ઓસ્ટ્રેલિયામાં હિન્દુ મંદિરો પર સતત હુમલાના બનાવો બની રહ્યા છે. વારંવાર આવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. એવામાં આજે શનિવારે ઓસ્ટ્રેલિયાના બ્રિસ્બેનથી આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. ખાલિસ્તાન સમર્થકોએ શ્રી લક્ષ્મી નારાયણ મંદિરમાં તોડફોડ કરી છે.
સ્થાનિક મીડિયા સાથે વાત કરતા મંદિરના પ્રમુખ સતીન્દર શુક્લાએ કહ્યું કે સવારે ભક્તો પૂજા માટે મંદિર પહોંચ્યા હતા, આ દરમિયાન તેઓએ જોયું કે મંદિરની દિવાલને નુકસાન થયું છે. મંદિરની દિવાલો પર ભારત વિરોધી સૂત્રો લખવામાં આવ્યા હતા.
હિંદુ હ્યુમન રાઈટ્સનાં ડાયરેક્ટર સારાહ ગેટ્સનું કહેવું છે કે આ હેટ ક્રાઈમ છે. ઓસ્ટ્રેલિયામાં રહેતા હિન્દુઓને ડરાવવા માટે આવું કરવામાં આવ્યું છે.
આ ઘટના પાછળ ખાલિસ્તાની સમર્થકો હોવાનું જાણવા મળ્યું છે. જણાવી દઈએ કે બે મહિનામાં ઓસ્ટ્રેલિયામાં મંદિર પર હુમલાની આ ચોથી ઘટના છે. આ પહેલા જાન્યુઆરીમાં ઓસ્ટ્રેલિયાના કેરમ ડાઉન વિસ્તારમાં સ્થિત શ્રી શિવ વિષ્ણુ મંદિર પર પણ ભારત વિરોધી નારા લખવામાં આવ્યા હતા. મંદિરમાં તમિલ હિન્દુઓ દ્વારા ત્રણ દિવસીય થાઈ પોંગલ તહેવારની ઉજવણી કરવામાં આવી રહી હતી ત્યારે મંદિરમાં ભારત વિરોધી સૂત્રો લખવામાં આવ્યા હતા.
નોંધનીય છે કે ઓસ્ટ્રેલિયામાં હિન્દુઓની કુલ વસ્તી 6.84 લાખ છે. હિંદુ અહીંનો ત્રીજો સૌથી મોટો ધર્મ છે. જે ઓસ્ટ્રેલિયાની કુલ વસ્તીના 2.7% છે. આ આંકડા 2021ની વસ્તી ગણતરીના છે.