કેરળમાં ભારે વરસાદ, ૧૦ જિલ્લામાં રેડ એલર્ટ

દેશ વિદેશ

ભારે વરસાદ: કેરળના તૃશ્શૂરના અતિરાપિલ્લયમાં ભારે વરસાદને લીધે આવેલા પૂરમાં ફસાયેલો હાથી (પીટીઆઇ)

તિરુવનંતપુરમ: રાજ્યના કેટલાક ભાગોમાં ભૂસ્ખલન અને નદીનાં પાણીના સ્તરમાં વધારો થવાના અહેવાલો સાથે કેરળમાં સતત વરસાદ ચાલુ હોવાથી, ભારતીય હવામાન વિભાગે બુધવારે રાજ્યના ૧૦ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે.
તિરુવનંતપુરમ, કોલ્લમ, પથાનમથિટ્ટા અને કાસારગોડને બાદ કરતા રાજ્યના તમામ જિલ્લાઓમાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે, જ્યાં બે અને ૩ ઓગસ્ટ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
કેરળ માટે મંગળવારે સવારે ૧૦ વાગ્યે વરસાદની આ આગાહી કરવામાં આવી હતી.
વિભાગે પાચ ઓગસ્ટ સુધી રાજ્યમાં વ્યાપક અને અલગ-અલગ સ્થળે ભારે અને અતિ ભારે વરસાદની ચેતવણી પણ આપી છે.
હવામાન વિભાગે જણાવ્યું હતું કે આ દિવસો દરમિયાન કેરળના કેટલાક જિલ્લાઓમાં વ્યાપકથી વધુ ભારે વરસાદની શક્યતા છે.
હવામાન વિભાગ દ્વારા જારી કરાયેલ રેડ એલર્ટને ધ્યાનમાં રાખીને કેરળના મુખ્ય પ્રધાન પિનરાઈ વિજયને કહ્યું હતું કે લોકોએ ખૂબ કાળજી રાખવી જોઈએ અને દરેક વ્યક્તિએ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા જારી કરવામાં આવેલી ચેતવણીઓને સખત રીતે અનુસરવા માટે તૈયાર રહેવું જોઈએ.
અવિરત વરસાદને કારણે સોમવારે રાત્રે ક્ધનુર જિલ્લામાં ઘણી જગ્યાએ ભૂસ્ખલન થયું હતું, જેના કારણે બે વ્યક્તિઓ મૃત્યુ પામી હતી – એક ૪૫ વર્ષીય પુરુષ અને એક અઢી વર્ષની છોકરી – અન્ય પંચાવન વર્ષીય- વૃદ્ધ હજુ પણ ગુમ હોવાની માહિતી જિલ્લા અધિકારીઓએ આપી હતી.
તેઓએ એમ પણ જણાવ્યું હતું કે રાજ્યના વિવિધ ભાગોમાં વાહનોની અવરજવર સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ હતી અને કલેક્ટરે આજે તલસેરી તાલુકાઓમાં વ્યાવસાયિક કોલેજો સહિત શૈક્ષણિક સંસ્થાઓ માટે રજા જાહેર કરી છે.
કેએસઈબી (કેરળ સ્ટેટ ઈલેક્ટ્રિસિટી બોર્ડ) દ્વારા સંચાલિત ડેમના દૈનિક જળસ્તર પરના ડેટા સૂચવે છે કે પાંચ ઈડુક્કી ડેમ – પોનમુડી, કુંડાલા, કલ્લારકુટ્ટી, ઈરાટ્ટાયર અને લોઅર પેરિયાર તેમ જ મૂઝિયાર અને પોરિંગલકુથુ ડેમમાં પાણીનું સ્તર પથાનમથિટ્ટા અને થ્રિસુરમાં અનુક્રમે રેડ એલર્ટ સ્ટોરેજ સ્તરે પહોંચી ગયા છે.
જિલ્લા અધિકારીઓએ જણાવ્યું હતું નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની પચીસ સભ્યોની ટીમ વરસાદ સંબંધિત બચાવ અને રાહતકાર્યોમાં મદદ કરવા ત્યાં પહોંચી છે.
ભારતીય કોસ્ટ ગાર્ડે પણ અલપ્પુઝા દરિયાકિનારે બે માછીમારી બોટને તાત્કાલિક સહાય પૂરી પાડી હતી અને બોટને સલામત રીતે લઈ જવાનો પ્રયાસ કરી રહ્યા હતા, કારણ કે માછીમારો તેમના જહાજોને છોડી દેવા માટે તૈયાર ન હતા. ભારે વરસાદ ચાલુ હોવાથી સત્તાવાળાઓએ વિવિધ જિલ્લાઓમાં રાહત શિબિરો સ્થાપી છે અને ઇડુક્કીના ઉચ્ચ શ્રેણીના વિસ્તારોમાં પર્યટનસ્થળો બંધ કરી દેવામાં આવ્યા છે. સરકારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ભારે વરસાદને પગલે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ૪૯ રાહત શિબિરો ખોલવામાં આવી છે અને ૭૫૭ લોકોને ત્યાં સ્થાનાંતરિત કરવામાં આવ્યા છે. (એજન્સી)

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.