Homeટોપ ન્યૂઝકાશ્મીર, ઉત્તરાખંડ, હિમાચલમાં ભારે હિમવર્ષા

કાશ્મીર, ઉત્તરાખંડ, હિમાચલમાં ભારે હિમવર્ષા

હિમવર્ષા: જમ્મુ-કાશ્મીરના બારામુલ્લાના તંગમાર્ગ તેમ જ હિમાચલ પ્રદેશના મનાલીના પાલચન ગામમાં શુક્રવારે થયેલી ભારે હિમવર્ષાને કારણે સમગ્ર વિસ્તારમાં બરફની ચાદર પથરાઈ ગઈ હતી. (એજન્સી)

શ્રીનગર/ગોપેશ્ર્વર/શિમલા: કાશ્મીર, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશ સહિત સમગ્ર ઉત્તર ભારતના મોટા ભાગના ભાગોમાં શુક્રવારે હિમવર્ષા થઈ હતી, અમુક વિસ્તારોમાં વરસાદ પડયો હતો અને શીત લહેરનું પ્રમાણ વઘ્યું હતું.
હિમવર્ષાને કારણે શ્રીનગર-જમ્મુ રાષ્ટ્રીય ધોરીમાર્ગ સહિત અનેક રસ્તાઓ ટ્રાફિક માટે બંધ થઈ ગયા હતા, અનેક રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશના ફ્લાઈટ ઑપરેશનને અસર થઈ હતી.
પહલગામ, ગુલમર્ગ, અનંતનાગ, કુલગામ, શોપિયાં, પુલવામા, બડગામ અને કુપવાડા, ગાંદરબલ અને શ્રીનગરમાં હિમવર્ષા નોંધાઈ હતી. ગુરુવારે રાત્રે શ્રીનગરમાં લઘુતમ તાપમાન માઈનસ ૦.૧ ડિગ્રી સેલ્સિયસ, કાઝીગુંડમાં માઈનસ ૦.૬ ડિગ્રી સેલ્સિયસ, કોકરનાગમાં માઈનસ ૧.૪ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જ્યારે કુપવાડામાં લઘુત્તમ તાપમાન માઈનસ ૧.૫ ડિગ્રી સેલ્સિયસ-૯ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. .
બારામુલ્લા જિલ્લાના ગુલમર્ગમાં લઘુતમ તાપમાન માઈનસ ૭.૬ ડિગ્રી સેલ્સિયસ હતું.
રામબન અને બનિહાલ વચ્ચે હિમવર્ષા અને પત્થરો પડવાને કારણે શ્રીનગર-જમ્મુ રાષ્ટ્રીય ધોરીમાર્ગની બંને તરફ વાહનવ્યવહાર બંધ થઈ ગયો હતો.
છેલ્લા ઘણા દિવસોથી ભૂસ્ખલનના ભયનો સામનો કરી રહેલા જોશીમઠમાં શુક્રવારે સવારે સીઝનની પહેલી હિમવર્ષા થઈ હતી.
તાજી હિમવર્ષાના કારણે જોશીમઠના રહેવાસીઓના ગભરાટમાં વધારો થયો છે. હિમવર્ષાના કારણે ખતરનાક ઘરોને પાડી નાખવાનું કામ રોકી દેવાયું હતું.
હવામાન વિભાગે ૨૩ અને ૨૪ જાન્યુઆરીએ પણ જોશીમઠ, ચમોલી અને પિથોરાગઢમાં વરસાદ અને હિમવર્ષાની શક્યતા વ્યક્ત કરી છે.
બીજી બાજુ, નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ હાઈડ્રોલોજીના પ્રાઈમરી ટેસ્ટ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ઉત્તરાખંડમાં ભૂસ્ખલનથી પ્રભાવિત જોશીમઠની જેપી કોલોનીની તિરાડોમાંથી નીકળવાવાળું પાણી, તપોવનની એનટીપીસીની સુરંગના પાણી કરતા અલગ છે.
વરસાદ અને હિમવર્ષાના કારણે ખતરનાક જણાતી હોટલ અને ઘરોને પાડી નાંખવાના કામને રોકી દેવાયું છે.
ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેક્રેટરી ડો. રંજીત કુમાર સિન્હાના જણાવ્યા પ્રમાણે છેલ્લા ત્રણ દિવસથી તિરાડોમાં ઘણો વધારો થયો છે.
જેપી કોલોની પાસે એક ભૂગર્ભ ચેનલમાંથી નીકળતું પાણીનું પ્રમાણ વધીને દોઢસો લિટર પ્રતિ મિનિટ થઈ ગયું છે.
૮૪૯ ઘરોમાં તિરાડો રેકોર્ડ કરાઈ છે, જ્યારે ૨૫૯ પ્રભાવિત પરિવારને અસ્થાયી રાહત કેન્દ્રોમાં મોકલી આપવામાં આવ્યા છે.
આ તરફ, હિમાચલ પ્રદેશમાં શુક્રવારે હળવાથી મધ્યમ હિમવર્ષાને કારણે ૨૭૮ રસ્તાઓ બંધ થયા હતા.
રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૩ અને ૩૦૫ને રોહતાંગ પાસ અને જલોરી પાસ પર અવરોધિત કરવામાં આવ્યા હતા જ્યારે રાષ્ટ્રીય ધોરીમાર્ગ૫૦૫ના ગ્રામ્ફુથી લોસર પટને પણ બંધ કરવામાં આવ્યો હતો.
લાહૌલ અને સ્પીતિમાં ૧૭૭ જેટલા રસ્તાઓ, શિમલામાં ૬૪, ક્ધિનોરમાં નવ, ચંબામાં પાંચ, કુલ્લુમાં ત્રણ અને કાંગડા અને સિરમૌરમાં બે-બે રસ્તાઓ વાહનોની અવરજવર માટે બંધ કરવામાં આવ્યા હતા.
કુલ્લુમાં જલોરી જોટ અને રોહતાંગ પાસમાં અનુક્રમે ૬૦ અને ૪૫ સેમી બરફ પડ્યો હતો જ્યારે અટલ ટનલ અને ચેન્સેલના દક્ષિણ પોર્ટલ પર ૩૦ સેમી હિમવર્ષા થઈ હતી.
ચૌરધર અને દોદરકવારમાં ૨૫ સેમી, ખદ્રાલામાં ૧૬ સેમી અને શિમલામાં જાખો શિખર અને કુફરીના આસપાસના વિસ્તારોમાં ત્રણથી ૧૦ સેમી બરફ નોંધાયો હતો. મનાલી, ગોહર અને ટિન્ડરમાં ૧૬ મીમી, ૧૧ મીમી અને ૮.૩ મીમી વરસાદ નોંધાયો હતો, ત્યારબાદ નાહન અને ભુંતરમાં દરેકમાં ૫.૭ મીમી વરસાદ નોંધાયો હતો. (એજન્સી)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Most Popular