ફેડરલના અધ્યક્ષે વધતા ફુગાવાને નાથવા આક્રમક વ્યાજ વધારાના સંકેત આપતાં સપ્તાહના અંતે વૈશ્ર્વિક સોનામાં ૧.૨ ટકાનું ગાબડું

કોમોડિટી -રમેશ ગોહિલ

વૈશ્ર્વિક બુલિયન માર્કેટમાં ગત સપ્તાહના મધ્ય સુધી તેજીનું વલણ રહ્યા બાદ સપ્તાહના અંતે અમેરિકાનાં જેક્શન હોલ ખાતે વૈશ્ર્વિક કેન્દ્રવર્તી બૅન્કોની બેઠકમાં ફેડરલ રિઝર્વના અધ્યક્ષ જૅરૉમ પૉવૅલનાં વક્તવ્ય પર રોકાણકારોની નજર હોવાથી ભાવમાં વધ્યા મથાળેથી ઘટાડો આવ્યો હતો. જોકે, સ્થાનિક ઝવેરી બજારમાં ખાસ કરીને વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલો તેમ જ સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયામાં નરમાઈનું વલણ રહેતું હોવાથી સોનાના ભાવમાં તેજીનો કરંટ જોવા મળ્યો હતો અને ભાવ વધી આવતા જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની ખરીદીને પણ બ્રેક લાગી હતી. જોકે, આગામી ગણેશોત્સવથી શરૂ થઈ રહેલી તહેવારોની મોસમની માગને ધ્યાનમાં લેતાં જ્વેલરી ઉત્પાદકો ખરીદી કરવા માટે ઈચ્છી રહ્યા છે, પરંતુ તેઓ ભાવઘટાડાની રાહ જોઈ રહ્યા હોવાનું ચેન્નાઈ સ્થિત એક ડીલરે જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે ગત ૨૮ જુલાઈના રોજ ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ઘટીને ૧૦ ગ્રામદીઠ રૂ. ૫૦,૯૭૧ની નીચી સપાટીએ પહોંચ્યા હતા, જ્યારે ગત સપ્તાહે સ્થાનિકમાં એક તબક્કે ભાવ વધીને રૂ. ૫૨,૦૯૪ સુધી પહોંચ્યા હતા. પ્રાપ્ત આંકડાકીય માહિતી અનુસાર ગત સપ્તાહના આરંભે સ્થાનિકમાં ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ આગલા સપ્તાહના અંતના ૧૦ ગ્રામદીઠ રૂ. ૫૧,૮૦૨ના બંધ સામે નરમાઈના ટોને ૫૧,૩૯૬ની સપાટીએ ખૂલ્યા બાદ સપ્તાહ દરમિયાન નીચામાં રૂ. ૫૧,૩૯૬ અને ઉપરમાં રૂ. ૫૨,૦૯૪ની રેન્જમાં અથડાઈને અંતે રૂ. ૫૧,૬૬૮ના મથાળે બંધ રહ્યા હતા. આમ એકંદરે સપ્તાહ અફરાતફરીભર્યું રહેતાં અંતે સાપ્તાહિક ધોરણે ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૩૪નો ઘટાડો આવ્યો હતો.
સપ્તાહના અંતે ગત શુક્રવારે અમેરિકી ફેડરલ રિઝર્વનાં અધ્યક્ષ જૅરૉમ પૉવૅલે તેનાં જેક્સન હોલ ખાતેનાં વક્તવ્યમાં ફુગાવામાં ઘટાડો ન થાય ત્યાં સુધી અર્થતંત્રમાં તંગ નાણાનીતિની આવશ્યકતા હોવાનું અને અર્થતંત્ર મંદ પડે તેવી શક્યતા વ્યક્ત કરી હતી, પરંતુ તેમણે આગામી સપ્ટેમ્બર મહિનાની બેઠકમાં કેટલી માત્રામાં વ્યાજદરમાં વધારો કરવામાં આવશે તેનો કોઈ નિર્દેશ નહોતો આપ્યો. તેમ છતાં આક્રમક ધોરણે વ્યાજદરમાં વધારાની શક્યતાને ધ્યાનમાં લેતા સપ્તાહના અંતે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમેક્સ વિભાગ પર હાજરમાં સોનાના ભાવ ૧.૨ ટકા ઘટીને ઔંસદીઠ ૧૭૩૮.૧૪ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. તેમ જ ભાવમાં સાપ્તાહિક ધોરણે સતત બીજા સપ્તાહમાં ઘટાડો નોંધાતા ૦.૪ ટકા ઘટી આવ્યા હતા. વધુમાં સપ્તાહના અંતે સોનાના વાયદામાં પણ ભાવ ૧.૨ ટકાના ઘટાડા સાથે ઔંસદીઠ ૧૭૪૯.૮૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
એકંદરે પૉવૅલના વક્તવ્ય પશ્ર્ચાત્ બજાર વર્તુળો આગામી ૨૦-૨૧ સપ્ટેમ્બરની નીતિવિષયક બેઠકમાં ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં ૭૫ બેઝિસ પૉઈન્ટનો વધારો કરે તેવી શક્યતા મૂકી રહ્યા હતા. તેમ જ ફેડરલ રિઝર્વ લાંબા સમયગાળા સુધી વ્યાજદરમાં વધારો કરે તેવી ધારણા મૂકી રહ્યા હોવાથી ઈક્વિટી માર્કેટ અને બુલિયન માર્કેટમાં નરમાઈતરફી વલણ રહ્યું હોવાનું ન્યૂ યોર્ક સ્થિત હેરસ પ્રીસિયસ મેટલ્સનાં એક ટ્રેડર તાઈ વૉન્ગે જણાવતા ઉમેર્યું હતું કે સામાન્યપણે આર્થિક અનિશ્ર્ચિતતાના સંજોગોમાં સોનામાં રોકાણકારોની સલામતી માટેની માગ રહેતી હોય છે, પરંતુ વ્યાજદરમાં વધારો અને અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં થઈ રહેલા વધારાને કારણે સોનામાં તેજી રૂંધાઈ રહી છે. અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે સપ્તાહના અંતે પૉવૅલના વક્તવ્ય બાદ ડૉલર ઈન્ડેક્સમાં ઘટ્યા મથાળેથી બાઉન્સબૅક જોવા મળ્યું હતું તેમ જ અમેરિકાની બે વર્ષીય બૉન્ડની યિલ્ડ અથવા તો ઊપજ વધીને બે મહિનાની ઊંચી સપાટીએ પહોંચી હતી.
હાલમાં જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરના ગ્રાહકોએ નવી ખરીદી પર બ્રેક લગાવી હોવાથી બજારમાં કામકાજો પાંખાં રહ્યા હોવાનું એક ડીલરે જણાવતાં ઉમેર્યું હતું કે નિરસ માગને કારણે સ્થાનિકમાં ડીલરો સોનાના ભાવ જે આગલા સપ્તાહે વૈશ્ર્વિક ભાવની સરખામણીમાં ઔંસદીઠ ચાર ડૉલર આસપાસના ડિસ્કાઉન્ટમાં ઑફર કરી રહ્યા હતા તેની સામે ગત સપ્તાહે ઔંસદીઠ સાત ડૉલર ડિસ્કાઉન્ટમાં ઑફર કરી રહ્યા હતા.
સોનાના વૈશ્ર્વિક અગ્રણી વપરાશકાર દેશ ચીન ખાતે સોનામાં તેજીનો અન્ડરટોન રહેતાં સાર્વત્રિક સ્તરેથી માગ ખૂલતાં ડીલરો સોનાના ભાવ જે ગત સપ્તાહે વૈશ્ર્વિક ભાવની સરખામણીમાં ઔંસદીઠ પાંચથી આઠ ડૉલર પ્રીમિયમમાં ઑફર કરી રહ્યા હતા તેની સામે ગત સપ્તાહે ઔંસદીઠ ૮થી ૧૬ ડૉલર આસપાસના પ્રીમિયમમાં ઑફર કરી રહ્યાના અહેવાલ હતા. જોકે, સપ્તાહના અંતે હાજર ભાવમાં ઘટાડો આવ્યો હોવાથી તેમ જ યુઆનમાં થયેલી વધઘટને કારણે પ્રીમિયમમાં ઘટાડો જોવા મળ્યો હોવાનું ગ્રેટર ચાઈના સ્થિત એમકેએસ પીએએમપીનાં રિજિનલ ડિરેક્ટર બર્નાર્ડ સિને જણાવ્યું હતું. જોકે, હૉંગકૉંગ ખાતે સાર્વત્રિક સ્તરેથી માગ ખપપૂરતી રહેતાં ડીલરો સોનાના ભાવ ઔંસદીઠ બે ડૉલર આસપાસના પ્રીમિયમમાં ઑફર કરી રહ્યા હતા. તેમ જ સિંગાપોર ખાતે પણ પ્રીમિયમ ઔંસદીઠ ૧.૫૦થી ૨.૩૦ ડૉલર આસપાસની સપાટીએ ટકેલા રહ્યા હતા. સપ્તાહના અંતે ભાવમાં ઘટાડાતરફી વલણ રહ્યું હોવા છતાં હોલસેલ કે રિટેલ ધોરણે અપેક્ષિત માગનો વસવસો રહ્યો હોવાનું સિંગાપોર સ્થિત ગોલ્ડસિલ્વર સેન્ટ્રલના મૅનૅજિંગ ડિરેક્ટર બ્રિઆન લાને જણાવ્યું હતું. વધુમાં ગત સપ્તાહે જાપાન ખાતે પણ માગ ખપપૂરતી રહેતાં ડીલરો સોનાના ભાવ વૈશ્ર્વિક ભાવની સરખામણીમાં ઔંસદીઠ ૫૦ સેન્ટ ડિસ્કાઉન્ટથી ૫૦ સેન્ટ પ્રીમિયમમાં ઑફર કરી રહ્યા હોવાના અહેવાલ હતા.
આર્થિક વૃદ્ધિ ધીમી પડે તેમ હોવા છતાં અમેરિકી ફેડરલ રિઝર્વ તંગ નાણાનીતિ જાળવી રાખે તેવી શક્યતા, ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ અને ટ્રેઝરીની યિલ્ડ ઊંચી સપાટીએ રહે તેવી શક્યતાને ધ્યાનમાં લેતાં આગામી સપ્તાહ દરમિયાન ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમેક્સ વિભાગ પર સોનાના ભાવ ઔંસદીઠ ૧૭૨૦થી ૧૭૮૦ ડૉલર આસપાસની સપાટીએ રહે તેવી શક્યતા વ્યક્ત કરતાં એસએમસી ઈન્વેસ્ટમેન્ટ્સ ઍન્ડ ઍડ્વાઈઝર્સનાં વિશ્ર્લેષકે જણાવતાં ઉમેર્યું હતું કે વૈશ્ર્વિક સોનાના નિરુત્સાહી અહેવાલ અને સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો નબળો પડી રહ્યો હોવાથી વર્તમાન સપ્તાહે સ્થાનિકમાં સોનાના ઓનલાઈન વાયદામાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૫૦,૯૦૦ની સપાટી મહત્ત્વની ટેકાની સપાટી અને રૂ. ૫૨,૪૦૦ની સપાટી મહત્ત્વની પ્રતિકારક સપાટી પુરવાર થાય તેવી શક્યતા નકારી ન શકાય.

Google search engine