માર્ચ મહિનામાં ધોમધખતો તાપ હોય તેના બદલે ધૂઆંધાર વરસાદ સૌરષ્ટ્રના અમરેલી જિલ્લામાં વરસ્યો હતો. અહીંના વિસ્તારોમાં ચોમાસામાં જોવા મળે તેવા દૃશ્યો સર્જાયા હતા. જ્યારે જિલ્લામાં ફરી એક વખત વરસાદના કારણે ખેડૂતો મૂંઝવણમાં મુકાયા છે, ત્યારે આજે જિલ્લાના ધારી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ક્યાંક ધોધમાર વરસાદ તો ક્યાંક છૂટો છવાયો વરસાદ પડ્યો હતો. જોકે ધારી નજીક આવેલા ગોવિંદપુર ગામમાં મૂશળધાર વરસાદના કારણે ભરઉનાળે ગામની બજારોમાંથી પાણીની નદી વહેતી હોવાના દૃશ્યો સોશિયલ મીડિયા પર જોવા મળ્યા હતા. તેમજ ગોવિંદપુર ચેકડેમ ઓવફ્લો થયો હતો. કમોસમી વરસાદથી ખેતરોમાં પાણી ભરાયા છે. ભારે પવનના કારણે વીજ પોલ એને વૃક્ષો ધરાશાયી થયા હોવાની ઘટનાઓ પણ બની હતી.
ધારી ગીરના આજુબાજુના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો અને ભરઉનાળે ગામની ગલીઓમાં પાણીની નદી વહી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. ધોધમાર વરસાદના કારણે ખેડૂતોનો ખેતરમાં પડેલો પાક પણ પલળ્યો હતો અને ભારે પવનના કારણે કેરીના પાકને પણ નુકસાન થયું હતું. પવનના કારણે આંબા પર રહેલી કેટલી કેરીઓ ખરી પડી હતી. તોફાની પવનના કારણે અનેક જગ્યાએ વીજળીના થાંભલાઓ પણ ધરાશાયી થયા હોવાની ઘટના સામે આવી છે.
ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ઠેર ઠેર માવઠા થઈ રહ્યા છે. ખેતરમાં પડેલા અને માર્કેટિંગ યાર્ડમાં ખુલ્લા પડેલા પાકને ભારે નુકસાન થઈ રહ્યું છે.