આ કોલને કારણે પોલીસમાં ભાગદોડ….
છેલ્લા કેટલાંય સમયથી નિયંત્રણ કક્ષમાં આવી રહેલા Fake call નો સીલસીલો વધી રહ્યો છે. ત્યારે બુધાવરે આવેલા કોલને કારણે પોલીસની ભાગદોડ વધી ગઇ હતી. કોલરે ‘હેલો… બે લોકોએ મને ધારાસભ્ય આશિષ શેલારને ગોળીએ ઉડાવવા કહ્યું છે. મને મદદ જોઇએ છે.’ આવો ફોન આવતા જ પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી. આખો વિસ્તાર શોધ્યા બાદ પોલીસ આખરે કોલર સુધી પહોંચી હતી. આ કોલર બીજો કોઇ નહીં પણ મુંબઇમાં થયેલ 93ના બોમ્બ બ્લાસ્ટનો આરોપી અને માફીનો સાક્ષી નીકળ્યો હતો. તપાસ દરમિયાન જે વિગતો જાણવા મળી એને કારણે પોલીસે પણ માથુ કૂટ્યું હતું. આ ઘટનામાં નિર્મલ નગર પોલીસે મંજુર અહેમદ મેહમુદ કુરેશી (52)ની ધરપકડ કરી છે. એક વેબ પોર્ટલમાંથી મળતી માહિતી મુજબ મુંબઇ પોલીસના નિયંત્રણ કક્ષમાં રાત્રે 8.58 મિનિટે આવેલા કોલને કારણે હળભળાટ મચી ગયો હતો. જેમાં કોલરે જણાવ્યું કે ‘પરવેઝ કુરેશી અને જાવેદ કુરેશીએ ધારાસભ્ય આશિષ શેલારને ગોળીએ ઉડાવવા માટે કહ્યું છે તેથી મને મદદ જોઇએ છે.’ આ ફોન આવતાની સાથે પોલીસ દોડતી થઇ હતી. પોલીસ જ્યારે ઘટના સ્થળે પહોંચી ત્યારે આરોપી દારુના નશામાં મળી આવ્યો. આશ્ચર્યની વાત એટલે પરવેઝ અને જાવેદે તેને દારુ માટે પૈસા ન આપ્યા માટે મંઝુર અહેમદ મહેમુદ કુરેશીએ આ ખોટો કોલ કર્યો હતો.