નવી દિલ્હીઃ એવિયેશન ઈન્ડસ્ટ્રીઝ નિરંતર લાઈમલાઈટમાં રહ્યા કરે છે, જેમાં તાજેતરમાં દિલ્હી-પુણેની ફ્લાઈટમાં બોમ્બે મૂકયો હોવાની માહિતી પછી સમગ્ર પ્રશાસન દોડતું થઈ ગયું હતું.
દિલ્હી-પુણે વચ્ચે સ્પાઈસ જેટ (SG 8935)ની ફ્લાઈટમાં બોમ્બ મૂક્યો હોવાની માહિતી મળ્યા બાદ ફ્લાઈટને ઉડાન ભરવાની મંજૂરી આપી નહોતી. તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવી હતી. દિલ્હી પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. નિર્ધારિત ગાઈડલાઈન અન્વયે સિક્યોરિટી ડ્રીલ કરવામાં આવી હતી તથા તપાસ દરમિયાન કોઈ પણ શંકાસ્પદ વસ્તુ મળી નથી.
ટેકઓફ પહેલા એરપોર્ટ ઓથોરિટીને ફ્લાઈટ (સાંજના 5.35 વાગ્યાનો ફ્લાઈટનો સમય હતો)માં બોમ્બ મૂક્યાની માહિતી મળી હતી તેના આધારે પોલીસ અને દિલ્હી એરપોર્ટના અધિકારી દ્વારા તાત્કાલિક ચેકિંગ કરવામાં આવ્યું હતું, જેમાં અત્યાર સુધીમાં તપાસમાં કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી. સર્ચ ઓપરેશન બાદ કંઈ શંકાસ્પદ મળ્યું નહોતું તથા ઓથોરિટીએ એ અફવા હોવાનું જણાવ્યું હતું. તાજેતરમાં મોસ્કોથી ગોવા જતી ફ્લાઈટમાં પણ બોમ્બની જાણકારી મળી હતી. આ માહિતી મળ્યા પછી ફ્લાઈટનું ઉતરાણ ગુજરાતના જામનગર ખાતે કરવામાં આવ્યું હતું. ફૂલ ચેકિંગ કર્યા પછી વિમાનને રવાના કરવામાં આવ્યું હતું. આ ફ્લાઈટમાં બોમ્બની માહિતી ઈમેલ મારફત મળી હતી.