સુપરહીરોની દુનિયામાં ધૂમ મચાવે છે હિન્દુસ્તાની સુપરગર્લ્સ

લાડકી

લાઈમ લાઈટ-મેધા રાજ્યગુરુ

દિલ્હીના પોતાના મકાનમાં માયા તેની બહેન તારા સાથે વીડિયો ગેમ્સ રમી રહી હતી ત્યાં તેની સ્માર્ટ વોચ પર ઈમર્જન્સી કોલ આવ્યો. તેણે કોલને દીવાલ પર પ્રોજેક્ટ કર્યો. અમેરિકાનાં ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ તેમને એક હેકર ગ્રુપ વિશે માહિતી આપે છે, જેણે અમેરિકાને પરેશાન કર્યું છે. માયા પોતાનાં ચશ્માં એડજસ્ટ કર્યા બાદ ૧,૨,૩ કહે છે અને જાદુ થઈ જાય છે. તેનો ડ્રેસ બ્લુ અને ફ્યુશિયા ડ્રેસમાં બદલાઈ જાય છે. લેગિંગ અને બૂટ્સ પણ બદલાય છે. માયા પોતાના નેનો ટેલિપોર્ટેશન પાવરનો ઉપયોગ કરે છે અને બન્ને બહેનો હેકરના મુખ્યાલય પર પહોંચી જાય છે. ત્યાં બદમાશોને પીટે છે અને તેમની સિસ્ટમમાં ચિલીપનીર વાઇરસ નાખી દે છે. તારા પોતાની સુપર ઈલાસ્ટિસિટીનો પ્રયોગ કરી એર ડકમાં પ્રવેશ કરે છે અને હેરિસ તેમ જ અન્યોને મુક્ત કરી દે છે. અમેરિકા બચી જાય છે.
આ ૧૮ વર્ષની માયા અને ૧૨ વર્ષની તારાની દિનચર્યા છે, જે નીડર મહિલા સુપરહીરો સુપર અવનિ અને દબંગ ગર્લ તરીકે ગુપ્ત જીવન વ્યતીત કરે છે. આમ કરનારી તે એકલી સુપરગર્લ નથી. તેના સિવાય પણ અન્ય અમુક છોકરીઓ છે, જેમ કે રિયા ઉર્ફે પર્પલ ફ્લેમ, જે મહાનગરની સ્કૂલમાં ભણે છે અને ડિસલેક્સિક કિશોરી છે અને ૧૮ વર્ષીય રેપ સર્વાઈવર પ્રિયા છે જે પોતાના વાઘ સાહસ પર ઉત્તર ભારતના ગામમાં ફરે છે. આ બાળકોની નવી કોમિક બુક્સની સુપરગર્લ્સ છે જે અમેરિકાના હલ્કથી લઈ ભારતના છોટા ભીમથી ભરેલા સુપરહીરોના સંસારમાં ઝડપથી પોતાની ઓળખાણ સાબિત કરી રહી છે. પ્રિયા ભારતની પહેલી સુપરગર્લ છે, જેને ૨૦૧૪માં લોંચ કરવામાં આવી હતી. જ્યારે આઠ વર્ષથી ઉપરનાં બાળકો માટે ડિસેમ્બર, ૨૦૧૮માં દબંગ ગર્લ અને સુપર અવનિ આવી. ભારત જ નહીં, પરંતુ અમેરિકા-યુરોપમાં રહેતા ભારતીય પ્રવાસી પણ ખુશ છે કે તેમનાં સંતાનોએ ભારતીય સુપરવુમન જોઈ છે. બાળકોનો આ બધામાં એટલો રસ વધી ગયો છે કે તેઓ દબંગ ગર્લ પર પોતાની વાર્તાઓ લખી નિર્માતાઓને મોકલે છે. એક બાળકની વાર્તામાં દેખાડવામાં આવ્યું કે દબંગ ગર્લ કઈ રીતે સિન્ડ્રેલાને મુક્ત કરે છે. લંડનના એક છોકરાએ દબંગ ગર્લના નેતૃત્વમાં લીઝ ઓફ સુપરહીરોઝ પર એક શોર્ટ નોવેલ પણ લખી નાખી છે. ઓછી આવકવાળા પરિવારનાં બાળકોને સામાજિક સંસ્થાઓ દ્વારા આ કોમિક્સની હાર્ડ કોપી મફતમાં આપવામાં આવે છે અને સાથે તેને ઈ-કોમર્સ પ્લેટફોર્મના માધ્યમથી વેચવામાં પણ આવે છે.
આઇઆઇટી અને હાર્વર્ડથી શિક્ષિત થયેલા સૌરભ અગ્રવાલ અને તેમનાં પત્ની નીલમ પોલ બાળકો માટે લાઇફ સિકલ્સ વર્કશોપ્સનું આયોજન કરે છે. તેઓ જ્યારે હીરો-સુપરહીરોની વાત કરે ત્યારે છોકરાઓ છોટા ભીમ, સુપરમેન વગેરેનાં નામ લે, પરંતુ છોકરીઓ ચૂપ થઈ જતી.
સૌરભ અને નીલમને જાણમાં આવ્યું કે છોકરીઓને પ્રેરિત કરી શકે તેવા કોઈ રોલ મોડેલ નથી. તેમણે આ ક્ષેત્રમાં કંઈક કરવાનું વિચાર્યું અને આ રીતે દબંગ ગર્લનો જન્મ થયો. ન્યુ યોર્કના ફિલ્મમેકર રામદેવીનેની ૨૦૧૨માં દિલ્હીમાં હતા જ્યારે નિર્ભયા કાંડ થયો. તેમને એ વાતની નવાઈ લાગી કે આ હૃદયને હચમચાવતી ઘટના પરત્વે અમુક પુરુષોનું બહુ લાપરવાહીભર્યું વલણ છે. તેઓ ડોક્યુમેન્ટરી બનાવવા માગતા હતા, પરંતુ તેમને અહેસાસ થયો કે કિશોરો સુધી પહોંચવા માગે છે એ માટે કોમિક્સ વધારે અસરકારક માધ્યમ છે. આ રીતે પ્રિયાનો જન્મ થયો.
ભારતની સુપરગર્લ્સ પશ્ર્ચિમની હિરોઈનો કરતાં ઘણી અલગ છે. જેમને ઘણી વાર પુરુષોને ધ્યાનમાં રાખી હાઈપર સેક્સ્યુઅલ રૂપમાં જોવામાં આવે છે. વન્ડર વુમનની જેમ ભારતીય હિરોઈન રેડ અને બ્લુ શોર્ટ્સમાં દુશ્મનોનો પીછો નથી કરતી કે નથી બોડીસૂટ પહેરી દુનિયાને બચાવતી. પ્રિયા દુપટ્ટા સાથેના સલવારમાં સાધારણ કુરતો પહેરી પોતાની વાક તર્કશક્તિથી માનસિકતા બદલવાનો પ્રયાસ કરે છે. ભારતની સુપરગર્લ્સ સામાજિક મુદ્દાઓ માટે સંઘર્ષ કરે છે. પર્પલ ફ્લેમ વિશ્ર્વની પહેલી સુપરગર્લ છે જે ડિસલેક્સિક છે. ૧૩ વર્ષીય નિત્યા રાઠીએ એને બનાવી છે, જે પોતે ડિસલેક્સિક છે અને પોતાના જીવનના અનુભવોને આધારે લખે છે. પર્પલ ફ્લેમ સમાવેશી સંસાર માટે પ્રયાસ કરે છે, જેમાં વિશેષ આવશ્યકતાવાળાં બાળકો સાથે લોકો સારો વ્યવહાર કરે છે. સુપર અવનિ આધુનિક સમસ્યાઓનું સમાધાન કરે છે, જેમ કે સાઇબર ક્રાઇમ. દબંગ ગર્લ લિંગ સમાનતા માટે કોશિશ કરે છે. એક કોમિકમાં એ સાબિત કરે છે કે છોકરીઓ પણ છોકરાની જેમ ક્રિકેટ રમી શકે છે, જ્યારે બીજી બાજુ તે બાળકો સાથ દુષ્કર્મ કરનારા અંકલને પકડાવે છે.
પ્રિયાએ પહેલાં સંવેદનશીલ વિષયો જેવા કે એસિડ એટેક, સેક્સ ટ્રાફિકિંગ જેવા મુદ્દાઓ ઉઠાવ્યા. તે બાદ વાચકોને ધ્યાનમાં લઈ ક્લાઇમેટ ચેન્જનો મુદ્દો ઉઠાવ્યો. હવે દબંગ ગર્લે માસિક ચક્રનો મુદ્દો ઉઠાવ્યો છે, જે વિશે ભારતીય છોકરાઓને કોઈ માહિતી કે શિક્ષણ આપવામાં આવતું નથી.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.