આજે મુંબઈમાં ભારે વરસાદની આગાહી:રાજ્યમાં ફરી ચોમાસું સક્રિય થવાના સંકેત

આમચી મુંબઈ

ચાતક નજરે જોવાતી રાહ: હવામાન ખાતાએ રવિવારે મુસળધાર વરસાદ વરસવાની આગાહી કરી છે. ગેટ વે ઓફ ઈન્ડિયા ઉપર આકાશમાં કાળાં ડિબાંગ વાદળાઓ ઘેરાયાં હતાં. (જયપ્રકાશ કેળકર)

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વરસાદના અભાવે મુંબઈમાં ૧૦ ટકા પાણીકાપ લાદી દેવામાં આવ્યો છે. લોકો આતુરતાથી ફરી ચોમાસું સક્રિય થાય અને મુશળધાર વરસાદ પડે તેની રાહ જોઈ રહ્યા છે, પરંતુ મુંબઈમાં છૂટાછવાયા વરસાદને બાદ કરતા હજી સુધી જોઈએ તે મુજબ મુશળધાર વરસાદ પડ્યો નથી. ત્યારે લોકોની આતુરતાનો અંત આવે એવી શક્યતા છે. મુંબઈ, પાલઘર સહિત રાજ્યમાં મધ્ય મહારાષ્ટ્ર, મરાઠવાડા, વિદર્ભ સહિત રાજ્યના અનેક જિલ્લામાં આજે મુશળધાર વરસાદ પડે એવો અંદાજો હવામાન ખાતાએ વ્યક્ત કર્યો છે.
હવામાન ખાતાના કહેવા મુજબ કોંકણ કિનારપટ્ટી પર વરસાદનું જોર વધવા માટે પોષક વાતાવરણ તૈયાર થયું છે. આ દરમિયાન આગામી થોડા દિવસ દક્ષિણ કોંકણમાં મુશળધાર વરસાદ એટલે કે ‘ઑરેન્જ ઍલર્ટ’ આપવામાં આવ્યું છે. કોંકણ રિજનમાં મુંબઈ અને થાણેનો સમાવેશ થાય છે. તેથી મુંબઈમાં આજે વરસાદનું જોર રહે એવી શક્યતા છે.
દક્ષિણ મધ્ય મહારાષ્ટ્ર, વિદર્ભમાં પણ અમુક ઠેકાણે ભારે વરસાદની આગાહી હવામાન ખાતાએ કરી છે. દક્ષિણ કોંકણના રત્નાગિરિ, સિંધુદુર્ગ માટે ઑરેન્જ ઍલર્ટ આપવામાં આવ્યું છે. મુંબઈ સહિત બાકીના કોંકણ, દક્ષિણ મહારાષ્ટ્રના કોલ્હાપૂર, સાતારા, વિદર્ભના ચંદ્રપુરમાં છૂટક વરસાદની શક્યતા છે. આ દરમિયાન શનિવારે પુણે, કોંકણ, કોલ્હાપુરમાં અમુક વિસ્તારમાં તો વિદર્ભ અને મરાઠવાડમાં વરસાદનાં ઝાપટાં પડ્યાં હતાં. શનિવારે રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદની હાજરી રહી હતી. અનેક ઠેકાણે વાદળિયું વાતાવરણ રહ્યું હતું.
હવામાન ખાતાના અધિકારી કે. હોસલિકરે કરેલા ટ્વીટ મુજબ દક્ષિણ ગુજરાતથી ઉત્તર કેરળ સુધીના કિનારપટ્ટીને સમાંતર ઓછા દબાણનો પટ્ટો નિર્માણ થયો છે. અરબી સમુદ્રમાંથી ચોમાસાનો પ્રવાહ તીવ્ર હોવાથી કિનારપટ્ટીના વિસ્તારમાં વાદળિયું વાતાવરણ તૈયાર થયું છે. મહારાષ્ટ્રના કિનારપટ્ટીને લાગીને અરબી સમુદ્રમાં દરિયાની સપાટીથી ૩.૧થી ૪.૫ કિલોમીટરની ઊંચાઈ પર ઓફ શોર ટ્રફ તેમ જ ૧૮.૩ અક્ષાંશે શિઅર ઝોન તૈયાર થયો છે. આ સ્થિતિ વરસાદ માટે પોષક છે.
આ દરમિયાન બુલઢાણા જિલ્લાના સંગ્રામપુર તાલુકામાં પળશી ઝાશીમાં વીજળી પડવાથી બેનાં મોત થયાં હતાં. તો બે જખમી થયા હતા. આ લોકો ખેતરમાં કૂવાનું ખોદકામ કરી રહ્યા હતા.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.