સતત ત્રીજા દિવસે મુંબઈમાં ૩૫ ડિગ્રીથી વધુ તાપમાન
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ સહિત નજીકના હિલ સ્ટેશનમાં સતત ત્રીજા દિવસે ગરમી યથાવત રહી હતી. મુંબઈગરા એપ્રિલમાં પડતી ગરમીનો અનુભવ ડિસેમ્બરમાં કરી રહ્યા છે. સતત ગરમી અને ઉકળાટથી મુંબઈગરા ત્રાસી ગયા છે. વાતાવરણમાં સતત થઈ રહેલા ફેરફારને કારણે લોકોના આરોગ્યને પણ અસર થઈ રહી છે.
શનિવારે ૩૫.૯ ડિગ્રી સાથે મુંબઈ પૂરા દેશમાં સૌથી વધુ ગરમ રહ્યું હતું. રવિવારે તાપમાનનો પારો થોડો નીચે ઉતરી ૩૫.૨ ડિગ્રી જેટલો નોંધાયો હતો. જોકે પૂરા રાજ્યમાં સૌથી ઊંચુ તાપમાન મુંબઈમાં જ નોંધાયું હતું.
મુંબઈમાં રવિવારે સાંતાક્રુઝમાં મહત્તમ તાપમાન ૩૫.૨ ડિગ્રી અને કોલાબામાં ૩૩.૪ ડિગ્રી નોંધાયું હતું. જયારે મુંબઈ નજીકના હિલ સ્ટેશન માથેરાનમાં ૩૦.૬ ડિગ્રી જેટલું ઊંચુ તાપમાન રહ્યું હતું. રાજ્યના અનેક જિલ્લામાંથી ઠંડી ગાયબ થઈ ગઈ છે અને ગરમી પડી રહી છે. જોકે વહેલી સવારના થોડી ઠંડક જણાઈ રહી છે.
ઠંડી અને ગરમી જેવા વિચિત્ર તાપમાનને કારણે જોકે નાનાં બાળકોથી લઈને વરિષ્ઠ નાગરિકોના આરોગ્યને અસર થઈ રહી છે. સતત બદલાતા તાપમાનને કારણે શરદી, ઉધરસ, શરીરમાં દુખાવો જેવી ફરિયાદ નાનાં બાળકો અને વૃદ્ધો કરી રહ્યા છે.
આ વખતે મુંબઈ શહેરમાં ડિસેમ્બર મહિનામાં સામાન્ય તાપમાન કરતા બેથી ત્રણ ડિગ્રી સેલસિયસ તાપમાન વધુ નોંધાઈ રહ્યું છે. ડિસેમ્બરમાં અત્યાર સુધી મુંબઈમાં સૌથી ઊંચુ તાપમાન ૧૯૮૭માં ૩૮ ડિગ્રી જેટલું નોંધાયું હતું. ક્રિસમસ બાદ મહત્તમ તાપમાનમાં ફરી ઘટાડો થવાની શક્યતા છે.
આ દરમિયાન મુંબઈમાં છેલ્લા થોડા દિવસથી હવાની ગુણવત્તા સુધારો થઈ રહ્યો છે. મુંબઈની ઍર ક્વોલિટી ઈન્ડેકસ ૩૦૦થી પણ વધુ નોંધાયો હતો. તેને કારણે લોકો શરદી-ઉધરસની ફરિયાદ કરી રહ્યા છે. આ દરમિયાન રવિવારે જોકે પાછો એક્યુઆઈ ૧૬૬ જેટલો ઊંચો નોંધાયો હતો.