કોંગ્રેસ નેતા સુખવિંદર સિંહ સુક્ખૂએ રવિવારે હિમાચલ પ્રદેશના મુખ્ય પ્રધાન તરીકે શપથ ગ્રહણ કર્યા બાદ તેમણે જણાવ્યું હતું કે, અમે જે 10 ગેરેન્ટી આપી છે અને તેને અમે અમલમાં લાવીશું. કેબિનેટ વિસ્તરણ બાદ નક્કી કરવામાં આવશે કે કઈ યોજનાને પહેલા પહેલા અમલ કરવામાં આવશે. પહેલી કેબિનેટ બેઠકમાં ઓપીએસ (જૂની પેન્શન યોજના) લાગુ કરવામાં આવશે. જે પણ અમે વાયદાઓ કર્યા છે તે પૂરા કરવામાં આવશે.
સુખવિંદર સિંહ સુક્ખૂ સાથે મુકેશ અગ્નીહોત્રીએ નાયબ મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા હતાં. શિમલાના રિજ મેદાનમાં આયોજિત ઔપચારિક સમારોહમાં રાજ્યપાલ આરવી અર્લેકરે તેમને શપથ લેવડાવ્યા હતાં. આ સમારોહમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગે, સાંસદ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સહિત પક્ષના ટોચના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતાં.