ગુજરાતના અનેક જીલ્લામાં ફરી વરસાદી માહોલ જામ્યો છે. બપોર બાદ અમદાવાદમાં સતત ત્રીજા દિવસે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. બપોરે અમદાવાદના આકાશમાં કાળાં ડિબાંગ વાદળો છવાયાં હતાં જેથી રાતના અંધારા જેવી સ્થિતિ સર્જાઈ હતી. ત્યાર બાદ ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. રસ્તા પર પાણી ભરાઈ જતા વાહન ચાલકો ફસાયા હતા. હવામાન વિભાગે આગામી બે દિવસ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે.
અમદવાદ શહેરના એસજી હાઇવે, વસ્ત્રાપુર, બોડકદેવ, થલતેજ, મણિનગર, વટવા, રામોલ, નિકોલ સહિતના વિસ્તારોમાં વરસાદ તૂટી પડ્યો હતો છે. ચાંદખેડામાં એક ઇંચ વરસાદ વરસ્યો છે. બોડકદેવ, ગોતા, ચાંદલોડિયા, ઘાટલોડિયા કે કે નગર, નારણપુરા, સરખેજ જુહાપુરા, આનંદનગર સહિતના વિસ્તારોમાં અડધો ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં ભારે વરસાદથી પાણી ભરાયા છે. પ્રહલાદનગર રોડ પર ભરાયા ઘૂંટણ સમા પાણી ભરાતા લોકોને તકલીફ પડી રહી છે. હવામાન વિભાગની આગાહી મુજબ હજુ પણ 2 દિવસ વરસાદી માહોલ રહેશે.
ભારે વરસાદના કારણે જીટીયુમાં આયોજિત મુખ્યપ્રધાનનો કાર્યક્રમ રદ્દ કરાયો છે. આગામી નેશનલ ગેમ્સ અંગે અવેરનેસ કેમ્પેન કાર્યક્રમ યોજાવાનો હતો. પરંતું જીટીયુ કેમ્પસમાં ઉભા કરાયેલા હોર્ડિંગ્સ અને બોર્ડ ભારે વરસાદ અને પવનને કારણે નમી પડયા હતા. જેથી કાર્યક્રમ રદ કરાયો છે.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદ વરસી શકે છે. જેથી 2 દિવસ માટે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. આ ઉપરાંત અમદાવાદ, ગાંધીનગર સહિત મધ્ય ગુજરાતમાં આજે મધ્યમ વરસાદ રહેશે. તો આવતીકાલે પણ અમદાવાદમાં ભારે વરસાદની આગાહી છે. વરસાદ સાથે 30 થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે.

Google search engine