડાં અને મૂર્તિઓ પણ મહાભારત કાળની મળી આવે છે. આ ઉપરાંત ઈ.સ. ૧૩૨૮ સંસ્કૃત શિલાલેખ દિલ્હી સ્થિત સરવાલ ગામમાંથી મળ્યો છે. આ શિલાલેખ લાલ કિલ્લાના સંગ્રહાલયમાં ઉપલબ્ધ છે. આ શિલાલેખમાં આ ગામ ઈન્દ્રપ્રસ્થ જિલ્લામાં આવેલું હોવાનો ઉલ્લેખ છે.
અજઈંના નિર્દેશક વસંત સ્વર્ણકરે એક ટી.વી ચેનલમાં આપેલા ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, કુષાણકાળ, મૌર્યકાળ, ગુપ્તકાળથી લઈને મુઘલકાળ સુધીના મળેલા અવશેષો-સાંસ્કૃતિક ક્રમનું સતત ખોદકામ કરવામાં આવ્યું છે. દરેક સમયગાળાની રચનાઓ, માનવ પ્રવૃત્તિઓ જોવા મળે છે. અમારી પાસે અહીં તમામ પ્રકારની પ્રાચીન વસ્તુઓ છે.
મહાત્મ્ય આધારે ઈન્દ્રપ્રસ્થ: પ્રાચીન સમયમાં દરેક મહત્ત્વપૂર્ણ સ્થાન માટે એક મહાત્મ્ય લખવામાં આવતા હતા. જેમ અયોધ્યા મહાત્મ્ય, દ્વારકા મહાત્મ્ય,
હસ્તિનાપુર મહાત્મ્ય છે તેવી જ રીતે ઇન્દ્રપ્રસ્થ મહાત્મ્ય પણ લખાયું છે. જે સંપૂર્ણ ભૌગોલિક સીમાંકન દર્શાવે છે. તેમાં લખ્યું છે કે, આ પુષ્કર કે પ્રયાગરાજ કે હરિદ્વાર જેટલું જ મહાત્મ્ય તીર્થ છે. મહાભારતમાં શહેરનું કેવી રીતે આયોજન કરવામાં આવ્યું હતું? જંગલો કેવી રીતે કાપવામાં આવ્યા હતા? રસ્તાઓ કેવી રીતે બનાવવામાં આવ્યા હતા? અહીં વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિ કેવી રીતે પુન:સ્થાપિત કરવામાં આવી હતી? તેનું સંપૂર્ણ વર્ણન જોવા મળે છે અને જાણવા મળે છે કે દિલ્હીનું પ્રાણી સંગ્રહાલય પણ આ જ વિસ્તારમાં છે અને તે જ સમયની પેદાશ છે. ઋગ્વેદમાં ઉલ્લેખિત ‘અરણ્ય ઉત્સવ’ પણ આ સમયગાળા સાથે સંબંધિત છે.
શિલાલેખોમાં ઈન્દ્રપ્રસ્થ: નીરા મિશ્રા પોતાના એક ઈન્ટરવ્યૂમાં કહે છે કે, હાલમાં જ્યાં રાયસીના હિલ્સ છે ત્યાં સરબન ગામ હતું. ત્યાં ૧૮૭૦નો એક પથ્થરનો શિલાલેખ મળ્યો હતો. જેના પર લખ્યું છે કે એક મોટા શેઠે ત્યાં કૂવો બનાવ્યો હતો અને તે શિલાલેખમાં તે શેઠનું નામ, તારીખ, સંવત અને સ્થળનું નામ ઈન્દ્રપ્રસ્થ લખેલું છે. એ જ રીતે, અન્ય એક શિલાલેખમાં નારાયણ પથ્થરના શિલાલેખમાં આવા જ એક શેઠ ઈન્દ્રપ્રસ્થનું નામ, તારીખ અને સ્થળ લખવામાં આવ્યું છે, જેમણે આ વિસ્તારમાં એક પગથિયું કૂવો બનાવ્યો હતો. ત્રીજો મહત્ત્વપૂર્ણ શિલાલેખ માછલીના નગર સુલતાનપુરમાં મળી આવ્યો હતો. તેમાં લખ્યું છે કે ત્યાંના રાજાઓ ઈન્દ્રપ્રસ્થનું રક્ષણ કરતા હતા. કુરુક્ષેત્ર યુદ્ધ પછી જ્યારે યુધિષ્ઠિર અને પરીક્ષિતે રાજ્ય સંભાળ્યું ત્યારે તેઓ હસ્તિનાપુરમાં હતા, વંશજો વધતા ગયા, બાદમાં તેમને અલગ-અલગ જગ્યાએ રક્ષક બનાવવામાં આવ્યા. ચોથો શિલાલેખ જૂના કિલ્લામાંથી મળી આવ્યો હતો જે દિલ્હીનું નામ ઈન્દ્રપ્રસ્થ તરીકે સ્થાપિત કરે છે. આ ૧૯૧૩-૧૪માં મળેલો મિહિર રાજા ભોજનો શિલાલેખ હતો. નીરાના જણાવ્યા અનુસાર જ્યારે અંગ્રેજોએ તેમની રાજધાની દિલ્હી ખસેડવાનું નક્કી કર્યું ત્યારે તેઓએ શહેરના ઈતિહાસ, તેના આયોજન, તેની સ્થાપત્ય વગેરે પર કામ કર્યું. આ દરમિયાન દસ્તાવેજ સામે આવ્યા જેના પર પરગણા તરીકે ઈન્દ્રપ્રસ્થનું નામ લખેલું હતું.
૧૯૧૧માં તેમની એક સૂચનામાં અંગ્રેજોએ જૂના કિલ્લાના મૌઝાને ઈન્દ્રપ્રસ્થ લખ્યો હતો. ત્યાં ક્ષેત્રની જેમ જ મૌઝા હતા. હરિયાણામાં ‘મૌઝા’ માટે ‘ક્ષેત્ર’ શબ્દપ્રયોગ થતો. હરિયાણાનો અમુક પ્રદેશ ઈન્દ્રપ્રસ્થ સામ્રાજ્યનો એક ભાગ ગણાતો હોવો જોઈએ. જૂના કિલ્લાની અંદર અને બહાર એક નિશ્ર્ચિત વસ્તી હતી. તે સમયના પાકાં મકાનોના ચિત્રો પણ જોવા મળે છે. આ રેકોર્ડ ત્યારે મળ્યો જ્યારે અંગ્રેજોએ જૂના કિલ્લાના વિસ્તારમાંથી વસ્તીને દૂર કરીને તેને એક સંરક્ષિત સ્થળ બનાવવાની સૂચના બહાર પાડી. આ પછી ૧૯૨૫-૨૬માં પુરાતત્ત્વ વિભાગ દ્વારા એ.કે. ઘોષનું એક નોટિફિકેશન આવ્યું જેમાં લખ્યું હતું કે આ પ્રકારે એક અભિલેખ મળ્યો છે. આ રેકોર્ડ પુરાતત્ત્વ વિભાગ દ્વારા હજુ સુધી પ્રદર્શિત કરવામાં આવ્યો નથી.
મંદિરોમાં ચિહિન્ત ઇન્દ્રપ્રસ્થ : મંદિરોના સ્વરૂપમાં ઐતિહાસિક તથ્યો પણ જોવા મળે છે. જ્યારે રાજધાની તૈયાર થઈ ત્યારે રાજઘાટ પર યુધિષ્ઠિરના રાજ્યાભિષેક માટે એક મોટા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું. તે સમયગાળામાં ભારત અને વિદેશમાંથી સો રાજાઓ આવ્યા હતા. આ વિસ્તાર રાજઘાટ હતો, જેનો અર્થ થાય છે રાજાનો ઘાટ. તેવી જ રીતે અનુરાધા ગોયલ પોતાના લેખમાં મેહરૌલીમાં યોગમાયા મંદિર છે જેનો ઉલ્લેખ કેટલાક પુસ્તકોમાં યોગિનીપુરાના નામથી પણ છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર, યોગમાયા અહીં ભગવાન કૃષ્ણની બહેન હતી અને આ મંદિર તેમના માટે જ બનાવવામાં આવ્યું હતું. અહીંના પંડિતો પાસે તેનો ઈતિહાસ છે. આ સિવાય જૂના કિલ્લામાં એક કુંતી મંદિર છે જે પાંડવોએ તેમની માતા કુંતી માટે બનાવ્યું હતું.
નકશા અને ઘટનાઓની ગણતરીઓમાંથી પુરાવા મળે છે: પૌરાણિક ઈતિહાસકાર મનીષ કે ગુપ્તાના મતે મધ્ય પ્રદેશના ભીમબેટકામાં એક રંગીન ચિત્ર જોવા મળે છે. મહાભારતનું પણ એવું જ છે. ઈન્દ્રપ્રસ્થ એ ખાંડવપ્રસ્થ વિસ્તાર હતો. લગભગ થોડા વર્ષ પહેલાં જૂના કિલ્લાનું ખોદકામ કરવામાં આવ્યું હતું અને મહાભારત સમયની વસ્તુઓ મળી આવી હતી. ‘કીર્તિ જિતુરેખા’ પોતાના લેખમાં જણાવે છે કે, જૂના કિલ્લાની પાછળ પાંડવ યુગનું ભૈરવ બાબાનું મંદિર છે. જો મંદિર પાંડવ કાળનું નથી તો તે ત્યાં કેમ મળ્યું? કારણ કે તે કેન્દ્ર હતું. આપણે કુરુક્ષેત્ર જાણીએ છીએ? આપણે જાણીએ છીએ કે હસ્તિનાપુર ક્યાં છે? આપણે જાણીએ છીએ કે તે સમયનું સુરસેન એટલે કે આજનું મથુરા. જૂના માનચિત્રો અને તથ્યો અનુસાર મહાભારતની આ ગણતરી અને વ્યાખ્યા મુજબ કયા સ્થળે જવા માટે કેટલો સમય લાગ્યો, આંકડા સેટ કરસો તો ખબર પડશે કે દિલ્હી એ જ વિસ્તાર છે જે હસ્તિનાપુર, કુરુક્ષેત્ર અને મથુરાની વચ્ચે આવેલું તે ઈન્દ્રપ્રસ્થ હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Most Popular