(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: હાલ મુંબઈ સહિત રાજ્યમાં વિચિત્ર વાતાવરણનો અનુભવ થઈ રહ્યો છે. શિયાળાની મોસમમાં ઠંડીને બદલે ગરમી અને હવે કમોસમી વરસાદ પડવાની આગાહી હવામાન ખાતાએ કરી છે. બંગાળના ઉપસાગરમાં નિર્માણ થયેલા ‘મંદોસ’ વાવાઝોડાને કારણે કોંકણ કિનારપટ્ટી પર અસર વર્તાઈ રહી છે, જે હેઠળ કોંકણમાં વરરાદ પડવાની શક્યતા છે.
મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં શિયાળાની મોસમ ચાલી રહી છે, પરંતુ ઠંડીને બદલે હાલ મહારાષ્ટ્રમાં વરસાદી માહોલ સર્જાયો છે. હવામાન ખાતાના કહેવા મુજબ કોંકણમાં વરસાદની શક્યતા છે, જેમાં રત્નાગિરિ અને સિંધુદુર્ગમાં બે દિવસથી વાદળિયું વાતાવરણ જોવા મળી રહ્યું છે.
‘મંદોસ’ વાવાઝોડાને કારણે તમિળનાડુ અને પુડુચેરીમાં એલર્ટ જાહેર કરી ત્યાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન ખાતાએ તમિળનાડુના અનેક જિલ્લા માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. સ્કૂલમાં પણ રજા જાહેર કરવામાં આવી હતી. આ વાવાઝોડાને કારણે મહારાષ્ટ્રમાં ઠંડીનું જોર ઘટશે તો અમુક ઠેકાણે વાદળિયું વાતાવરણ રહેશે એવું હવામાન ખાતાએ કહ્યું હતું.
આ વાવાઝોડાને કારણે મહારાષ્ટ્રમાં ઠંડીને અસર થઈ છે. અઠવાડિયા સુધી ઠંડીનું જોર ઘટેલું રહેશે. આ દરમિયાન મુંબઈમાં કોલાબા ખાતે મહત્તમ તાપમાન ૩૧.૨ ડિગ્રી અને લઘુતમ તાપમાન ૨૩.૦ ડિગ્રી તો સાંતાક્રુઝમાં મહત્તમ તાપમાન ૩૩.૧ ડિગ્રી અને લઘુતમ તાપમાન ૨૧.૦ ડિગ્રી નોંધાયું હતું.