મુંબઈ: દેશમાં ‘લવ જેહાદ’ અને ‘ધર્માંતરણ’ વિરોધી કાયદો લાવવા માટે દાદરના શિવાજી પાર્ક ખાતે હજારોની સંખ્યામાં હિન્દુ મંચના અલગ અલગ સંગઠનનાં કાર્યકરો દ્વારા મોરચો કાઢયો હતો.
હિન્દુ સમાજ(હિન્દુ જનસભા અને હિન્દુ જનજાગૃતિ સમિતિ)ના અલગ અલગ સંગઠનનાં કાર્યકરોએ શિવાજી પાર્ક ખાતેથી પ્રભાદેવીનાં કામગર ભવન સુધી મોરચો કાઢ્યો હતો, જેમાં ખાસ કરીને લોકોએ ‘લવ જેહાદ’ અને ધર્માંતરણ વિરોધમાં સખત કાયદો લાવવાની માંગણી કરી હતી.
મહારાષ્ટ્રમાં જ નહિ સમગ્ર દેશમાં ધર્માંતરણ વિરોધી પ્રવૃત્તિનો ફેલાવો કરવામાં આવી રહ્યો છે, જેમાં ખાસ કરીને મુસ્લિમ યુવાનો દ્વારા હિન્દુ યુવતીઓને ટાર્ગેટ કરવામાં આવે છે અને પ્રેમની જાળમાં ફસાવીને લગ્ન કરાય છે અને ત્યારબાદ બળજબરીથી ધર્મ પરિવર્તન કરવાની સાથે
તેમનું જાતીય શોષણ કરવામાં આવે છે. અલબત્ત, હિન્દુ યુવતીઓની જિંદગીને બરબાદ થતાં અટકાવવાનું સૌથી જરૂરી છે અને તેનાથી સમાજને બચાવી શકાય એટલે આજે વિશાળ મોરચો કાઢવામાં આવ્યો હતો, જેની મહારાષ્ટ્ર અને કેન્દ્ર સરકારને જાણ કરવામાં આવી હતી.
દેશમાં રોજેરોજ આ પ્રકારના વધી રહેલા બનાવોને રોકવા માટે લવ જેહાદ અને ધર્માંતરણ વિરોધી કાયદા લાવવા જરૂરી બન્યા છે, તેથી તેના અનુસંધાનમાં રવિવારે જાહેર મોરચાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુંબઈ જ નહિ સમગ્ર દેશમાંથી હિન્દુ સમાજના અલગ અલગ સંગઠનનાં કાર્યકરોએ શક્તિ પ્રદર્શન કર્યું હતું. અહીંના મોરચામાં લાખો લોકો જોડાયા હતા અને સરકારને કાયદો લાવવાની અપીલ કરી હતી. અહીં એ જણાવવાનું કે શ્રદ્ધા મર્ડર કેસ, રુબિકા મર્ડર, તુનિશા શર્મા કેસ હોય કે પછી અન્ય જાણીતા લવ જેહાદના કેસને કારણે ધર્માંતરણ કરાવવાનું પ્રમાણ વધ્યું છે, તેથી આ મુદ્દે તમામ હિંદુ મંચ એક થયા હોવાનું કહેવાય છે.