મુંબઇ સહિત દેશભરમાં ડ્રગ્સ
પકડાવાનો સિલસિલો ચાલુ જ છે. રોજ કરોડોના કિંમતનું ડ્રગ્સ પકડાયાના અહેવાલો સમાચાર પત્રોમાં છપાતા રહેતા હોય છે. હવે હાલમાં મુંબઇ એરપોર્ટ પરથી પ્રતિબંધિત ડ્રગ્સ પકડાયું છે. ડિરેક્ટરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરઆઈ)એ એડિસઅબાબા (ઇથોપિયા)થી મુસાફરી કરીને મુંબઈ પહોંચેલા એક મુસાફરની અટકાયત કરીને તેની પાસેથી ૭૦ કરોડ રૂપિયાનું હેરોઇન જપ્ત કર્યું હતું. આ મામલે બે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. આ ઉપરાંત બાંદ્રા-કુર્લા કોમ્પલેક્ષ વિસ્તારમાં મુંબઈના એન્ટી નાર્કોટિક્સ સેલે રૂપિયા 10 કરોડથી વધુની કિંમતના મેફેડ્રોન સાથે ત્રણ વ્યક્તિની ધરપકડ કરી હતી.

ડીઆરઆઈના અધિકારીઓએ મળેલી માહિતીને આધારે છટકું ગોઠવ્યું હતું અને રવિવારે સવારે એડિસઅબાબાથી મુંબઈ એરપોર્ટ પર આવેલા એક પ્રવાસીને અટકાવીને તેની પૂછપરછ કરી હતી. તેની બેગની તપાસ દરમિયાન તેમાંથી આશરે 10 કિલો હેરોઇન મળી આવ્યું હતું, જેની માર્કેટ કિંમત અંદાજે 70 કરોડ રૂપિયા છે. આ સંબંધે એક નાઈજીરીયન વ્યક્તિની પણ ધરપકડ કરવામાં આવી હતી. તેની પાસેથી પણ કોકેન અને હિરોઈન મળી આવ્યું હતું. બંનેની સામે કેસ નોંધવામાં આવ્યો છે. વધુ તપાસ ચાલુ છે.