Homeઈન્ટરવલઅહીં જમીનમાંથી લગભગ ૬૫ ડિગ્રી જેટલું ગરમ પાણી સતત નીકળ્યા જ કરે...

અહીં જમીનમાંથી લગભગ ૬૫ ડિગ્રી જેટલું ગરમ પાણી સતત નીકળ્યા જ કરે છે, હિમાલયની અસલી ગંગોત્રી અહીં છે

જૈન સાધુની હિમાલય યાત્રા -આચાર્ય વિજય શ્રી હાર્દિકરત્નસૂરિજી મ.સા.

પુસ્તકો વાંચી વાંચીને જ જો સાધનામાં આગળ વધાતું હોય તો ગુરુનું શું કામ છે?
આત્મિક આનંદ તો આત્માની અનુભૂતિ છે અને તે પુસ્તક વાંચવાથી મળે એવી માન્યતા કેટલી સાચી છે તે વિચારવું.
શત્રુંજય-ગિરનાર-પાવાપુરી જેવા હજારો પવિત્રતમ તીર્થ સ્થળો આપણી પાસે છે. ત્યાં જઈને થોડો સમય રોકાઈને ‘અંદર’ ઊતરી શકાય. તેમાંય હિમાલયની વાત જ ન્યારી અહીં બધું સહજ છે. સહજ બનવું પણ સહજ છે.
પૂર્વકાળમાં મહાપુરુષો જંગલમાં જ રહેતા. જેને સંસ્કૃતિના આદિ તીર્થંકર શ્રી ઋષભદેવથી લઈ મહાવીરસ્વામી સુધી તમામ તીર્થંકરોએ વનવાસ સ્વીકાર્યો છે. તેમના સાધુઓએ પણ એજ માર્ગ અપનાવ્યો છે. ભગવાન મહાવીર પ્રભુના છદમસ્થકાળની વાતોથી આ વાત વધારે સ્પષ્ટ થશે. એ પછી પણ વર્ષો સુધી આ પરંપરા ચાલી. તેમાય પરિહાર વિશુદ્ધિતપના તપસ્વીઓ અને જિનકલ્પીઓને તો જંગલમાં જ રહેવાની વાત જૈન શાસ્ત્રોમાં બતાવેલી છે. શા માટે જંગલ… પહાડ… ગુફાઓ… માં રહેવું?
વાત વળીને પાછી આવી જેટલા કુદરતની નજીક રહેવાય તેટલી વધુ નિર્મળતા આવે. સતત કુદરતના ખોળે મહાલવાનું સૌભાગ્ય મળવું મુશ્કેલ છે.
અમે હિમાલયમાં વિચરી રહ્યા છીએ. તમે આ ફોટો જોઈને વિચાર કરી શકો કેવા ભયાનક વનમાંથી વિહાર કરવાનો હોય. રસ્તો પણ જુઓ. પત્થરો પર ચાલવાનું હોય.ગમે ત્યારે ગમે ત્યાંથી કોઈ પણ જંગલી જાનવર આવી શકે છે. પણ આનંદના લોઢ ઉછળતા હોય એ આનંદને શબ્દોમાં ઢાળી શકાય તેમ નથી.
ગંગનાની
જેઠ સુદ ૫, શનિવાર, તા. ૧૯-૦૫-૨૦૧૮
સાંજે ગંગનાની આવ્યા છીએ. વિહાર તો ૫ કિ.મી.નો થયો. સાંજે વરસાદ ખૂબ આવ્યો હતો. ૪ વાગ્યે વિહાર માટે તૈયાર થયા અને “મહારાજ પધાર્યા. “એ આવે તો આપણે ક્યાંય જવાય નહીં ને? છેલ્લે છ વાગે મેઘરાજ સ્વસ્થાને પધાર્યા, ત્યારે અમે છૂટા થયા. કેટલાક વગર બોલાવેલા મહેમાન ખોટા સમય આવી જાય એવી લાગણી આજના વરસાદે અમારી અંદર જન્માવી ૬ વાગ્યે સાંજે નીકળ્યા સવા ૭ સુધી ગરમ પાણીના કુંડવાળા આશ્રમ પહોંચી ગયા. જતા જ ગિરનારી બાબાએ બધી વ્યવસ્થા કરી આપી. અહીં જમીનમાંથી ગરમ પાણી સતત નીકળ્યા જ કરે છે. લગભગ ૬૫્ર ડિગ્રી જેટલું ગરમ કહેવાય છે. હિમાલયના ચારે તીર્થસ્થાનોમાં ગરમ પાણીનું ઝરણું છે. ગંગોત્રીનું ગરમ પાણી અહીં છે. બાબાના કહેવા પ્રમાણે અસલી ગંગોત્રી અહીં છે. જે હોય તે. ગિરનારી બાબા ગુજરાતમાં ઘણું ફરેલા એટલે જૈન સાધુનો આછો પાતળો પરિચય ખરો. ભોજન માટે ઘણો આગ્રહ કર્યો પણ રાત પડી ગઈ હતી. અન્ય કંઈ પણ વ્યવસ્થા માટે વિનંતી કરી. રાત્રે અમારે કંઈ આવશ્યકતા પડી નહીં. અહીં પારાશર ઋષિનું મંદિર છે, એટલે કે કુંવારી મત્સ્યક્ધયા સત્યવતીના પતિ અને મહાભારતના રચનાકાર વ્યાસજીના પિતા પારાશર ઋષિએ અહીં સાધના કરી હતી એવું કહેવાય છે. લાભભાઈ ઉતારાની વ્યવસ્થામાં ગોઠવાયેલા છે. અમારે ઘડીક બેસવું પડે તેમ છે. એક જુદા બાકડા ઉપર અમે અમારું આસન ગોઠવ્યું. અમે ડુંગરની ધારે બાબાના આશ્રમમાં રોડથી લગભગ ૫૦ ફૂટ ઉપર ઊંચાઈએ બેઠા છીએ. સૂરજમાં’રાજ તો ક્યારના આભની અટારીએથી આગળ વધી આકાશે અડતા ઊંચા હિમાલયનાં શિખરોની પાછળ અલોપ થઈ ગયો છે. અવનિ પર અંધકારના ઓળા ઊતરવાને વાર નથી. આથમણા ગિરિ શિખરોની આસપાસ સંધ્યાની આભાના રંગો ઓસરીને આછા થઈ ગયા છે. છેલ્લું અજવાળિયું પણ જવાની તૈયારીમાં છે. માથા ઉપર આકાશી તારાનો મલકાટ જરા તરા જોઈ શકાય છે. જ્યાં સુધી નજર પહોંચે ત્યાં સુધી ઊંચી પર્વતમાળા પણ રાતના અંધકારમાં ઓગળવા માંડી છે. ત્યાં અચાનક આકાશમાં આશ્ર્ચર્ય ઉત્પન્ન થયું. પરાણે નજરો ખેંચાય તેવા તેજ પુંજને આકાશમાં દૂર જતો જોયો. શું હશે તે? ક્યાંથી આવે છે તે તેજપૂંજ ? ક્યાં જાય છે? આ સમયે કેમ? આવા તો હજાર પ્રશ્ર્નો અમારા મગજમાં દોડી ગયા, પણ અમે તેના જવાબ શોધીએ ત્યાં તો ત્વરિત ગતિએ એ તેજપુંજ આભે ટેકા દઈને ઊભેલા હિમશિખરોની પાછળ અદૃશ્ય થઈ ગયો. અદ્ભુત આશ્ર્ચર્ય માનસપટથી દૂર થાય એ પહેલા તો વધારે ઘેરૂં થતું ગયું. સાથે રહેલ મુનિમંડલ તો આનંદમાં ગરકાવ થઈ ગયો. શું હશે તે? પણ કોને પૂછવું? શું પૂછવું?
હિમાલયમાં આવા આશ્ર્ચર્યકારી પ્રસંગોનો પાર નથી. દિવસ ઊગે ને આશ્ર્ચર્યોની શ્રૃંખલાનું નિર્માણ થાય. પણ આસપાસ ગામડાના લોકોની પાસે એના કોઈ જવાબ ન હોય. કોઈ બાબાને પૂછીએ તો એક જ જવાબ મલે. ‘યે તો હિમાલય બાબા કી લીલા હૈ, કૌન જાનતા હૈ ઈસકે રહસ્યોં’
કો’ એમ કહીને વાત ઉપર પૂર્ણ વિરામ મૂકી દે. પ્રશ્ર્ન પ્રશ્ર્ન જ રહે આજ સુધીના અસંખ્ય પ્રશ્ર્નો એમને એમ ચિત્તમાં અચેત થઈને પડ્યા છે. ચેતનવંત હિમાલયને આ પ્રશ્ર્ન પૂછો તો એક જવાબ મળે ઓ માનવપ્રાણીઓ ! હિમાલયને ઓળખવા માટે હિમાલયમાં ઊતરવું પડે. હિમાલયમાં ઓગળવું પડે. હિમાલયની સાથે એકમેક થઈ એકાત્મગત થવું પડે, તો જ સમાધાન થઈ શકે. વિચારોના વહેણમાં આગળ વધી શકાયું નહીં. રાજુ આવી ગયો હતો આમંત્રણ લઈને. પધારો સાહેબ! અમે ગરમ પાણીના કુંડ પાસેથી નાનકડા પગથિયા પર ચઢતા ઉપર પહોંચ્યા. ત્યાં સંતકુટીરના હુલામણા નામથી ઓળખાતા એક ઓરડામાં પ્રવેશ કર્યો. ગિરનારી બાબાએ અમારે માટે ચટાઈ, જાજમ, ઢાબળા જેવાં સાધનોની વ્યવસ્થા પહેલે જ કરી રાખી હતી. પણ અમારે તો એના ઉપયોગ વિના જ રાત્રિ વિશ્રામ કરવો હતો. એમજ કર્યું પાથરેલી ચટાઈ અને જાજમને એક તરફ કરી અમે પ્રમાર્જના કરી અમારૂં સ્થાન ગ્રહણ કર્યું. (ક્રમશ:)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular