NCP અધિવેશનમાં જોરદાર ડ્રામાબાજી, અજીત પવાર સ્ટેજ છોડી ગયા અને શરદ પવાર જોતા જ રહી ગયા

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

શરદ પવારની પાર્ટી NCP નું બે દિવસીય રાષ્ટ્રીય અધિવેશન દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં યોજાયુ છે. પરંતુ રવિવારે આ સંમેલનમાં મોટો ડ્રામા થયો હતો. શરદ પવારના ભત્રીજા અને મહારાષ્ટ્ર વિધાનસભાના વિપક્ષી નેતા અજિત પવાર સ્ટેજ પરથી ઉભા થયા. જયંત પાટીલ તેમને રોકતા રહ્યા. શરદ પવાર જોતા જ રહી ગયા, પરંતુ અજિત પવારે પાછું વળીને જોયું જ નહીં. આ પછી અજિત પવારના સમર્થકો ગુસ્સે થઈ ગયા હતા અને હોબાળો કરવા લાગ્યા હતા. પ્રફુલ્લ પટેલ તેમને શાંત કરવા કહેતા રહ્યા કે અજિત પવાર વોશરૂમ ગયા છે. તે વોશરૂમમાંથી આવશે અને ભાષણ આપશે.
હકીકતમાં શરદ પવાર પછી જયંત પાટીલને ભાષણ માટે બોલાવવામાં આવ્યા હતા. જયંત પાટીલ મહારાષ્ટ્ર એનસીપીના અધ્યક્ષ છે. જયંત પાટીલનું ભાષણ શરૂ જ થયું હતું કે અજિત પવાર કાર્યક્રમ છોડીને ચાલ્યા ગયા હતા. અજિત પવારને સમયની અછતને કારણે બોલવાની તક આપવામાં આવી ન હતી. જેના કારણે તેઓ ગુસ્સે થઈ ગયા હતા. જોકે, પ્રફુલ્લ પટેલ સ્ટેજ પરથી કહેતા રહ્યા કે અજિત પવાર પણ ભાષણ કરશે. બાદમાં જયંત પાટીલે પણ કહ્યું કે અજિત પવારનું નામ કાર્યક્રમમાં વક્તાઓની યાદીમાં હતું. પરંતુ અજિત પવાર કંઇ પણ બોલ્યા વગર જ નીકળી ગયા હતા.
અજિત પવારના બહાર નીકળવાના કારણે કાર્યક્રમમાં અરાજકતા જોવા મળી હતી. અજિત પવારના સમર્થકો ગુસ્સે થયા. તેમને શાંત કરવા પ્રફુલ્લ પટેલ સમજાવતા રહ્યા કે અજિત પવાર પણ ભાષણ કરશે, પરંતુ ન તો અજિત પવાર પાછા ફર્યા કે ન તો તેમના સમર્થકોની નારાજગી દૂર થઈ.
જયંત પાટીલે મીડિયાને સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે, શરદ પવાર સાહેબનું છેલ્લું ભાષણ હતું. બધા તેના ભાષણની રાહ જોઈ રહ્યા હતા. તેથી જ અમે બધાએ અમારું ભાષણ ન આપવાનું મન બનાવી લીધું હતું. અજિત પવાર નારાજ નથી. આ બાબતને એટલું મહત્વ આપવાની જરૂર નથી.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.