કવર સ્ટોરી -અભિમન્યુ મોદી
વિશ્ર્વમાં એવો કયો વ્યવસાય છે જેમાં ક્યારેય મંદી આવતી જ નથી? વાસ્તવિકતા કડવી છે, પરંતુ ‘દેહવિક્રય’ના વ્યવસાયને દુનિયાના આરંભથી આજ સુધી મંદીનો સામનો કરવો પડ્યો નથી. ભારત લોકડાઉનમાં કેદ હતું ત્યારે પણ કમાટીપુરામાં વાસના ભૂખ્યા વરુઓ પકડાયા હતા. ગુલામી કાળમાં તો બ્રિટિશરોએ ‘દેહવિક્રય’ના વ્યવસાયને વધારવા માટે ગધેડાની જેમ મહેનત કરેલી. તેમને મન ભારતીય સ્ત્રીનું શરીર આનંદ અને ઉપભોગનું સાધન હતું. અંગ્રેજો ભારતમાં આવ્યા ને તેમણે મુંબઈમાં દેહબજારને વેગ આપ્યો. પોર્ટુગીઝ શાસન ગોવામાં આવ્યું ત્યારે ૧૬મી અને ૧૭મી સદીમાં યુદ્ધમાં કેદીઓ પકડાયા. તેમની પત્નીને વેશ્યા બનાવાતી હતી. ઘણી જાપાનીસ વધૂઓ કે સુંદરીઓ ગોવામાં વેશ્યા બનીને રહી ગયેલી. ભારતમાં બ્રિટિશ રાજ્ય વખતે બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપની અને તે પછી બ્રિટનની સરકારે તેમાં લશ્કરીઓની દેહભૂખ ભાગવા માટે ખાસ સરકાર પ્રેરિત વેશ્યાબજાર અગર દેહબજાર ઊભાં કરેલાં.
બ્રિટિશરોએ તેના લશ્કરીઓની દેહભૂખ ભાંગવા એક ખાસ રૂપબજાર ઊભું કરેલું. તેને રેડલાઈટ ડિસ્ટ્રિક્ટ કહેવાતો હતો. શરૂમાં ભારતીય નારીના દેહ મળતા નહીં એટલે અંગ્રેજ મેડમો તેનો દેહ વેચવા યુરોપથી ભારતમાં આવતી. ૧૯મી અને ૨૦મી સદીમાં યુરોપ તેમજ જાપાનથી હજારો સ્ત્રીઓ ભારત આવતી અને બ્રિટિશ લશ્કરના સૈનિકોની દેહભૂખ ભાંગતી. એ પછી ભારતનાં ઘણાં શહેરોમાં રૂપબજાર ઊભાં થયાં. તેમાં મુંબઈમાં શરૂમાં કમાટીપુરા અને તે પછી છેક બોરીવલી, કાંદિવલી સુધી ઘરઘરાઉ દેહો ગરીબ ઝૂંપડપટ્ટીમાં ભોગવવા મળતા. આ જ સમયમાં આજના પાકિસ્તાનમાં વસેલા લાહોરમાં હીરામંડી અસ્તિત્વમાં આવી. જે આગામી સમયમાં ઓટીટીમાં જોવા મળશે. હિન્દી સિનેમાના પડદે અગાઉ ‘મંડી’, ‘ઉમરાવ જાન’, ‘બેગમ જાન’,‘ગંગુબાઇ કાઠિયાવાડી’ જેવી ફિલ્મો આવી ચુકી છે. જેમાં અસ્તિત્વ ટકાવવા માટે દેહવ્યાપાર કરતી ગણિકાઓની વાત છે. ફરી એ જ કથાબીજ સાથે નિર્દેશક સંજય લીલા ભણસાલી ‘હીરામંડી’ની દાસ્તાન ઓટીટી પ્લેટફોર્મ પર લાવી રહ્યા છે. ત્યારે ખરેખર હીરામંડી શું છે અને કેમ છે તેનો ઇતિહાસ જાણવા જેવો છે. ઉસ્તાદ બરકત અલી ખાન અને ઉસ્તાદ મુબારિક ખાન, ઉસ્તાદ ગુલામ ખાં જેવા સંગીતજ્ઞોની જ્યાં બેઠક જામતી. ૧૯૪૦માં રેડિયો સ્ટાર તરીકે છવાઈ ગયેલી અને ‘તમંચા જાન’ તરીકે જાણીતી તવાયફ ગુલઝાર બેગમના સૂરો જ્યાં સંભળાતા એ હીરામંડીએ હવે તો પોતાની ઓરિજિનલ ‘ફ્લેવર’ ગુમાવી દીધી છે, પણ એક સમય હતો કે જ્યારે લાહોરમાં હીરામંડીની ચર્ચા રહેતી. એક સમયે રાજાઓ-મહારાજાઓ-અમીરો-ઉમરાવો અહીં તવાયફોના કોઠે આવતા હતા. દિવસ-રાત અહીં સાજિંદાઓનાં તબલાંના તાલે નાચતી તવાયફોના ઘૂંઘરુનો રણકાર સંભળાતો, શાસ્ત્રીય રાગ-રાગિણીઓમાં પારંગત તવાયફોના મધુર સૂરો રેલાતા, ઉર્દૂ શાયરીઓની રમઝટ બોલાતી.
હીરામંડીનું નામ હીરાસિંહ સમ્રાટના નામ પરથી રાખવામાં આવ્યું છે, જેમણે શાહી મોહલ્લામાં અનાજબજારની સ્થાપના કરી હતી, જેને પાછળથી ‘હીરાસિંહ દી મંડી’ નામ મળ્યું, જેનો અર્થ થાય હીરાસિંહનું અનાજબજાર. એ પછીથી આધુનિક નામ હીરામંડીમાં બદલાઈ ગયું. હીરામંડી લાહોરના ઓલ્ડ સિટીની અંદર, કરાલી ગેટ પાસે અને બાદશાહી મસ્જિદની દક્ષિણે સ્થિત છે. આ બજાર ઐતિહાસિક રીતે ૧૫મી અને ૧૬મી સદીથી શહેરની ગણિકા સંસ્કૃતિનું કેન્દ્ર રહ્યું છે. હીરામંડીનું નામ પરંપરાગત રીતે મહારાજા રણજિત સિંહના વડા પ્રધાન રહેલા ધ્યાનસિંહ ડોગરાના પુત્ર હીરાસિંહ પરથી આપવામાં આવ્યું છે.
આ બજાર મૂળરૂપે ૧૫મી અને ૧૬મી સદી દરમિયાન લાહોરના મુઘલ યુગના કુલીન વર્ગ માટે શહેરની તવાયફ સંસ્કૃતિનું કેન્દ્ર હતું. મુઘલકાળ દરમિયાન અફઘાનિસ્તાન અને ઈરાનની ઘણી સ્ત્રીઓ આ જગ્યાએ આવી હતી. આ સ્ત્રીઓ અત્યંત ખૂબસૂરત તો હતી જ, પરંતુ એનામાં ખાસ પ્રકારની રીતરસમો પણ જોવા મળતી, નૃત્ય અને સંગીતની આ સ્ત્રીઓ જાણકાર હતી. આવી સ્થિતિમાં અમીર ઉમરાવો મનોરંજન માટે હીરામંડી આવતા હતા. તવાયફોના કૌશલ્ય સામે અદબથી માથું નમાવતા. બાદમાં ભારતીય ઉપખંડના અન્ય ભાગોમાંથી કેટલીક મહિલાઓને પણ મોઘલોના મનોરંજન માટે કથક જેવાં શાસ્ત્રીય ભારતીય નૃત્યો કરવા અહીં લાવવામાં આવી હતી.
એમ કહેવાય છે કે પોતાની ખાસ પ્રકારની તહેઝીબ માટે જાણીતી આ તવાયફો પાસે રાજકુમારો પોતાની સંસ્કૃતિ અને વિરાસતનું શિક્ષણ લેતા, તહેઝીબ શીખતા..એટલે જ હીરામંડીની એક ઓળખાણ શાહી મહોલ્લા તરીકેની પણ આપવામાં આવે છે. અલબત્ત, તવાયફોનું કામ દેહવ્યાપાર કરતાં નૃત્ય અને સંગીત કલાથી મનોરંજન આપવાનું રહેતું. સમયે કરવટ બદલી લાહોર પર થયેલા વિદેશી આક્રમણોની અસર હીરામંડી પર પણ પડી. અહેમદ શાહ અબ્દાલીના આક્રમણ દરમિયાન હીરામંડીનું નામ સૌપ્રથમ વેશ્યાવૃત્તિ સાથે જોડાયું. અહેમદ શાહના સૈનિકોએ આક્રમણ થતા નિર્દોષ સ્ત્રીઓને દેહવિક્રયના વ્યવસાયમાં ધકેલી દીધી. કાળક્રમે હીરામંડી પોતાની મૂળ ચમક અને ઓળખ ગુમાવતું ગયું. બ્રિટિશ વસાહતી શાસને વેશ્યાવૃત્તિના કેન્દ્ર તરીકે હીરામંડીની છાપને વેગ આપ્યો. બ્રિટિશરાજ દરમિયાન અંગ્રેજોએ પોતાના સૈનિકોના મનોરંજન માટે હીરામંડીને વેશ્યાલય બનાવીને તેનો વધુ વિકાસ કર્યો હતો.
વર્ષ ૧૯૪૭ પછી ઘણી સરકારોએ લાહોરના હીરામંડી વિસ્તારમાં વેશ્યાવૃત્તિના ગ્રાહકો માટે સુવિધાઓ વધારવાનો પ્રયાસ કર્યો, પરંતુ ધાર્યું પરિણામ ન મળ્યું.
પાકિસ્તાનના છઠ્ઠા પ્રેસિડન્ટ એવા ઝિયા ઉલ હકે સંગીત અને નૃત્યથી ધમધમતી હીરામંડી પર વેશ્યાવૃત્તિનો અડ્ડો હોવાનો આરોપ મૂકી પ્રતિબંધ પણ મૂક્યો હતો. આ હીરામંડીની દુનિયામાં એક તવાયફને ત્યાં બાળકે જન્મ લીધો. એ બાળક આજે પાકિસ્તાનના પ્રખ્યાત ચિત્રકારોની પંગતમાં સ્થાન પામે છે. એનું નામ ઇકબાલ હુસૈન. સર્જન અને પીડાને એક અજીબોગરીબ સંબંધ છે. હીરામંડીમાં ઊછરેલા ઇકબાલ હુસૈને પોતે નાનપણથી જોયેલી તવાયફોની દુનિયાને કેન્વાસ પર ઉતારી છે. ઇકબાલ હુસૈનના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટની ટેગલાઇન છે: ‘હું મારા લોકોને, મારી ધરતીને જે રીતે જોઉં છું એ જ રીતે ચીતરું છું’.ઇકબાલ હુસૈનનાં ચિત્રો પરથી તવાયફોની જિંદગીની પીડા, લાચારી, ખાલીપો, એકલતા, અંધકાર, સુનકાર.. બધું જ મહેસૂસ થાય છે. રેડલાઇટ એરિયાનું જોયેલું રિયાલિસ્ટિક ઓબ્ઝર્વેશન આ ચિત્રોમાં સાફ છતું થાય છે.
હીરામંડી જેવા બદનામ રેડલાઇટ એરિયામાં ઊછરેલા એક માણસમાંથી ચિત્રકારનો જન્મ કેવી રીતે થયો હશે? ઇકબાલ હુસૈનની ચિત્રકાર બનવાની સફર કેવી રીતે શરૂ થઈ? તેના પર ફ્રેન્ચ લેખિકા ક્લોદિન લ તુર્નો ઇસોંએ ‘હીરામંડી’ નામની એક નોવેલ પણ લખી છે. લેખિકા ત્રણ અઠવાડિયાં સુધી હીરામંડીમાં જ રહ્યાં હતાં. આ નોવેલમાં શાહનવાઝ નામના એક છોકરાની વાત છે, જેની મા એક તવાયફ છે. શાહનવાઝના તવાયફ મા સાથેના ભાવનાત્મક સંબંધની વાત, ભારત-પાકિસ્તાનના લોહિયાળ ભાગલાની હીરામંડી પર પડેલી અસરો, શાહનવાઝના આર્ટિસ્ટ બનવાની વાત આ નોવેલમાં છે.
પુસ્તકમાં ક્લોદિન બે પ્રકારની ગણિકાઓની વાત કરે છે. એક, રસ્તે ફરીને ગ્રાહકો શોધતી ગણિકાઓ અને બીજી, વેશ્યાલયમાં રહીને ગ્રાહકોને રીઝવતી ગણિકાઓ. અહીં વેશ્યાલય શબ્દથી છેતરાવા જેવું નથી. તેમાં ‘આલય’ એટલે કે મહેલ જેવું કશું હોતું નથી. અત્યંત ગંદું ઝૂંપડપટ્ટી જેવું કે ચાલીઓ જેવું મકાન હોય, જેમાં બે-ચાર રૂમમાં આ પ્રવૃત્તિ ચાલતી હોય. દિવસ આખો રોડ પર પડે તેવા પાંજરાંમાં ઊભી રહીને કે બારણે બેસીને આ તૈયાર થયેલી ગણિકાઓ ગ્રાહકોને રીઝવતી રહે.
હીરામંડી પર અનેક લોકો રિસર્ચ કરવા પણ આવતા. ત્યાંની તવાયફો પરથી બર્મિંગહામ યુનિવર્સિટીમાં સોશિયોલોજીના પ્રોફેસર રહેલા લૂઇસ બ્રાઉને ચાર વર્ષ સુધી લાહોર-હીરામંડીમાં રહીને પુસ્તક લખ્યું: ‘ડાન્સિંગ ગર્લ ઓફ ધ લાહોર’ તો લેખિકા ફૌઝિયા સૈયદે ‘ટેબૂ: ધ હિડન કલ્ચર ઓફ અ રેડલાઇટ એરિયા’ નામનું પુસ્તક લખ્યું છે. આ દરેક પુસ્તક અને રિસર્ચ પેપરમાં હીરામંડીની વેદના છુપાયેલી છે. આજે હીરામંડી અન્ય કોઈપણ પાકિસ્તાની બજારની જેમ જ ભાસે છે. હીરામંડીમાં હાર્મોનિયમ, તબલાં જેવાં સંગીતનાં વાજિંત્રોની દુકાનો તમને ઘણી જોવા મળી જાય છે. પરંપરાગત મુઘલ જૂતાંની પણ બહુ બધી દુકાનો છે. હીરામંડી વિસ્તાર હવે લાહોર શહેરમાં ફૂડ સ્ટ્રીટ તરીકે પણ મજબૂત ઓળખ પ્રસ્થાપિત કરતો જાય છે. જોકે આ નવી ઓળખ પર જૂની ઓળખ હજુ પણ એક ડાઘની જેમ છપાઈ ગઈ છે. ઓટીટી પર આવનાર ‘હીરામંડી’ હવે કઈ નવી ઓળખ લઈને આવશે એ જોવાનું રહેશે.