આવી પહોંચી વિઘ્નહર્તાની સવારી

આમચી મુંબઈ

ગણેશોત્સવ નજીક આવી ગયો હોવાથી મોટા ભાગનાં સાર્વજનિક ગણેશોત્સવ મંડળો પોતાના મંડપમાં ગણપતિબાપ્પાની મૂર્તિઓ લાવવાનું ચાલુ કરી દીધું છે. રવિવારે મોડી રાતના ફોર્ટમાં મુંબઈ મહાનગરપાલિકાના મુખ્યાલય અને છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસની ઊંચી ઝગમગ લાઈટિંગથી ચમકતી ઈમારતોની વચ્ચેથી ‘ફોર્ટ ચા રાજા’ની સવારી નીકળી હતી. ભક્તો પોતાના લાડલા ગણરાયાને ઢોલ-તાશાના તાલે ભારે ધૂમધામપૂર્વક પોતાના મંડપમાં લઈ આવ્યા હતા. (અમય ખરાડે)
—-
ગણેશમંડળો આર્થિક સંકટમાં?
જીએસટીમાં રાહત: સાર્વજનિક ગણેશોત્સવ સમન્વય સમિતિની માગણી
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: કોરોના મહામારી બાદ બે વર્ષે આ વખતે ગણેશોત્સવ ધૂમધામથી ઊજવવામાં આવવાનો છે. જોકે કોરોના મહામારીને પગલે ગણેશોત્સવ મંડળોને આ વખતે આર્થિક સંકટનો સામનો કરવો પડી રહ્યો છે. તેથી અનેક નાનાં-મોટાં મંડળો આ વખતે દસ દિવસના બદલે દોઢ દિવસના ગણપતિની સ્થાપના કરવાના હોવાનું જાણવા મળ્યું છે. એટલું જ નહીં, પણ કોરોનાને પગલે આર્થિક સંકટ માથા પર છે, તેમાં પાછું ગણેશમંડળોને પણ જીએસટીનો ફટકો પડ્યો છે. તેથી આ વખતે ગણેશોત્સવની ઉજવણી ફિક્કી થવાની શક્યતા વચ્ચે બૃહનમુંબઈ સાર્વજનિક ગણેશોત્સવ સમન્વય સમિતિએ ગણેશોત્સવમાં આવશ્યક સેવા પર લાગુ પડનારા જીએસટીને તાત્કાલિક રદ કરવાની માગણી રાજ્ય સરકારને કરી છે.
બે વર્ષ બાદ આ વખતે ધૂમધામથી ગણેશોત્સવની ઉજવણી થવાની છે. લોકોમાં ભારે ઉંમગ જોવા મળી રહ્યો છે. જોકે મુંબઈના અનેક નાનાં-મોટાં સાર્વજનિક ગણેશોત્સવ મંડળને આર્થિક ચિંતા સતાવી રહી છે. કોરોનાને પગલે અપેક્ષા મુજબની વર્ગણી મળી નથી. તેમાં પાછું છેલ્લાં બે વર્ષથી કોરોનાને પગલે ગણેશોત્સવની ઉજવણી થઈ ન હોવાથી મંડપ પાસે પૂરતું ફંડ નથી. તેમાં પાછું અનેક વસ્તુઓ પર જીએસટી લાગુ પડ્યો હોવાથી મંડપ બાંધવાથી લઈને અનેક વસ્તુઓનો ખર્ચ વધી ગયો છે. તેથી આ વર્ષે ધૂમધામથી ગણેશોત્સવ ઊજવવા માગતાં મંડળોની ચિંતા વધી ગઈ છે.
બૃહનમુંબઈ સાર્વજનિક ગણેશોત્સવ સમિતિના અધ્યક્ષ એડવોકેટ નરેશ દહીંબાવકરે ‘મુંબઈ સમાચાર’ને કહ્યું હતું કે સાર્વજનિક ગણેશોત્સવ મંડળ મોટા ઉત્સાહથી ઊજવવો હોય તો તે માટે ગણેશમંડળો માટે પૂરક વાતાવરણ તૈયાર કરવું અને તેમને કરમાં રાહત આપવી આવશ્યક છે. તેથી ગણેશોત્સવમાં આવશ્યક સેવા પરનો જીએસટી રદ કરવામાં આવે તો સાર્વજનિક ગણેશોત્સવ મંડળનો આર્થિક ભાર ઓછો થઈ શકે છે. સાર્વજનિક ગણેશોત્સવ મંડળ પાસે જીએસટી નોંધણી ન હોવાથી તેમને જીએસટીનો બોજો સહન કરવો પડી રહ્યો છે, જ્યારે તેમને જુદી જુદી સેવા પૂરી પાડનારા કૉન્ટ્રેક્ટરો પાસે જીએસટી નંબર હોવાથી તેઓ જીએસટીમાં રાહત મેળવી શકશે, પણ મંડળોને નુકસાન સહન કરવું પડશે.
નરેશ દહીંબાવકરે કહ્યું હતું કે માર્ચ, ૨૦૨૦માં મુંબઈમાં કોરોનાની એન્ટ્રી થવાની તમામ તહેવારોની ઉજવણી પર પ્રતિબંધ આવી ગયો હતો. આ વર્ષે તમામ પ્રતિબંધો હટાવી લેવામાં આવ્યા છે અને ધૂમધામથી તહેવાર ઊજવવાની મંજૂરી આપવામાં આવી છે. જોકે જીએસટીના બોજાની સાથે જ ઓછી વર્ગણીને કારણે અનેક નાનાં મોટાં મંડળોએ તેમના ગણપતિ દસ દિવસને બદલે દોઢ દિવસના જ લાવવાના હોવાનું તેઓએ અમને જણાવ્યું છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.