રાજકોટમાં જળબંબાકાર: 6 કલાકમાં 8 ઇંચ વરસાદ, શાળા-કોલેજોમાં રજા, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષા રદ

આપણું ગુજરાત

સીઝનની શરૂઆતથી જ સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ જમ્યો છે ત્યારે સોમવારની રાતે શહેરમાં મુસળધાર વરસાદ વરસતા ચારે તરફ જળબંબાકાર દ્રશ્યો સર્જાયા છે. 6 કલાકમાં 8 ઇંચ જેટલો વરસાદ કબકતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જિલ્લા શિક્ષણ અધિકારીએ તમામ સ્કૂલમાં આજે રજા જાહેર કરી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની આજની તમામ પરીક્ષાઓ રદ્દ કરવામાં આવી છે. ભારે વરસાદ વચ્ચે ન્યારી-ર ડેમના ૪ દરવાજા બે ફૂટ ખોલવામાં આવ્યા છે..
આજી નદી ગાંડીતૂર થતા શહેરના વિસ્તારોમાં ભરાવો થઈ રહ્યો છે. શહેરમાં ભારે વરસાદને પગલે પોપટપરામાં ઘરમાં પાણી ઘૂસ્યાં હતાં. ઉપરાંત લલુડી વોકળીમાં રસ્તા નદી બન્યા હતા જેને પગલે વાહનો ડૂબ્યાં હતાં અને વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. રાજકોટના મેયર પ્રદીપ ડવ બચાવ કામગીરી માટે લોકોની વચ્ચે પાણીમાં પહોંચ્યા છે.
આ વચ્ચે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પરીક્ષાઓ રદ કરાઈ નિર્ણય લેવાયો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરીક્ષા નિયાયકે જણાવ્યુ કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સાથે સંલગ્ન કોલેજોના આચાર્યો તથા અનુસ્નાતક ભવનનાં અધ્યક્ષોને જણાવવાનું કે, તારીખ 5 જુલાઈના રોજથી શરૂ થયેલ પરીક્ષા આજરોજ તારીખ 12 જુલાઈના રોજની પરીક્ષા અતિભારે વરસાદને કારણે રદ્દ કરવામા આવે છે જેની નવી તારીખ હવે પછી જાહેર કરવમાં આવશે.
રાજકોટ મનપા વિસ્તારમાં આવેલા 4 અન્ડરબ્રિજ પૈકી રેલનગરનો અન્ડરબ્રિજ બંધ કરાયો છે. રેલનગર અન્ડરબ્રિજમાં 3થી 4 ફૂટ પાણી ભરાતાં હાલ તેને બંધ કરવામાં આવ્યો છે. ધોધમાર વરસાદે રાજકોટમાં પ્રી-મોન્સૂનની કામગીરીની પોલ ખોલી નાખી છે.

“>

પડધરી તાલુકાના ન્યારી-2 ડેમના ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ડેમમાં પાણીની આવક ચાલુ છે. ડેમના 4 દરવાજા 2 ફૂટ ખોલવામાં આવ્યા છે. ડેમના નિચાણવાળા વિસ્તારમાં આવેલા ગોવિંદપુર, ખામટા, રામપર, વણપરી અને તરધડી ગામોના લોકોએ નદીના પટમાં અવર-જવર ન કરવા અને સાવચેત રહેવા ફ્લડ કંટ્રોલ રૂમ દ્વારા જણાવાયું છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.