મુંબઈમાં ઑરેન્જ એલર્ટ સાથે મુશળધાર વરસાદની આગાહી

આમચી મુંબઈ

કોંકણ, મધ્ય મહારાષ્ટ્ર અને મરાઠવાડામાં ૮ જુલાઈ સુધી
મુશળધારથી અતિમુશળધાર વરસાદની આગાહી

મોજમસ્તી: મેઘરાજાની જોરદાર બેટિંગ વચ્ચે યુવતીઓએ મરીન ડ્રાઈવ પર વરસાદની મજાને યાદગાર બનાવી હતી. (જયપ્રકાશ કેળકર)

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વરસાદે રવિવારે પોરો ખાધા બાદ સોમવાર સવારથી ફરી જોરદાર એન્ટ્રી કરી હતી. મુંબઈ સહિત મુંબઈ મેટ્રોપોલિટન રિજનમાં (એમએમઆર) આવતા વિસ્તારમાં બપોર બાદ વરસાદે ભારે જોર પક્ડયું હતું. ભારે વરસાદને પગલે મુંબઈના અનેક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયાં હતાં તો મુંબઈની લાઈફલાઈન ગણાતી લોકલ ટ્રેનને પણ વરસાદને કારણે અસર પહોંચી હતી. હવામાન ખાતાાએ એમએમઆર માટેનું યલો એલર્ટ બદલીને ઑરેન્જ એલર્ટ જાહેર કર્યું હતું.
ગયા અઠવાડિયામાં જોરદાર વરસ્યા બાદ સોમવાર બપોરે મુંબઈ, નવી મુંબઈ, થાણે, કલ્યાણ-ડોંબિવલી, વસઈ-વિરાર જેવા વિસ્તારમાં જોશભેર વરસાદ ત્રાટક્યો હતો. અમુક વિસ્તારમાં વરસાદનું જોર વધવાની શક્યતા હવામાન ખાતાએ વ્યકત કરી છે. સોમવારે સાંજે હવામાન ખાતાએ મુંબઈ સહિતના આજુબાજુના પરિસર માટે યલો ઍલર્ટને બદલીને ઑરેન્જ એલર્ટ કરી નાંખ્યું હતું. એટલું જ નહીં, પણ ૮ જુલાઈ સુધી એમએમઆર સહિત કોંકણ, મરાઠવાડામાં અતિ વરસાદની આગાહી હવામાન ખાતાએ કરી છે.
મુંબઈ છોડીને એમએમઆરના અન્ય વિસ્તારમાં સવારથી વરસાદનું જોર રહ્યું હતું, જ્યારે મુંબઈમાં દિવસભર ધીમો વરસાદ રહ્યો હતો, પરંતુ સાંજ બાદ વરસાદે જોર પકડ્યું હતું. દાદર, હિંદમાતા, પરેલ, કુર્લા, સાયન, માટુંગા, સાંતાક્રુઝ જેવા નીચાણવાળા વિસ્તારમાં ભારે વરસાદને પગલે પાણી ભરાઈ ગયાં હતાં. વરસાદને પગલે લોકલ સેવાને પણ અસર થઈ હતી. ભારે વરસાદ અને પવનને પગલે અનેક જગ્યાએ ઝાડ તૂટી જવાના અને ઘરની દીવાલ તૂટી પડવાના બનાવ બન્યા હતા.
મુંબઈમાં સોમવાર સાંજ બાદ વરસાદનું જોર વધ્યું હતું, તો ડોંબિવલીમાં સાંજના માત્ર ત્રણ કલાકમાં ૮૫ મિ.મી. વરસાદ અને નવી મુંબઈના કોપરખૈરાણેમાં ત્રણ કલાકમાં ૮૭.૮ મિ.મી. જેટલો વરસાદ નોંધાયો હતો. તો ભિવંડીમાં પણ સાંજના બે કલાકના વરસાદમાં જ અનેક વિસ્તારમાં પાણી ભરાઈ ગયાં હતાં.
હવામાન ખાતાના કહેવા મુજબ આગામી દિવસમાં મહારાષ્ટ્રમાં જોરદાર વરસાદ પડવાનો છે. અરબી સમુદ્રમાં ઓછા દબાણનો પટ્ટો સર્જાયો હોવાની સાથે જ બંગાળના ઉપસાગરમાં પણ ઓછા દબાણનો પટ્ટો તૈયાર થયો હોવાથી મુંબઈ સહિત મહારાષ્ટ્રના અનેક વિસ્તારમાં મુશળધાર વરસાદ પડવાની શક્યતા છે.
રાજ્યમાં પણ કોંકણમાં વરસાદનું ભારે જોર રહ્યું હતું અનેક નદીઓમાં પૂર આવ્યા હતા. કોંકણના સિંધુદુર્ગ જિલ્લામાં ચાર દિવસ એટલે કે પાંચથી આઠ જુલાઈ સુધી ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગયા વર્ષે મહાડ, ચિપલૂણમાં ભારે વરસાદને કારણે મહાપૂર આવ્યા હતા. હવામાન ખાતાએ મુશળધાર વરસાદની આગાહી કરી હોવાથી એનડીઆરએફની ટુકડી તહેનાત કરી દેવામાં આવી છે અને પ્રશાસનને એલર્ટ કરી દેવામાં આવી છે.

અતિવૃષ્ટિની શક્યતા
કોંકણ, મધ્ય મહારાષ્ટ્ર અને મરાઠવાડામાં અમુક જિલ્લામાં ચાર દિવસ મુશળધારથી અતિમુશળધાર વરસાદ પડવાની શક્યતા છે. ઉત્તર કોંકણમાં મુંબઈ, થાણે, રાયગઢ, પાલઘર અને દક્ષિણ કોંકણના સિંધુદુર્ગ, રત્નાગિરિ જિલ્લાના અમુક વિસ્તારમાં મુશળધારથી અતિમુશળધાર વરસાદની શક્યતા છે. ઉત્તર-મધ્ય મહારાષ્ટ્રના પુણે, નાશિક, નંદુરબાર અને દક્ષિણ મધ્ય મહારાષ્ટ્રના સાતારા અને કોલ્હાપુર જિલ્લાના ઘાટ વિસ્તારમાં મુશળધારથી અતિમુશળધાર વરસાદની શક્યતા છે. તેમ જ પાંચ જુલાઈના મરાઠવાડાના ઔરંગાબાદ, જાલના, હિંગોલી, પરભણી, નાંદેડ, બીડ, લાતુર, ધારાશી જિલ્લાના અમુક ભાગમાં ૩૦થી ૪૦ કિલોમીટર પ્રતિ કલાકે વીજળીના ગડગડાટ સાથે મધ્યમથી મુશળધાર વરસાદ પડશે. તો છથી સાત જુલાઈ દરમિયાન મુશળધાળથી અતિમુશળધરાર વરસાદની શક્યતા છે. માછીમારોને આગામી ચાર દિવસ મહારાષ્ટ્ર, ગોવાના કિનારા પ્રદેશ પર જવું નહીં એવી સૂચના હવામાન ખાતાએ આપી છે. ઉ

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.