મેઘરાજાએ રવિવારે રાતે અમદાવાદને ધમરોડતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. રવિવારે સાંજે 7 વાગ્યે શરુ થયેલા ધોધમાર વરસાદે ચાર કલાક બાદ વિરામ લીધો હતો ત્યાર બાદ મોડી રાતે બે વાગ્યાથી ફરી ધોધમાર વરસાદ શરૂ થયો હતો. છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં સરેરાશ 8.5 ઇંચ વરસાદ નોંધાયો છે. વહેલી સવારે વરસાદે વિરામ લીધો ત્યાં સુધી શહેરમાં જળબંબાકારના દ્રશ્યો સર્જાયા હતા. આજે પણ અમદાવાદમાં ભારે વરસાદની આગાહી છે. ભારે વરસાદને પગલે શહેરમાં તમામ શાળા-કોલેજોમાં આજે રજા જાહેર કરવામાં આવી છે. આજે તમામ ગાર્ડન પણ બંધ રહેશે.
રવિવારે સાજે 7 વાગ્યાથી શરુ થયેલા ધોધમાર વારસાને કારણે રાજાના દિવસે ફરવા નીકળેલા લોકો ફસાઈ ગયા હતા. રસ્તાઓ પર ઘૂંટણ સુધીનું પાણી ભરાઈ ગયું હતું.વાહનો સાઈલેન્સરમાં પાણી ભરાઈ જતા અનેક વાહનો બંધ પડી ગયા હતા, જેથી વાહન ચાલકોને વાહનો રોડ પર જ મૂકીને ઘરે જવાની ફરજ પડી હતી. જેના પગલે સવારે શહેરના રોડ પર બંધ વાહનોનો ખડકલો જોવા મળ્યો હતો. રાત્રે શહેરમાં ઠેર ઠેર લાંબા ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા.
પરિમલ, શાહીબાગ, ઉસ્માનપુરા, અખબારનગર અંડરબ્રિજમાં પાણી ભરાતાં અંડરબ્રિજ બંધ કરવાની ફરજ પડી હતી.
ભારે વરસાદને કારણે પ્રહલાદનગર રોડ પર આવેલા ઔડા તળાવની પાળી તૂટી પડી હતી જેને કારણે તળાવના પાણી આસપાસની સોસાયટીમાં ઘુસી ગયા હતા.
પ્રહલાદનગરમાં આવેલા વ્રજવિહાર એપાર્ટમેન્ટના બેઝમેન્ટમાં પાણી ભરાઈ જતા પાર્ક કરેલા વાહનો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. જેને કારણે વાહનોને ભારે નુકશાન પહોંચવાની આશંકા છે.
શહેરના પોશ વિસ્તારોમાંથી એક ઇસ્કોન-આંબલી રોડ પર પાણી ભરાઈ જતા અનેક વાહનો બંધ પડી ગયા હતા. જેણે કારણે લોકો તેમના વાહનો ત્યાં જ છોડીને જતા રહ્યા હતા.
Visuals from Iskcon Ambli Road, one of the poshest locality of the city! #ahmedabadrain pic.twitter.com/zUh0UxcZJV
— Parth Buch (@paarthbuch) July 11, 2022
“>
શહેરના શાહીબાગ વિસ્તારમાં રસ્તા પર પડેલા ભૂવામાં એક કાર ગરકાવ થઇ ગઈ હતી.
મોડી રાતેપડેલા વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં છે. વાસણા, પાલડી, એલિસબ્રિજ, સરસપુર, હાટકેશ્વર, બોપલ-ઘુમા વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાયાં છે. લોકોને વહેલી સવારથી જ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
પૂર્વ ઝોનમાં સરેરાશ 114.15 મી.મી. વરસાદ નોંધાયો છે. પશ્ચિમ ઝોનમાં સરેરાશ 282.02 એમ.એમ. વરસાદ નોંધાયો છે. રવિવાર સાંજે સાત વાગ્યાથી સોમવારે વહેલી સવારે સાત વાગ્યા સુધીમાં પાલડી, વાસણા, એલિસબ્રિજ વિસ્તારમાં 18 ઇંચ વરસાદ ખાબક્યો છે, જ્યારે વાડજ, ઇન્કમટેકસ, આશ્રમ રોડ વિસ્તારમાં 14 ઇંચ, બોડકદેવ, વસ્ત્રાપુર વિસ્તારમાં 12 ઈંચ વરસાદ પડ્યો છે.