Homeધર્મતેજદીન-દુ:ખીઓ, હાજતમંદોના મદદગાર: હિંદવલી ખ્વાજા ગરીબ નવાઝનો ઉર્સ મુબારક

દીન-દુ:ખીઓ, હાજતમંદોના મદદગાર: હિંદવલી ખ્વાજા ગરીબ નવાઝનો ઉર્સ મુબારક

આચમન -અનવર વલિયાણી

આજે ભારતમાં કોઈ એક શહેરને શરીફ એટલે કે પવિત્ર કહેવાતું હોય તો એ છે રાજસ્થાનનું નગર અજમેર જ્યાં ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તી એટલે કે ખ્વાજા ગરીબનવાઝ વસ્યા છે. તેમના પ્રતાપને કારણે જ આ શહેરને શરીફ અજમેર નામ મળ્યું છે.
ખ્વાજા ગરીબનવાઝ સાહેબનો જન્મ હિજરી ૫૩૬ (ઈ.સ. ૧૧૪૧)માં મધ્ય એશિયામાં આવેલા સિસ્તાન ઈલાકાના ‘સંજર’નામક ગામમાં થયેલો. સંજર કંદહારની ઉત્તરે આવેલું છે. આપ હસન – હુસૈની હતા. એટલે કે આપની મા તરફથી આપનો સિલસિલો ઈમામ હસન સુધી પહોંચે છે અને આપના પિતા ગ્યાસુદ્દીન તરફથી આપનો સિલસિલો હઝરત ઈમામ હુસૈન સાહેબ સુધી પહોંચે છે.
હઝરત ખ્વાજા ગરીબ નવાઝ નવા વર્ષના હતા, ત્યારે આપના વાલિદસા’બ (પિતાશ્રી)નો સાયો અને પંદર વર્ષના થયા, ત્યારે આપના વાલિદા (માતા)નો સાયો ઊઠી ગયો. (બંને ગુજરી ગયા).
પયગંબર હઝરત મુહમ્મદ સાહેબના હુકમથી આજથી ૮૫૦ વર્ષ ઉપર ભારતમાં પધાર્યા. અઆપ ગરીબનવાઝ, પીડીતો, હાજતમંદોના મદદગારના આગમનનો હેતુ જ લોકસેવા અને લોકકલ્યાણ હતો. આપના દ્વારા ફેલાયેલા ઈસ્લામના પયગામની સૌપ્રથમ અસર એ થઈ કે તવહીદ (એકેશ્ર્વરવાદ)ની રોશની ભારતના ખૂણે ખૂણામાં ફેલાઈ ગઈ.
માત્ર વીસ વર્ષની ઉંમરમાં શરીઅત (ઈસ્લામી નિયમો)ના તમામ ઈલ્મ અર્થાત વિદ્યા, જ્ઞાન, આવડત, જાણકાર આલિમો (જ્ઞાનિ, વિદ્વાનો)થી શીખી લીધા બાદ આપે તે લોકો સુધી પહોંચાડયો.
ખ્વાજાસાહેબને શરૂથી જ દરવેશો, સૂફીઓ અર્થાત્ સાધુ, સંત ફકીરોનો સાથ ગમતો. હઝરત ખ્વાજા બખત્યાર કાકી ફરમાવે છે કે, ખ્વાજા ગરીબ નવાઝ દર વર્ષે અજમેરથી કાબા શરીફની ઝિયારત (દર્શન) કરતા હતા. હજ (ધાર્મિકયાત્રા)ના મહિનામાં પોતાની રૂહાની તાકતથી, મક્કાશરીફ પગપાળા જતા. હાજીઓ ખ્વાજા સાહેબને કાબાનો તવાફ (પ્રદક્ષિણા) કરતા જોતા હતા અને અહીંના લોકો તેમના હુજરા (ઉતારા)માં પણ તેમને હાજર જોતા હતા. પાછળથી માલૂમ પડ્યું કે દરેક રાતે આપ કાબા શરીફમાં રહેતા હતા અને સવારની નમાઝ (પ્રાર્થના) પહેલાં અજમેર શરીફ ચાલ્યા આવતા હતા.
હઝરત ખ્વાજા સાહેબના ઘણા બોધ વચનો છે. ખ્વાજાસાહેબે નમાઝની પાબંદી (નિયમિતતા) માટે મુસલમાનોને તાકીદ કરી છે. અજમેરના પેશવા સાદીદેવ અને અજયપાલ જોગી આપની દિવ્યશક્તિ જોઈને શ્રદ્ધાળુ થઈ ગયા. અજમેરમાં આપના નિવાસની સાથે જ દીન દુ:ખીઓ, હાજતમંદોની લાઈન લાગવા માંડી. આપ રોજ લંગર (રસોડું) ચલાવતા જેમાં સવારથી સાંજ સુધી હજારો લોકો ભોજન કરતા. જોકે ખ્વાજાસાહેબ પોતે સુકી રોટલીનું જ ભોજન લેતા.
આવા મહાન ખ્વાજા, મહાનવલી, મહાન સુલ્તાને અવલીયાનો વિસાલ (અવસાન) ૬ રજબ હિજરી વર્ષ ૬૩૩ (ઈસ્વીસન ૧૨૩૬)ના અજમેર શરીફમાં થયો. તે વખતે હઝરત ગરીબ નવાઝની ઉંમર ૯૭ વર્ષની હતી. આજે પણ લાખો શ્રદ્ધાળુઓ અજમેર શરીફમાં આપના પવિત્ર મઝાર પર હાજરી આપીને, આપની કૃપા, બરકત, મહાનતાના ઝરણાંમાંથી પોતપોતાના ગજા મુજબ સૌ પોતાની રૂહાની (આધ્યાત્મિક) તૃષ્ણાની તૃપ્તિ કરે છે.
આ વખતે આપનો ઉર્સ (વાર્ષિક મેળો) અંગ્રેજી તારીખ અનુસાર શનિવાર, તા. ૨૮-૧-૨૦૨૩ના આવે છે. જોકે ૧લી રજબથી અહીં ઉર્સ ચાલુ થઈ જાય છે. એક લોકવાયકા મુજબ ખ્વાજા સાહેબનો હુકમ થાય તો જ શ્રદ્ધાળુ બાબાની મઝાર મુબારકના દર્શાનર્થે જઈ શકે છે. દિલમાં આસ્થા હોય તો સૌ કોઈ ફૈઝ (લાભ) હાંસલ કરી શકતા હોય છે.
અલ્લાહ (ઈશ્ર્વર, પ્રભુ, ગોડ) જ સર્વશક્તિમાન છે. તેની દેણગી વગર ઝાડનું એક પત્તું પણ હલી શકતું નથી, પરંતુ અલ્લાહના વલીઓ અલ્લાહના કરીબ હોઈ, ઈબાદત, બંદગીમાં અને અલ્લાહના માર્ગમાં લોકભલાઈ કરતા હોવાથી બંદા તેમના વસીલા દ્વારા મુરાદો પૂરી કરી શકતા હોય છે. લાભ હાંસલ કરતા હોય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Most Popular