(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાતમાં છેલ્લા બે દિવસથી કમોસમી વરસાદ પડી રહ્યો છે. ગુરૂવારે દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં કરા સાથે છૂટોછવાયો કમોસમી વરસાદ પડ્યો હતો. બીજી બાજુ ગુજરાતના હવામાન વિભાગે પણ આગામી આખા અઠવાડિયા દરમિયાન આવું જ વરસાદી માહોલ બન્યો રહે તેવી આગાહી કરી છે. તેટલું જ નહીં, મધ્ય ગુજરાત સહિત સમગ્ર ગુજરાતમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડે તેવી શક્યતા પણ દર્શાવી છે
સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લામાં સવારથી જ વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું. સાંજ પડતાં જ ગાજવીજ સાથે ધારી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પણ કરા સાથે કમોસમી વરસાદ ખાબક્યો હતો. તેમાં ગોવિંદપુરમાં ભારે વરસાદ પડતા શેરીઓ સહિત નદી-નાળા છલકાઈ ગયા હતા. તો વળી, ધારીના એક ગામમાં ધોધમાર વરસાદ પડતા નદીમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. ધારી સહિત તેની આસપાસનાં ગામોમાં વીજળીના કડાકાભડાકા સાથે વરસાદી માવઠાં જોવા મળ્યા હતા. એકબાજુ ઉનાળાની શરૂઆતમાં જ કમોસમી વરસાદની કમઠાણ આવીને ઊભી છે. કેસર કેરીનું હબ ગણાતા ગીર વિસ્તારનાં ગામોમાં કેરીના પાકને મોટાપાયે નુકસાન થાય તેવી ભીતિ કેરી પકવતા ખેડૂતોમાં સર્જાઈ છે. આંબરડી, ઝર અને મોરઝર જેવાં ગામોમાં કેરીના પાકને મોટાપાયે નુકસાન થાય તેવી ભીતિ છે. દક્ષિણ ગુજરાતમાં વહેલી સવારથી જ સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ છવાયો હતો. જેને લઈને ઘણાં વિસ્તારમાં વરસાદી ઝાપટાં પડ્યા હતા. આ ઉપરાંત સુરત શહેરના માંગરોળ વિસ્તારમાં કરા સાથે વરસાદ ખાબક્યો હતો. જેને લઈને ભાદરવા જેવો માહોલ સર્જાયો હતો. બીજી બાજુ ગુજરાતના હવામાન વિભાગે પણ આગામી આખા અઠવાડિયા દરમિયાન આવું જ વરસાદી માહોલ બન્યો રહે તેવી આગાહી કરી છે. તેટલું જ નહીં, મધ્ય ગુજરાત સહિત સમગ્ર ગુજરાતમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડે તેવી શક્યતા પણ દર્શાવી છે.