મુંબઈ: મહારાષ્ટ્રમાં ઇન્ફ્લુએન્ઝા (ફ્લૂ)થી ત્રીજી વ્યક્તિ ગુરુવારે મૃત્યુ પામી હતી. પુણે જિલ્લાના પિંપરી-ચિંચવડ ઔદ્યોગિક નગરમાંની નગરપાલિકા સંચાલિત હૉસ્પિટલમાં ૭૩ વર્ષીય વૃદ્ધનું ફ્લૂના એચ-થ્રી-એન-ટૂ વાઇરસથી મૃત્યુ થયું હતું.
અગાઉ, મહારાષ્ટ્રમાં ૭૪ વર્ષના નાગરિક એચ-થ્રી-એન-ટુ સબટાઇપના ઇન્ફેક્શનથી અને અન્ય ૨૩ વર્ષીય દરદીને ઇન્ફ્લુએન્ઝાના એચ-થ્રી-એન-ટુ અને એચ-વન-એન-વન એમ બન્ને વાઇરસ તેમ જ કોવિડ-૧૯ વાઇરસના ઈન્ફેક્શનથી મૃત્યુ પામ્યાં હતાં.
મુંબઈ, પુણે, નાગપુર, થાણે, ઔરંગાબાદ, સાંગલી, કોલ્હાપુરમાં ફ્લૂના દરદીઓ નોંધાયા હતા અને કોવિડ-૧૯ના દરદીઓની સંખ્યામાં ફરી વધારો થયો હતો. એ સંજોગોમાં રાજ્ય સરકારે જનતાને ગિરદીમાં માસ્ક પહેરવાની અને શારીરિક અંતર જાળવવાની ફરી સલાહ આપી હતી. આ ઉપરાંત ઑક્સિજનના પુરવઠા અંગે સમીક્ષા કરાઈ હતી. જો કોઇને તાવ ૪૮ કલાક પછી પણ ન ઊતરે તો તાત્કાલિક હૉસ્પિટલમાં સારવાર માટે જવાની પણ સલાહ આપી હતી.
રાજ્યમાં એચ-વન-એન-વન વાઇરસના ઇન્ફેક્શનના ૩૦૩થી વધુ અને એચ-થ્રી-એન-ટુ વાઇરસના ઇન્ફેક્શનના ૫૮થી વધુ દરદી નોંધાયા છે. રાજ્યમાં કોવિડ-૧૯ના દરદીઓની સંખ્યા વધતા આરોગ્ય તંત્રને સતર્ક કરાયું છે.
જનતાને ગિરદીવાળા વિસ્તારોમાં માસ્ક પહેરવાની અને શારીરિક અંતર રાખવાની પણ સલાહ અપાઇ છે.
ઇન્ફ્લુએન્ઝાથી અહમદનગરનો ૨૩ વર્ષનો ફર્સ્ટ યર એમબીબીએસનો વિદ્યાર્થી મૃત્યુ પામ્યો છે. એ વિદ્યાર્થીના કોવિડ-૧૯, એચ-વન-એન-વન અને એચ-થ્રી-એન-ટુના ટેસ્ટના રિપોર્ટ્સ પોઝિટિવ હતા. ઇન્ફ્લુએન્ઝા એચ-વન-એન-વન અને એચ-થ્રી-એન-ટુ એમ બે વાઇરસના ઇન્ફેક્શનથી થાય છે. ઇન્ફ્લુએન્ઝામાં દરદીને તાવ, કફ, ગળામાં ખરાબી થાય છે અને ન્યુમોનિયા થવાની શક્યતા રહે છે. ડૉક્ટરની સલાહથી ટૅમીફ્લૂ ગોળી લેવાય તો ૪૮થી ૭૨ કલાકમાં તાવ ઓછો થવા માંડે છે. (એજન્સી)
મહારાષ્ટ્રમાં ફ્લૂથી ત્રીજું મોત
RELATED ARTICLES