ફેશન અને બ્યુટી ઈન્ડસ્ટ્રી દિવસે જેટલી નથી બદલાતી એટલી તો રાતે બદલાતી હોય છે અને આવા જ એક લેટેસ્ટ ટ્રેન્ડ વિશે વાત કરીએ તો હેર હાઈલાઈટિંગ… વાળ હાઇલાઇટ કરવા એ આજકાલનો એક લોકપ્રિય ફેશન ટ્રેન્ડ બની ગયો છે. આ ટ્રેન મેલ-ફિમેલ બંનેમાં જોવા મળી રહ્યો છે. લોકોએ સ્ટાઈલિશ દેખાવવા માટે આ હાઈલાઈટિંગ કરવાનું શરૂ કર્યું છે.
હેર હાઇલાઇટિંગમાં વાળમાં અલગ-અલગ કલર કરવામાં આવે છે, જે પર્સનાલિટીમાં ચાર ચાંદ લગાવવાનું કામ કરે છે અને લૂકમાં પણ ચેન્જિસ લાવે છે. વાળને હાઇલાઇટ કરવાથી માત્ર વાળની રચના જ બદલાતી નથી, પરંતુ તેને ચમકદાર બનાવવામાં પણ મદદ મળે છે.
પરંતુ આ હાઈલાઈટ્સ કરાવતી વખતે તમારે કેટલીક મહત્ત્વની વાતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી બની જાય છે. એટલું જ નહીં તમારે તમારા સ્કિન ટોન પ્રમાણે કયો રંગ પસંદ કરવો, કેટલા વાળ હાઈલાઈટ કરાવવા જેવી નાની નાની બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. ચાલો, જાણીએ વાળને હાઇલાઇટ કરતા પહેલાં તમારે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, તેમ જ શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ.
આટલું કરો-
1. વાળને હાઈલાઈટ કરતાં પહેલાં તમારે એ નક્કી કરી લેવું જોઈએ કે તમારા વાળને કયો રંગ સૂટ કરશે. આ ઉપરાંત હાઈલાઈટ્સ માટે કલર પસંદ કરતી વખતે સ્કિન ટોન, હેર કલર અને સિઝનને ધ્યાનમાં રાખવાની જરૂર છે. બ્યુટીફૂલ લૂક મેળવવા માટે બેજ અને બ્રાઉન કલર પસંદ કરી શકાય છે, આ બંને શેડ્સ ખૂબ જ કોમન છે. હાઈલાઈટ્સ કરાવતી વખતે ધ્યાન રાખો કે કલર હંમેશા સ્કિન ટોન અનુસાર જ હોવો જોઈએ. જો તમે ઉનાળાની ઋુતુમાં હાઇલાઇટ્સ કરતાં હોવ તો લાઇટ કલરની પસંદગી કરો અને જો શિયાળામાં હાઇલાઇટ્સ કરાવી રહ્યા હોવ તો ડાર્ક કલર પસંદ કરી શકાય છે.
2. વાળનો પ્રશ્ન હોવાથી, હંમેશા પ્રોફેશનલ હેર સ્ટાઈલિસ્ટ પાસેથી જ વાળને હાઇલાઇટ કરાવો, કારણ કે કોઈ પણ ચિલાચાલું હેર સ્ટાઈલિસ્ટ પાસેથી હાઇલાઇટ કરાવવાનું મોંઘું પડી શકે છે. હેર સ્ટાઈલિસ્ટ બ્રાન્ડેડ અને સારી ક્વાલિટીના પ્રોડક્ટ્સનો ઉપયોગ કરશે, જે તમને બેસ્ટ રિઝલ્ટ આપશે. એટલું જ નહીં એ જ તમને તમારા વાળમાં કયો રંગ સૂટ કરશે, એ નક્કી કરવામાં પણ મદદ કરશે.
3. વાળને હાઇલાઇટ કર્યા પછી સારી ગુણવત્તાના શેમ્પૂ અને કન્ડિશનરનો ઉપયોગ કરો, કારણ કે આની મદદથી હાઇલાઇટ્સ લાંબા સમય સુધી ટકી રહે છે.
આ બિલકુલ ના કરશો–
1. હિટિંગ એપ્લાયન્સનો ઉપયોગ કરવાનું ટાળો. શક્ય હોય ત્યાં સુધી હિટિંગ એપ્લાયન્સ જેવા કે હેર સ્ટ્રેટનર, રોલર્સનો ઉપયોગ કરવાનું ટાળો, કારણ કે આનો ઉપયોગ તમારા વાળને નુકસાન પહોંચાડી શકે છે.
2. તમારા વાળ પર સલ્ફેટ-મુક્ત શેમ્પૂનો ઉપયોગ કરો અને ગરમ પાણીથી સ્નાન કરવાનું ટાળો, કારણ કે આ બંને વસ્તુઓ તમારા તાળવા પરના છિદ્રો ખૂલી જાય છે અને આને કારણે વાળનો રંગ ઝાંખો પડી શકે છે.
3. વાળને બે કરતાં વધુ કલરથી હાઇલાઇટ ન કરો. એક સાથે અનેક કલરનો ઉપયોગ કરવાને કારણે તમારા વાળ વિવિધ પ્રકારના રસાયણોના સંપર્કમાં આવી શકે છે, જે તેમને નુકસાન પહોંચાડી શકે છે.