ભારે વરસાદે મુંબઈગરાને કર્યા બેહાલ

આમચી મુંબઈ

રાહત: મુંબઈમાં સપ્ટેમ્બર મહિનામાં ‘ઑક્ટોબર’ હિટ જેવી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. છેલ્લા ચારેક દિવસથી મુંબઈના સરેરાશ તાપમાનમાં વધારો થયો છે, જેમાં રવિવારે દિવસભર ગરમી વચ્ચે અમુક વિસ્તારોમાં વરસાદનાં ઝાપટાં પડ્યાં બાદ લોકોને ગરમીમાંથી અમુક અંશે રાહત થઈ હતી, જ્યારે દક્ષિણ મુંબઈના ફાઉન્ટન ખાતે મહિલાઓએ વરસાદથી બચવા છત્રીનો આશરો લેવો પડ્યો હતો. (અમય ખરાડે)

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: લગભગ ત્રણ અઠવાડિયા બાદ ફરી એક વખત મુંબઈમાં શનિવારથી વરસાદે એન્ટ્રી કરી છે. શનિવારે મોડી રાતથી શરૂ થયેલા વરસાદે રવિવારના મુંબઈના અનેક વિસ્તાર મુશળધાર પડીને મુંબઈને ધમરોળી નાખ્યું હતું. મુંબઈના અનેક નીચાણવાળા વિસ્તારમાં ખાસ કરીને પશ્ર્ચિમ ઉપનગરમાં વહેલી સવારના પાણી ભરાઈ ગયાં હતાં.
ઑગસ્ટ મહિનામાં પહેલા અઠવાડિયામાં મુશળધાર વરસાદ પડ્યા બાદ છૂટોછવાયો વરસાદ જ પડી રહ્યો હતો. લાંબા સમયથી નોંધપાત્ર વરસાદ પડ્યો નહોતો. છેલ્લાં અનેક દિવસથી ગરમી અને ઉકળાટથી મુંબઈગરા પરેશાન થઈ ગયા હતા. ત્યારે શનિવાર રાતથી અચાનક ફરી વરસાદે એન્ટ્રી કરી છે. શનિવાર રાતથી શરૂ થયેલો વરસાદ આખી રાત પડ્યો હતો. રવિવારે વહેલી સવાર સુધી વરસાદ ચાલુ રહ્યો હતો. ખાસ કરીને પશ્ર્ચિમ ઉપનગરમાં વરસાદનું જોર વધારે રહ્યું હતું. બાંદરાથી લઈને બોરીવલી સુધીના વિસ્તારમાં ભારે વરસાદ રહ્યો હતો. સવાર બાદ જોકે વરસાદનું જોર થોડું હળવું થયું હતું. જોકે દિવસભર છૂટોછવાયો વરસાદ ચાલુ જ રહ્યો હતો.
શનિવાર રાતથી અચાનક આવી પડેલા વરસાદે જોકે ગણેશભક્તો માટે આફત ઊભી કરી નાખી હતી. મુંબઈ શહેર પ્રમાણે જ પૂર્વ અને પશ્ર્ચિમ ઉપનગરમાં શનિવાર રાતથી મુશળધાર વરસાદ પડવાનું ચાલુ થયું હતું. સાર્વજનિક ગણેશોત્સવ ંડળના મંડપમાં અનેક સાંસ્કૃતિ કાર્યક્રમ હતા પરંતુ વરસાદે તેમાં ભંગ પાડ્યો હતો. રવિવારનો રજાનો દિવસ હોવાથી શનિવારે રાતના ગણેશભકતો મોટી સંખ્યામાં લાલબાગ, પરેલ જેવા વિસ્તારમાં ગણેશદર્શન માટે નીકળ્યા હતા અને વરસાદે તેમાં ભંગ પાડ્યો હતો.
શનિવારે સવારના ૧૦ વાગ્યાથી રવિવાર સવારના ૧૦ વાગ્યા સુધીમાં મુંબઈના જુદા જુદા વિસ્તારમાં ૧૦થી ૮૦ મિલીમીટર વરસાદ નોંધાયો હતો. તો અનેક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયાં હતાં, જેમાં ખાસ કરીને કિંગ સર્કલ, સાયન સર્કલ, દાદર ટીટી, સાયન, અંધેરી સબ-વે, મિલન સબ-વે જેવા વિસ્તારનો સમાવેશ થાય છે. વરસાદી પાણીનો નિકાલ કરવા માટે અનેક જગ્યાએ પંપ બેસાડવામાં આવ્યા હતા.
સવારના પશ્ર્ચિમ ઉપનગરમાં સહારા સ્ટાર હૉટલ, વાકોલા જંકશન પાસે પાણી ભરાઈ જતાં દક્ષિણ તરફ જતા ટ્રાફિકને અસર થઈ હતી. અંધેરીમાં નેતાજી પાલકર ચોક પાસે બે ફૂટ સુધી પાણી ભરાતાં અંધેરી સબ-વે બંધ કરીને ટ્રાફિક અન્ય જગ્યાએ વાળવામાં આવ્યો હતો.
રવિવાર સવારના છ વાગ્યાની આસપાસ વરસાદે થોડો વિરામ લીધો હતો. તો અમુક વિસ્તારમાં છૂટોછવાયો પડી રહ્યો હતો. રવિવારે દિવસ દરમિયાન જોકે બાદમાં હળવાથી છૂટાછવાયા વરસાદનાં ઝાપટાં રહ્યા હતા. શનિવાર સવારના સાડા આઠ વાગ્યાથી રવિવાર સવારના સાડા આઠ વાગ્યા સુધીમાં સાંતાક્રુઝમાં ૯૩.૭ મિ.મી. અને કોલાબામાં૮.૩ મિ.મી. જેટલો વરસાદ નોંધાયો હતો. આ અગાઉ નવ ઑગસ્ટના સાંતાક્રુઝમાં ૧૨૬.૩ મિ.મી. વરસાદ પડ્યો હતો. તો શનિવાર સવારના ૯ વાગ્યાથી રવિવાર સવારના ૮ વાગ્યા સુધીમાં દક્ષિણ મુંબઈમાં ૩૧.૪૬ મિ.મી, પૂર્વ ઉપનગરમાં ૩૪.૨૩ મિ.મી. અને પશ્ર્ચિમ ઉપનગરમાં ૭.૩૨ મિ.મી. જેટલો વરસાદ નોંધાયો હતો.
શનિવારથી ફરી સક્રિય થયેલા વરસાદ પાછળ સાયક્લોનિક સર્ક્યુલેશની સાથે જ સ્થાનિક સ્તરે વધી ગયેલી ગરમીને પણ જવાબદાર ગણવામાં આવે છે. મહારાષ્ટ્રના અનેક જિલ્લામાં વાદળિયું વાતાવરણ છવાયેલું રહ્યું હતું. આ સિસ્ટમને કારણે મુંબઈ સહિત રાજ્યમાં ફરી વરસાદ સક્રિય થયો હોવાનું કહેવામાં આવે છે. હવામાન ખાતાએ તીવ્ર ગરમીને કારણે સ્થાનિક સ્તરે અચાનક વરસાદ પડવાને સામાન્ય ઘટના ગણાવી હતી.
ખાનગી હવામાન સંસ્થાના કહેવા મુજબ હાલ બે-ચાર દિવસ વરસાદના આવા જ જોરદાર ઝાપટાં રહેશે. મુશળધાર વરસાદની હાલ કોઈ શક્યતા નથી. જોકે ત્યારબાદ જોકે નવી સિસ્ટમ ડેવલપ થવાની અને વરસાદ પડવાની શક્યતા છે. તો ભારતીય હવામાન ખાતાએ રવિવાર માટે પાલઘર, થાણે, મુંબઈ અને રાયગઢ માટે યલો એલર્ટ જાહેર કર્યું હતું. તો પાંચ સપ્ટેમ્બરથી ૮ સપ્ટેમ્બર સુધી મુંબઈ સહિતના આ જિલ્લામાં હળવા વરસાદની આગાહી કરી છે.

બોક્સ
વીજળી પડવાથી મહિલાનું મૃત્યુ
મુંબઈમાં વરસાદને કારણે કોઈ નોંધનીય બનાવ નોંધાયો નહોતો. પવને કારણે ઝાડની ડાળખી તૂટવાની અને શોર્ટ સર્કિટના છૂટક બનાવ નોંધાયા હતા. જોકે થાણે જિલ્લામાં શાહપુર તાલુકામાં ખિનાવલીમાં ઝાવવાડીમાં રહેતી આદિવાસી મહિલા અનીબાઈ મુંડોલાનું વીજળી પડવાથી મૃત્યુ થયું હતું. અનીબાઈ શનિવારના ભેંસ ચરાવવા ગઈ હતી.સાંજના વીજળી પડવાથી મહિલા સહિત તેના ઢોરનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું.

મંડળ અને ભક્તોને સાવધ રહેવાની અપીલ
હાલ ગણેશોત્સવ ધૂમધામથી ઊજવાઈ રહ્યો છે, તેમાં મુંબઈમાં આગામી બે-ત્રણ વરસાદની શક્યતા હોવાની હવામાન ખાતાની આગાહીને પગલે સાર્વજનિક ગણેશોત્સવ મંડળે મુંબઈના ગણેશમંડળ અને ભક્તોને સાવધ રહેવાની અપીલ કરી છે. ગણેશમંડપમાં ડેકોરેશન તથા મોટા પ્રમાણમાં લાઈટીંગ કરવામાં આવતી હોય છે ત્યારે વરસાદ અને વીજળી પડવાને કારણે શોર્ટ સર્કિટના બનાવ બની શકે છે. તેથી ભક્તો સહિત મંડળના કાર્યકર્તાઓને સાવધ રહેવાનું કહેવામાં આવ્યું છે. તેમ જ વરસાદને કારણે મંડપમાં પાણી ભરાવાની તેમ જ શોર્ટ સર્કિટની દુર્ઘટના ના બને તે માટે સાવધાની રાખવાનું પણ કહેવામાં આવ્યું છે. ઈમરજન્સીમાં કોઈ મદદ જોઈએ તો મુંબઈ મહાનગરપાલિકાનો ૧૯૧૬ નંબર પર સંપર્ક સાધવાનું પણ કહેવામાં આવ્યું છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.