મુંબઈ: ડિરેક્ટોરેટ ઑફ રેવેન્યૂ ઈન્ટેલિજન્સે (ડીઆરઆઈ) મુંબઈના ઈન્ટરનૅશનલ ઍરપોર્ટ પર એક મહિલા પ્રવાસીથી પાસેથી અંદાજે ૮૪ કરોડ રૂપિયાનું ૧૨ કિલો હેરોઈન જપ્ત કર્યું હતું. આ કેસમાં મહિલા સહિત ત્રણની ધરપકડ કરી ડીઆરઆઈએ વધુ તપાસ હાથ ધરી હતી.
અધિકારીના જણાવ્યા મુજબ મહિલા મંગળવારે કેન્યા ઍરવેઝની ફ્લાઈટમાં નૈરોબી થઈ ઝિમ્બાબ્વેના હરારેથી મુંબઈ આવી હતી. માહિતીને આધારે ડીઆરઆઈના અધિકારીઓએ તેને તાબામાં લીધી હતી.
મહિલાના સામાનની તપાસ કરવામાં આવતાં ક્રીમ કલરના દાણા મળી આવ્યા હતા. અંદાજે ૧૨ કિલોના આ દાણા હેરોઈન હોવાની ખાતરી થઈ હતી. જપ્ત કરાયેલા ડ્રગ્સની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં ૮૪ કરોડ રૂપિયા હોવાનું અધિકારીનું કહેવું છે.
મહિલાએ ટ્રોલી બૅગ અન્ે ફાઈલ ફોલ્ડરોની અંદર ડ્રગ્સ સંતાડી રાખ્યું હતું. તેને હરારેમાં ડ્રગ્સ અપાયું હોવાનું મહિલાનું કહેવું છે. આ ડ્રગ્સની ડિલિવરી મુંબઈમાં બે વ્યક્તિને કરવાની હતી. માહિતીને આધારે અધિકારીઓએ ડ્રગ્સની ડિલિવરી લેવા આવેલા બે જણને ઍરપોર્ટ બહારથી પકડી પાડ્યા હતા.
ત્રણેય આરોપીની એનડીપીએસ ઍક્ટ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. આરોપીએ અગાઉ પણ ડ્રગ્સની હેરફેર કરી હોવાની શક્યતા અધિકારીઓએ વ્યક્ત કરી હતી.