(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાતમાં છેલ્લા છ-સાત દિવસથી અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ચૈત્રી નવરાત્રીના પ્રથમ દિવસે રાજકોટ, બનાસકાંઠા, જૂનાગઢ, અમરેલી સહિત રાજ્યના કેટલાક વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદી ઝાપટાં પડ્યાં હતાં. રાજકોટના વેસ્ટ અને ઇસ્ટ ઝોનમાં પોણા કલાકમાં પોણો ઇંચ અને સેન્ટ્રલ ઝોનમાં અડધો ઈંચ વરસાદ નોંધાયો હતો. રાજકોટમાં મિની વાવાઝોડું ફૂંકાયું હોય એવો માહોલ હતો.
રાજકોટ શહેરમાં બુધવારે સવારથી બપોર સુધી મિશ્ર વાતાવરણ જોવા મળ્યું હતું. બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. મનપા દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ બપોર પછી બેથી ત્રણ વાગ્યા સુધીમાં એક કલાકમાં સેન્ટ્રલ ઝોનમાં ૨૧ મીમી, ઇસ્ટ ઝોનમાં ૩૧ મીમી અને વેસ્ટ ઝોનમાં ૩૨ મીમી વરસાદ નોંધાયો હતો. જ્યારે ત્રણથી ચાર વાગ્યા સુધીમાં સેન્ટ્રલ ઝોનમાં વધુ પાંચ મીમી સાથે કુલ ૩૧ મીમી અને વેસ્ટ ઝોનમાં વધુ ત્રણ મીમી સાથે કુલ ૩૫ મીમી વરસાદ નોંધાયો હતો. રાજકોટ શહેરના કોટેચા સર્કલ, યુનિવર્સિટી રોડ, યાજ્ઞિક રોડ. કેકેવી ચોક, સાધુ વાસવાણી રોડ, ઢેબર રોડ, રૈયા ચોક, માધાપર ચોક, ૧૫૦ ફૂટ રિંગ રોડ સહિતના વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ તૂટી પડતા રસ્તાઓ પાણી પાણી થઈ ગયા હતા. જસદણ પંથકમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી ઝાપટાં પડ્યાં છે. પંથકના આટકોટ, વીરનગર, ખારચીયા, પાંચવડા, જંગવડ સહિતનાં ગામડાઓમાં હળવાં ઝાપટાં પડ્યાં છે. ભારે પવનને કારણે દુકાનોનાં બોર્ડ ઊડીને રસ્તા પર ફેંકાયાં હતાં દરમિયાન જૂનાગઢમાં પણ અચાનક જ વરસાદ પડવાથી શહેરમાં બપોરના ૧૨થી ચાર વાગ્યા સુધીમાં અડધો ઈંચ વરસાદ વરસતા મુખ્ય માર્ગો પર પાણી વહેતા થયા હતા. સાબલપુર ચોકડી, ઝાંઝરડા ચોકડી ,દાણાપીઠ, કાળવા ચોક, સકરબાગ, સરદારબાગ સહિતમાં કમોસમી વરસાદના કારણે રસ્તા પર પાણી ફરી વળ્યાં હતાં. બનાસકાંઠા જિલ્લામાં અંબાજી અને દાંતા પંથકમાં વરસાદી માહોલ છવાયો હતો ત્યારે યાત્રાધામ અંબાજીમાં પણ વરસાદ વરસ્યો હતો. અમરેલી જિલ્લાના ધારી ગીર વિસ્તારના ગોવિંદપુર, સુખપુર, સરસીયા, કાંગસા સહિતના ગામડાઓમાં પણ વરસાદ વરસ્યો હતો. ધોધમાર વરસેલા વરસાદના કારણે ગામડાઓના રસ્તા પર પાણી વહેતા થયાં હતાં.