હિમાચલ પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન થયું છે. પરિણામ 8 ડિસેમ્બરે બહાર આવશે, પરંતુ, ચૂંટણીના પરિણામો પહેલા જ કોંગ્રેસના ઘણા નેતાઓ જીતને લઈને ઉતાવળા દેખાઈ રહ્યા છે. આ ચૂંટણીમાં કોંગ્રેસે મુખ્યમંત્રી પદ માટે કોઈ ચહેરો આગળ રાખ્યો નથી. પરિણામ બાદ આ પ્રશ્નનો ઉકેલ લાવવાનો નિર્ણય લેવાયો હતો. હવે પરિણામોની જાહેરાતની તારીખ નજીક આવી રહી છે, ત્યારે કોંગ્રેસમાં મુખ્યમંત્રી પદની દાવેદારી અંગેનો ગણગણાટ તેજ બન્યો છે. રાજ્યના કોંગ્રેસના નેતાઓ હાઈકમાન્ડ સુધી પહોંચી ગયા છે અને કેટલાકે તો દિલ્હીમાં જ ધામા નાખ્યા છે.
એમ માનવામાં આવે છે કે જો આ ચૂંટણીઓમાં કોંગ્રેસને બહુમતી મળશે તો મુખ્ય પ્રધાનના પદને લઈને હોબાળો થશે. મુખ્ય પ્રધાન પદ માટે ઘણા દાવેદારો છે અને બધા તેમના વતી શ્રેષ્ઠ પ્રયાસ કરશે. આ પાર્ટીના નેતાઓ પણ માને છે કે સરળતાથી મુખ્ય પ્રધાન જાહેર થઈ જાય, તે શક્ય નથી.
મુખ્ય પ્રધાન પદના દાવેદારોએ જાણવાનું શરૂ કર્યું છે કે તેમના સમર્થનમાં કયા નેતાઓ (સંભવિત ધારાસભ્યો) છે. તેઓ પરિણામ પહેલા ઉમેદવારોનો સતત સંપર્ક કરી રહ્યા છે. ત્યારે આ ચૂંટણીના માહોલમાં પ્રજાએ પણ અટકળો શરૂ કરી દીધી છે.
પૂર્વ મુખ્ય પ્રધાન પ્રેમ કુમાર ધૂમલને 2017ની ચૂંટણીમાં મુખ્ય પ્રધાનનો ચહેરો જાહેર કરવામાં આવ્યો હતો. પરિણામો આવે તે પહેલા ધુમલ ઘણા દિવસો સુધી શિમલામાં રહ્યા હતા, નોકરિયાતોથી લઈને અન્ય નેતાઓ દરરોજ તેમને સલામ કરતા હતા, પરંતુ મતગણતરીના દિવસે બાજી પલટાઇ ગઇ હતી. રાજ્યમાં ભાજપને બહુમતી મળી હતી અને ધુમલ ચૂંટણી હારી ગયા હતા. કોંગ્રેસના મુખ્ય પ્રધાન પદના તમામ દાવેદારોને તે સમયગાળો યાદ છે. આવી સ્થિતિમાં તેઓ ચૂપ રહેવામાં જ શાણપણ સમજે તે તેમના હિતમાં છે.