Homeઉત્સવહિમાલયની ઊંચાઈ પર યુદ્ધના દાવપેચ

હિમાલયની ઊંચાઈ પર યુદ્ધના દાવપેચ

વિશ્ર્વના યુદ્ધવીર -પ્રફુલ શાહ

અટક. આ અટકમાં સિન્ધુ નદીના કિનારે મોટો કિલ્લો બંધાયો હતો. વ્યૂહાત્મક સરસાઈ અને સલામતીના કારણોસર એની કિનારાના ઉપરી ભાગમાં, ઊંચાઈ પર બાંધવામાં આવ્યો હતો. એના પર અફઘાન શાસક જહાઁદાદ ખાનનું શાસન ચાલે. અત્યારે ભલે અટક પાકિસ્તાનમાં ગણાય પણ એ સમયે એટલે કે ઈ. સ. ૧૮૧૩માં ત્યાં વિદેશીઓનું શાસન એટલે ભારત પર જોખમ, રણજીત સિંહને પંજાબ – લાહોર સહિતનું રાજ્ય સલામત રાખવું હોય, પ્રજાને ખુશહાલ રાખવી હોય તો અટક પર પરદેશી આદિપત્ય ન જ પાલવે.
મહારાજા રણજિતસિંહનો આદેશ મળતા જ સરદાર હરિસિંહ નલવા નીકળી પડ્યા અટક જીતવા. આ આસાન નહોતું, જરાય આસાન નહોતું. અફઘાનો બહાદુર અને એનાથી વધુ ઝનૂની અને ક્રૂર હતા. પરંતુ આ બધા પરિબળોની પરવા કર્યા વગર નલવા સેનાને લઈને નીકળી પડ્યા. એમની સાથે દીવાન મોહકમચંદ પણ ખરા.
આ ખાલસા સેના કૂચ કરીને જેલમ પાસે પહોંચ્યા ત્યારે નવી માહિતી મળી એકદમ મહત્ત્વની. અત્યારના પાકિસ્તાનમાં આવેલા ગામ શમસાબાદજીમાં વિરાટ સેના ઉપસ્થિત હતી. બે સગા ભાઈ ૧૫ હજાર સૈનિક લઈને તહેનાત હતા. વધુ ૧૫ હજાર સૈનિક ગમે તે ઘડીએ તેમની સાથે જોડાઈ શકે એવી તૈયારીમાં હતા.
હા, કાબુલના શાસક શાહ મોહમ્મદ દુરૉની વતી દોસ્ત મોહમ્મદ ખાન અને એનો ભાઈ ફતેહ ખાન તો ખાલસા સેનાને રોકવા માટે તૈયાર બેઠા હતા. એમને લડવામાં ઓછો અને સોદાબાજીમાં વધુ રસ હતો. દોસ્ત મોહમ્મદ ખાને હરિસિંહને સંદેશો પહોંચાડાવ્યો કે જો તમે પેશાવર અમને સોંપી દો તો પ્રેમ અને ભેટ-સોગાદના સંબંધ રહેશે. અન્યથા મારી સેના લડવા માટે એકદમ સજ્જ છે જ.
બીજો કોઈ સેનાપતિ કે નેતા હોત તો ઘણાં દિવસ વિચાર કર્યો હોત કે મહારાજાને સલાહ-માર્ગદર્શન માટે પૂછાવ્યું હોત. પરંતુ નલવા તો તાત્કાલિક નિર્ણય લેવા માટે જાણીતા હતા. સાથોસાથ ખાલસા રાજનું હિત શેમાં હતું. એ પણ સમજતા હતા. તેમણે ટૂંકા પણ, સ્પષ્ટ શબ્દોમાં જવાબ મોકલાવ્યો: ‘પેશાવર આપવાનું તો મુશ્કેલ છે. બાકી આ હાલતમાં લડી લેવું કે સમાધાન કરવું એ તમારા હાથમાં છે.’
પોતાનો દાવ સાવ ઊંધો પડતા દોસ્ત મોહમ્મદ ખાન એકદમ ભૂરાંટો થયો તેણે નાછૂટકે લડવાનો વિકલ્પ અપનાવવો પડ્યો. બંને પક્ષે યુદ્ધની રણભેરી વાગવા માંડી. દુશ્મનોને હંફાવવા- હરાવવા માટેની તૈયારી જોરશોરથી થવા લાગી.
સરદાર હરિસિંહ માત્ર બાહુબલી કે લડવૈયા નહોતા. યુદ્ધની રણનીતિમાં ય એકદમ પારંગત. સ્થળ સંજોગો અને શત્રુની તાકાતને ગણતરીમાં લઈને કાયમ વ્યૂહ ઘડે. આ બંને ખાનને બરાબરના પાઠ ભણાવવા માટે તેમણે પોતાની સેનાને ત્રણ ભાગમાં વહેંચી કાઢી. એટલું જ નહિ ત્રણેય ટુકડીને નિશ્ર્ચિત સ્થળે જવા માટે રવાના ય કરી દીધી. રણ દંદુભિ ફૂંકાવાની ઊંધી ગણતરી શરૂ થઈ ચૂકી હતી, ત્યાં ખુદ મહારાજા રણજીતસિંહનું આગમન થયું પોતાના સ્વભાવ મુજબ તેઓ લડાઈ ટાળવા માંગતા હતા. તેમણે વધુ એક પ્રયાસ કરવાનું મુનાસિબ સમજાવ્યું. મહારાજાએ પોતાના બે માણસો ફકીર અઝીઝદીન અને સુલતાન મોહમ્મદ નાઝિમને સંધિ-દૂત તરીકે મોકલ્યા. શત્રુને યુદ્ધ કરતા રોકવા માટે પોતાની બડાશ મારવાને બદલે તેમણે વિચારતા કરી મૂકે એવો સંદેશો મોકલ્યો: ‘આપણે બંને તો વૃદ્ધ થઈ ગયા છીએ. ક્યાંક એવું ન થાય કે બન્ને આ લડાઈમાં ખપી જઈએ. આમ છતાં તમે લડવા જ માગતા હો તો પોતાના લશ્કરને એકબાજુ રાખીને બન્ને પરસ્પર દ્વન્દ્વ યુદ્ધ કરી લઈએ. આનાથી હાર-જીતનો ફેંસલો થઈ જશે.’
આમેય અનિચ્છાએ યુદ્ધ માટે તૈયાર થયેલા દોસ્ત મોહમ્મદ ખાનને થયું કે ખુદ મહરાજાએ સંધિનો પ્રસ્તાવ મોકલાવ્યો છે. તો એ સ્વીકારી લેવો જોઈએ. પરંતુ એના દરબારમાં હાજર કાઝીઓને આ નિર્ણય ન ગમ્યો. આ લોકોએ દોસ્ત મોહમ્મદ ખાનની બરાબરની ઉશ્કેરણી કરી, એટલું જ નહિ, દૂત બનીને આવેલા ફકીર અઝીઝદીનની ધરપકડ કરીને મેણાંટોણાં મારવા માંડ્યા કે તું એક મુસલમાન હોવા છતાં કાફિરોની નોકરી કરે છે અને અમારી સામે એમના ખોટા વખાણ કરે છે?!
પોતાના વિષ્ટિકારની સાથે આટલા ભયંકર વર્તન કરાવ્યાની હકીકત જાણીને મહારાજાએ યુદ્ધ માટે તરત લીલી ઝંડી આપી દીધી. અંતે જંગ શરૂ થયો. ઈ. સ. ૧૮૧૩ની ૧૨મી જુલાઈના રોજ. આ જંગમાં સરદાર હરિસિંહ નલવા ઉપરાંત હુકમસિંહ અટારીવાલા (જેમના નામ પરથી ભારતે પાકિસ્તાન સાથેની સરહદને અટારી નામ આપ્યું છે. આપણે જે ‘વાઘા વાઘા’ કરીએ છીએ. એ તો પાકિસ્તાન તરફની સીમા છે) શ્યામુસિંહ, ખાલસા ફતેહ સિંહ, આહલુવાલિયા અને બેહમાનસિંહ માલિયાવાલા પણ રણમેદાનમાં ઉતર્યા હતા.
શીખ ખાલસા ફૌજને સૌથી લાંબો સમય સુધી મુખ્ય સેનાપતિ તરીકે સેવા આપનારા અને મહારાજા રણજિતસિંહના જમણા હાથ સમાન હરિસિંહ નલવાની સિદ્ધિઓ ગજબનાક હતી. તેર વર્ષની ઉંમરે લશ્કરમાં જોડાયા સત્તરમા વર્ષે હાથોહાથની લડાઈમાં વાઘને મારી નાખ્યો, અને અઢારમા વર્ષે યુદ્ધમાં પહેલી સફળતા મેળવી. સમગ્ર જીવનમાં (બહુ લાંબુ નહોતા જીવ્યા). બાવીસ યુદ્ધ લડ્યા અને એક પણ ન હાર્યા એવા નરવીર એટલે સરદાર હરિસિંહ ખત્રી ઊર્ફે નલવા! પોતાના સમયનો નકશો બદલી નાખવાની તાકાત હતી. શૂરવીરમાં આ આપણે હોલીવૂડના કાલ્પનિક કે પરિવારના રિયલ સુપરહીરોના પ્રેમમાં પડી જઈએ છીએ પણ હરિસિંહ જેવા અસલી-દેશી હીરો વિશે કેટલું જાણીએ છીએ!
તો અટકના યુદ્ધમાં અદ્ભુત પરાક્રમ થકી વધુ થોડું જાણીએ. હરિસિંહ નલવા વિશે.
આજે મત અને સત્તાના રાજકારણમાં રચ્યા પચ્યા રહેનારા રાજકારણીઓએ મહારાજા રણજીતસિંહમાંથી બોધપાઠ લેવો જોઈએ. તેમણે હિન્દુઓની સલામતી માટે દૂરંદેશીતા દાખવી હતી. કાશ્મીર જેવા વ્યૂહાત્મક સ્થળ પર પરદેશીઓનો કબજો કેવી રીતે સ્વીકાર્ય હોઈ શકે? એટલે કાશ્મીર પર ખાલસા ધ્વજ લહેરાવવાના અભિયાન હેઠળ તેમણે ભીંબર, રાજૌરી અને કુલુ પર આક્રમણ કર્યું હતું.
ઈ. સ. ૧૮૧૨ના ઉત્તરાર્ધમાં મુહમદ શાહ દુર્રાનીના આદેશથી કાબુલના વઝિર ફતેહ ખાને કાશ્મીર પર આક્રમણ કર્યું. એની નેમ સુજા શાહ દુર્રાનીને સ્થાનિક વઝિર અતા મોહમ્મદ ખાનની ચુંગાલમાંથી છોડાવવાની હતી. હકીકતમાં તો ફતેહ ખાને કાશ્મીર પર હુમલા માટે મહારાજા રણજીતસિંહની મદદ માગી હતી. આમાં દોસ્તીનો હાથ લંબાવવાનો ઈરાદો નહોતી, ફફડાટને લીધે રમેલી મલીન ચાલ હતી. જો સામે શીખ સેના આવે તો પોતે કંઈ હાંસલ ન કરી શકે એટલે શીખોને સાથે રાખવા હતા. સંમતિ એવી સધાઈ કે દીવાન મોહકમચંદની આગેવાનીમાં નાનકડી શીખ સેના સાથે જોડાશે અને કાશ્મીરમાંથી જે કંઈ મળે એનો ત્રીજો ભાગ મહારાજા રણજીતસિંહને આપવાનો.
આ અટકના જંગની રસપ્રદ પૂર્વભૂમિકા છે અને એ જાણવી જરૂરી છે તો વધીએ આગળ. ઝેલમથી યુદ્ધની શરૂઆત થઈ. પરંતુ પીર પ્રાંજલ રેન્જ સુધી પહોંચ્યા, ત્યારે ભારે બરફવર્ષા થઈ. ફતેહ ખાનને આ તકનો લાભ લઈને પર્વત પર લડવાની અનુભવી ટુકડીની આગેકૂચ બમણી કરી નાખતી હતી. આ પડકારને ઝીલી લેવા માટે દિવાન મોહકમચંદને એક તુક્કો સુઝયો. તેમણે રાજૌરીના રાજાને લલચામણી ઓફર કરી. ફતેહ ખાનની અફઘાન સેના કાશ્મીર પહોંચે એ જ સમયે શીખ સેના ત્યાં પહોંચી જાય એવો માર્ગ બતાવે તો જાગીરનો મોટો હિસ્સો તને આપીશું. હરિ પરબત અને શેરગઢ પર કબજો જમાવાય ત્યારે નિહાલસિંહ અટારી અને જોધસિંહ કાલસિયાની આગેવાની હેઠળની નાની-નાની શીખ ટુકડી હાજર હોય એમ દીવાન ઈચ્છતા હતા. (ક્રમશ:)

RELATED ARTICLES

Most Popular