વરસાદનું વિધ્ન અકબંધ

વરસાદે કર્યા બેહાલ: અચાનક સાંજે વરસી પડેલા મુશળધાર વરસાદમાં થાણેમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા. અમુક જગ્યાએ તો એકથી બે ફૂટ સુધી પાણી ભરાઈ જતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વરસાદની ગેરહાજરીમાં બે-ત્રણ દિવસથી મુંબઈગરા ગરમી અને ઉકળાટથી હેરાનપરેશાન થઈ ગયા હતા. જોકે બુધવારે સાંજે અચાનક અંધારુ થઈ ગયું હતું અને વાદળિયું વાતાવરણ થઈને સાંજના પાંચ વાગ્યા બાદ અચાનક વીજળીના ગડગડાટ સાથે મુશળધાર વરસાદ વરસી પડ્યો હતો. અચાનક આવી પડેલા વરસાદને પગલે છત્રી વગર ઘરેથી નીકળેલા મુંબઈગરાને ભીંજાવાની નોબત આવી હતી.
મુંબઈમાં બુધવાર બપોર સુધી મોટાભાગના વિસ્તારમાં તડકો હતો. જોકે બપોરના ત્રણ વાગ્યા બાદ જોકે ધીમે ધીમે વાદળિયું વાતાવરણ સર્જાયું હતું અને ચાર વાગ્યામાં તો મુંબઈનું આકાશ કાળાં ડિંબાગ વાદળાથી ઘેરાઈ ગયું હતું. સાંજના પાંચ વાગ્યામાં જ એકદમ અંધારું થઈ જતા જાણે રાત પડી ગઈ હોય એવું જણાતુ હતું. સાંજના પાંચ વાગે વીજળીના જોરદાર કડાકા-ભડાકા સાથે મુંબઈમાં મલાડ, અંધેરી, કોલાબા, ગોરેગાવ, કુર્લા સહિત થાણે, કલ્યાણ, નવી મુંબઈમાં જોશભેર વરસાદ ત્રાટકી પડ્યો હતો. તો વીજળી પડવાને કારણે બોરીવલીમાં બિલ્િંડગમાં લાઈટ સહિત વીજળીના અમુક ઉપકરણોને નુકસાન થયું હોવાની ફરિયાદ આવી હતી.
છેેલ્લા થોડા દિવસથી વરસાદ ગાયબ થઈ ગયો હતો. તેથી મોટાભાગના લોકોએ છત્રી લાવવાનું બંધ કરી દીધું હોવાથી બુધવાર સાંજના અચાનક આવી પડેલા વરસાદને કારણે ઓફિસેથી નીકળતા સમયે ભીંજાઈ જવાનો વખત આવ્યો હતો.
રાજ્યમાં હાલ અનેક જગ્યાએ વરસાદ પડી રહ્યો છે. જેમાં કોંકણ સહિત અનેક વિસ્તારમાં ભારે વરસાદ પડી રહ્યો છે ત્યારે હવામાન ખાતાએ મુંબઈમાં મુશળધાર વરસાદની આગાહી કરી હતી. પરંતુ બુધવારે સાંજે જે રીતે વરસાદ ગાંડોતૂર બનાવીને વરસી રહ્યો હતો, તેને જોતા અનેક લોકોને ૨૬ જુલાઈ, ૨૦૦૫ની યાદ આવી ગઈ હતી.
પાલિકાના ડિઝાસ્ટર ખાતાના જણાવ્યા મુજબ સાંજના પાંચથી છ વાગ્યા સુધીના એક કલાકમાં જ મોટોભાગનો વરસાદ પડી ગયો હતો, જેમાં મલબાર વિસ્તારમાં ૧૭ મિ.મી., મુલુંડમાં ૨૮ મિ.મી., વિક્રોલીમાં ૨૬ મિ.મી., ગવણપાડામાં ૨૨ મિ.મી., અંધેરી (પૂર્વ)માં ૧૧ મિ.મી. અને મરોલમાં નવ મિલીમીટર જેટલો વરસાદ નોંધાયો હતો.
આ દરમિયાન હવામાન ખાતાએ બુધવારે સાંજે રાજ્યમાં માટે આગામી પાંચ દિવસ માટે આગાહી જાહેર કરી હતી, જેમાં બેથી ત્રણ દિવસ વીજળીના ગડગડાટ સાથે મુશળધાર વરસાદ પડવાની આગાહી કરી છે. ૮ થી ૧૧ સપ્ટેમ્બર સુધી મુંબઈ, થાણે, પાલઘરમાં વરસાદનું જોર રહેશે. પશ્ર્ચિમ મહારાષ્ટ્ર સહિત મરાઠાવાડ અને વિદર્ભ માટે યેલો એલર્ટ જાહેર કર્યું છે. તો રાયગઢમાં ૧૧ અને ૧૧ સપ્ટેમ્બર માટે ઑરેન્જ ઍલર્ટ જાહેર કર્યું છે
હવામાન ખાતાના કહેવા મુજબ અરબી સમુદ્રમાં નૈઋત્યનું ચોમાસું ફરી સક્રિય થયું હોઈ પવનની ક્ષમતા હાલ મધ્યમથી તીવ્ર છે. એ સાથે જ કર્ણાટકના દક્ષિણ તરફ ચક્રીય વાવાઝોડું નિર્માણ થયું છે. બુધવારે બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર સર્જાયું છે, તેની અસર મહારાષ્ટ્ર, ગુજરાત, આંધ્ર પ્રદેશ, ઓડિશા, છત્તીસગઢ અને રાજસ્થાનને થવાની છે. આ લો પ્રેશર બાદમાં કદાચ આગળ પશ્ર્ચિમ દિશા તરફ સરકશે.

Google search engine