રસ્તા પરના ખાડાથી અભિનેત્રી હેમા માલિની પણ પરેશાન..

ફિલ્મી ફંડા

ચોમાસાની સિઝન ચાલુ થાય અને મુંબઇમાં લોકોની હાલાકી વધવા માંડે. રસ્તા પરના ખાડા કે ખાડામાંથી રસ્તો બનાવ્યો છે એ કળવું મુશ્કેલ થઇ જાય. રસ્તા પરના ખાડાની સમસ્યા તો લોકોની સાથે સાથે ફિલ્મ સ્ટારોને પણ સતાવે છે. બોલિવૂડ અભિનેત્રી તથા સાંસદ હેમા માલિની તાજેતરમાં જ રિયાલિટી શોના શૂટિંગ અર્થે મીરા રોડ ગયાં હતાં. મીરા રોડથી જુહૂ સુધીનું ટ્રાવેલિંગ કરતાં તેમને બે કલાક જેટલો સમય થયો હતો. આટલું જ નહીં આ દરમિયાન તેમણે એક પણ વાર ટ્રાફિક પોલીસ જોયો નહોતો. આ ટ્રાવેલિંગથી તેઓ પરેશાન થઇ ગયા હતા.
હેમા માલિનીએ જણાવ્યું હતું કે, હું તો કલ્પના જ કરી સકતી નથી કે પ્રેગનેન્ટ મહિલાઓ આવા ખાડાવાળા રોડ પર કેવી રીતે ટ્રાવેલ કરતી હશે. મારી ચિંતા એક મુંબઈકરની છે અને પોલીસનું કામ ટ્રાફિકને કંટ્રોલ કરવાનું અને રસ્તા પરથી મુસાફરી કરતા લોકોને માર્ગદર્શન આપવાનું છે. આજે મને પણ આ સમસ્યાનો સામનો કરવો પડ્યો.
હેમા માલિનીએ કહ્યું કે મને બહાર જવામાં ખરેખર ડર લાગે છે કારણ કે ત્યાં ઘણો ટ્રાફિક અને અવ્યવસ્થા છે. પહેલા દિલ્હી અને મથુરા જેવા શહેરમાં પણ ઘણો ટ્રાફિક રહેતો હતો, પણ હવે સ્થિતિ સુધરી છે. હું પણ પહેલા શૂટીંગ માટે જૂહુથી ચાઇના ક્રીક અને દહિસર જતી હતી, પણ તે સમયે જરા પણ મુશ્કેલી પડતી નથી. અમારે શૂટીંગ માટે વારંવાર ટ્રાવેલ કરવું પડે છે, મે શૂટિંગ માટે આ રસ્તાઓ પર ઘણી મુસાફરી કરી છે. હવે ત્યાં જવું ખૂબ મુશ્કેલ છે. આવા ખાડાવાળા રસ્તા પર ટ્રાવેલ કરવું બહુ તકલીફજનક છે. મુંબઇ પહેલા શું હતું અને હવે શું બની ગયું.
ઉલ્લેખનીય છે કે હેમા માલિની અગાઉ પણ ચર્ચામાં આવ્યા હતા જ્યારે મહારાષ્ટ્રના પૂર્વ પાણી પુરવઠા અને સ્વચ્છતા મંત્રી ગુલાબરાવ પાટીલે તેમના મતવિસ્તારના સુંવાળા રસ્તાઓની તુલના અભિનેત્રી હેમા માલિનીના ગાલ સાથે કરી હતી. તેના જવાબમાં હેમા માલિનીએ કહ્યું હતું કે આવી ટિપ્પણીઓ સારી નથી લાગતી. જોકે, ગુલાબરાવે પોતાના વાહિયાત નિવેદન બદલ માફી માંગી અને મીડિયા સામે આવીને કહ્યું કે મારો મતલબ કોઈને દુઃખ આપવાનો નહોતો.
હેમા માલિની છેલ્લે 2020માં સિમલા મિર્ચ નામની ફિલ્મમાં જોવા મળ્યા હતા. 2014માં તેઓ ભાજપની ટિકિટ પરથી મથુરા બેઠક પર ચૂંટાઇ આવ્યા હતા. 2019માં તેઓ ફરી વાર આ બેઠક પરથી ચૂંટાઇ આવ્યા હતા. હેમા માલિની મથુરા અને મુંબઇ આવન-જાવન કરે છે. હેમાજીએ બોલીવૂડ અભિનેતા ધર્મેન્દ્ર સાથે લગ્ન કર્યા છે. તેમને બે દીકરી છે. ઇશા અને આહના. બંનેના લગ્ન થઇ ગયા છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.