અરે શું કરવું હું ના પાડું તો કોઈ માને છે ક્યાં ઘરમાં .!!!!

લાડકી

ઉડાન-મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધી

શ્ર્વેતા જોષી-અંતાણી

ચૈત્ર મહિનાના આકરા તાપને કારણે અસહ્ય ઉકળાટ અને બેચૈન કરી મુકે તેવા બફારા વચ્ચે મુખ્ય બજારના લાંબા રસ્તા પર પડતી ડાબી તરફની એક શેરીમાં વળતાં જ એના પગ લગભગ થંભી ગયા. એ સાંકડી શેરીની બંને તરફ એની નજર સરસરી ફરી વળી, અને! એનાથી અણગમાભર્યો નિ:સાસો નખાઈ ગયો. અરેરે! હજુ આ બધી જ દુકાનોમાં પણ જવું પડશે કે શું?? હકીકત એ હતી કે પોતાને તો એકપણ ચીજ ખરીદવાની નહોતી અને કદાચ જો ખરીદી કરવાની હોત તો પણ એ અત્યાર સુધીમાં બધું જ પતાવી, ઘેર પાછી પહોંચી, પોતાના શયનખંડની શીતળતામાં કઈક વાંચતી કે આરામ કરતી હોત. પરંતુ જેની સાથે એણે પરાણે આવવું પડેલું એ બધાં જ એની મમ્મી, માસી, કઝીન્સ સવારથી લગભગ પચ્ચીસ દુકાનોમાં પ્રવેશી અને માત્ર માલની ચકાસણી તેમજ આકરણી કરવા આવ્યા હોય એમ અંતે કોઈ જ પસંદગી કે ખરીદી કર્યા વગર દરેક વખતે ખાલીહાથે પાછા પગથિયાં ઊતરી જતા. અને પોતે સાચુંખોટું માત્ર એટલુ જ પૂછતી કે કઈ ના ગમ્યું?? સામે નકારમાં ધુણાવેલા ચહેરાઓ સામે પોતે સાચા ગુસ્સાને બદલે ખોટું સ્મિત ફરકાવતી ચાલવા લાગતી એમ અત્યારે પણ સ્વસ્થ ચહેરા અને ચીડાયેલા મન સામે ખોટું બોલી શકવા અસમર્થ પોતે સાચ્ચે જ એવું વિચારવા લાગી કે આ બધું હજુ કેટલું ચાલશે? કાલે પણ આવવું પડશે સાથે? માંડ રજાઓ મળી હતી એમાં આ રોજરોજની પરાણે થતી કસરત અને ઉપરથી આ ગરમી!! આટલું વિચારતા તો બહારના આશરે ચાલીસ ડિગ્રી જેટલા તાપમાનના પારામાં ભવ્યાની અંદરનો મિજાજનો પારો સો ડિગ્રીએ ઉકળવા લાગ્યો.. સાથોસાથ ઓ! બેન સહેજ આઘા રહો આમ રસ્તાની વચ્ચોવચ્ચ ગમે ત્યાં ઊભા રહી જાઓ છો, કઈ સમજણ બમજણ પડે કે નહી? એમ બબડતો પરસેવાથી નીતરી રહેલો એક મજૂર જેવો માણસ પોતાની રેકડીને ધક્કા મારતો એને દૂર હડસેલતો આગળ નીકળી ગયો ત્યારે તો મગજ સાવ છટકી ગયો પણ આસપાસ નજર કરતાં તેને ખ્યાલ આવ્યો કે પોતે ઘણી પાછળ રહી ચુકી છે. એણે ડોક ઊંચી કરી જોવાનો પ્રયત્ન કર્યો તો થોડે આગળ એક શો-રૂમના ડિસ્પ્લેમાં મુકાયેલ સાડીઓને ઝીણી આંખે ચકાસી રહેલા એની સાથે આવેલ મા-દીકરી બન્ને એને ઇશારાથી અંદર આવવાનું કહી પગથિયા ચડી ગયા. પોતે ઉતાવળા પગલે મો પર બાઝી ગયેલા પ્રસ્વેદનને લુછતી હા, હા .. આવું જ છુ! એમ બોલતા ચાલવા લાગી. લાંબી ફલાંગો ભરતી એ જેટલા ડગલા ચાલી એટલા બહાના એના મન એ શોધી લીધા. શેના? ના પાડવાના જ તો.! જાતને ટપારતા ટપારતા તૈયાર કરવાનું શરૂ કર્યું કે ગમે તે થાય હમણાં જ કહી દેવું છે કે કાલે હું નહીં આવી શકું. તુરંત જ એની જાતે એને ટોકી, પણ ખરાબ લાગશે તો?, નહિ ગમે તો? મમ્મી તો ચોક્કસ ગુસ્સે થશે. બે પળ અટકી અચકાતી, ખચકાતી, સારા-નરસા પાસાઓને ચકાસતી એ દરવાજાને જરા જોરથી ધક્કો મારી અંદર જતાં જ જ્યાં જગ્યા મળી ત્યાં ફસડાઈ પડી. હાશ! એ.સી.ના વેન્ટમાંથી આવતી ઠંડી હવાની લહેરખીએ એને જરા ઠંડી પાડી એ સાથે જ ચોખ્ખી ના પાડી દેવાના નિર્ધારો પણ ઠંડા પડી ગયા જાણે!!! એક પછી એક પથરાતી સાડીઓ, રંગબેરંગી ભાતભાતની ડિઝાઇન અને અવનવા ડ્રેસીસ વચ્ચે એ અટવાતી રહી. અટવાતી જ રહી…અને જેમ તેના બીજા મિત્રો ગમે ત્યારે એની સામે નાની અમસ્તી વાતમાં પણ ના પાડી દેતા શરમાતા કે અચકાતા નહોતા એવું એનાથી કેમ થઇ નથી શકતું એ પ્રશ્ર્ન ઉકેલવા મથતી રહી..મથતી જ રહી છેક સુધી…
જો ટીનેજર્સનો સર્વે કરવામાં આવે તો તેઓ પાસે આવા એક નહિ અનેક પ્રસંગો, અનુભવો કે ઘટનાઓ નીકળી આવશે જેમાં તેઓ પાસે ના પાડવાનું ઓપ્શન નથી હોતું જેના કારણે તેઓ ઘણી બધી વખત મુશ્કેલીભરી પરિસ્થિતમાં મુકાઇ જતા હોય છે. ક્યારેક એકબીજા સાથે આ પ્રકારનો સંવાદ કરતા પણ સાંભળવા મળે કે, અરે શું કરવું હું ના પાડું તો કોઈ માને છે ક્યાં ઘરમાં .!!!! એટલે પછી મારે આમ કરવું પડ્યું અને તેમ જવું જ પડ્યું અને પછી તો એક દિવસ ના પાડવાને બદલે ધરાર મારે કરવું છે એ હું કોઈને કહ્યા વગર કરવા લાગીશ એ વિચાર તેઓના મનમાં ઉભરવા લાગે.
એક નનૈયો સો દુ:ખ હણે આ કહેવત જાણે તરુણો કે યુવાવસ્થામાં પ્રવેશતી દીકરીઓ માટે બની નથી હોતી. તમને સમજ ના પડે, નાના હોય એટલે ના પડાય જ નહી, દરેકની વાતમાં તુરંત જ સહમત થઈ જવું એજ સારા વ્યક્તિ હોવાની નિશાની છે. આવા જાતભાતના સૂચનો ભવ્યા નાનપણથી સાંભળતી આવેલી અને ઘણાખરા અંશે અમલમાં પણ મુકતી આવેલી પરંતુ હવે એ તરુણાવસ્થાના આખરી પડાવ અને યુવાવસ્થાના ઉંબર પર ઊભી છે ત્યારે કોણ જાણે કેમ આ બધું તેને હવે રુંધી નાખનારું લાગે છે.આ માત્ર ભવ્યાનો જ નહીં લગભગ દરેક નવીસવી યુવાનીમાં પ્રવેશેલી યુવતીનો સામાન્ય પ્રશ્ર્ન છે. અને આ ઉંમરે જ ના પાડતા અચકાતી યુવતી આગળ જતાં જીવનના પડાવો પર ઘણી તકલીફ ભોગવે છે.
તરુણાવસ્થા તેમજ યુવાનીમાં પ્રવેશતા દરેકને જો હા પાડવાની હકારાત્મકતા વધારવાની સાથોસાથ ક્યારેક સમય આવ્યે ના પાડવાની આઝાદી પણ આપવામાં આવે તો બીજું કઈ નહિ પરંતુ તેઓ દ્વારા જિંદગીમાં બળવાખોર બની જવાની ઘટનાઓને ટાળી શકાય છે. યુવાનવયે હા તેમ જ ના નો સાચો પ્રયોગ કરતા શીખવું એટલી તો જવાબદારી જાત પ્રત્યે નિભાવવી જરૂરી છે જ. (ક્રમશ:)

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.