Homeદેશ વિદેશહિમાચલમાં ભારે મતદાન

હિમાચલમાં ભારે મતદાન

શનિવારે હિમાચલ પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં રાજ્યના નાગરિકોએ સખત ઠંડી અને હિમવર્ષાને અવગણીને ઉત્સાહથી ભારે મતદાન કર્યું હતું.
(પીટીઆઈ)

શિમલા: હિમાચલ પ્રદેશ વિધાનસભાની ૬૮ બેઠકોની ચૂંટણીમાં શનિવારે લોકોએ સખત ઠંડી અને હિમવર્ષાને અવગણીને ઉત્સાહથી ભારે મતદાન કર્યું હતું. સાંજે પાંચ વાગ્યા સુધીમાં રાજ્યમાં ૬૫.૯૨ ટકા મતદાન નોંધાયું હતું. સિરમૌર જિલ્લામાં ૬૯.૬૭ ટકા, સોલન જિલ્લામાં ૬૮.૪૮ ટકા, મંડી જિલ્લામાં ૬૫.૫૯ ટકા અને ક્ધિનૌર જિલ્લામાં સૌથી ઓછું ૬૨ ટકા મતદાન નોંધાયું હતું. ચૂંટણીપંચે બાવન મતદારો માટે લાહૌલ સ્પિતિ જિલ્લાના તાશીગાંગમાં ૧૫,૨૫૬ ફૂટની ઊંચાઈ પર બૂથ બનાવીને મતદાનની વ્યવસ્થા કરી હતી. રાજ્યમાં એ વિશ્ર્વના સૌથી વધુ ઊંચાઈ પરના મતદાનમથકમાં બાવનમાંથી એકાવન મતદારોએ મત આપતાં ૯૯ ટકા મતદાન નોંધાયું હતું.
રાજ્ય વિધાનસભાની ચૂંટણીના ૨૪ મહિલાઓ સહિત ૪૧૨ ઉમેદવારો માટે લાખો નાગરિકોએ મતદાન કર્યું હતું. ઉમેદવારોમાં મુખ્ય પ્રધાન જયરામ ઠાકુર (ભાજપ), ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન વીરભદ્રસિંહના પુત્ર વિક્રમાદિત્યસિંહ (કૉંગ્રેસ) અને ભાજપના હિમાચલ પ્રદેશ એકમના ભૂતપૂર્વ પ્રમુખ સતપાલસિંહ સત્તી સહિત અનેક વરિષ્ઠ નેતાઓનો સમાવેશ છે. ચૂંટણીમાં ભાજપ અને કૉંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટી સ્પર્ધામાં છે. રાજ્યની ૬૮માંથી ૬૭ બેઠકો પર એએપીના ઉમેદવારો છે.
શનિવારે સવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્ય પ્રધાન જયરામ ઠાકુરે નાગરિકોને ઉત્સાહથી મતદાન કરવાનો અનુરોધ કર્યો હતો. મોદીજીએ સોશિયલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર લખેલી પોસ્ટમાં નાગરિકોને ‘લોકશાહીના ઉત્સવ’માં ઉત્સાહથી સામેલ થઇને મતદાનનો વિક્રમ નોંધાવવાનો અનુરોધ કર્યો હતો. મુખ્ય પ્રધાન જયરામ ઠાકુરે સમૃદ્ધ હિમાચલ પ્રદેશના ઘડતર માટે મોટી સંખ્યામાં મતદાનનો અનુરોધ કર્યો હતો. તેમણે નાગરિકોને મતદાન કર્યા પછી ચા-નાસ્તો કરવાનો અનુરોધ કર્યો હતો.
રાજ્યમાં પંચાવન લાખથી વધુ મતદારોમાં ૨૮,૫૪,૯૪૫ પુરુષ અને ૨૭,૩૭,૮૪૫ મહિલા મતદારોનો સમાવેશ છે. હિમાચલ પ્રદેશના મુખ્ય ચૂંટણી અધિકારી મહેશ ગર્ગે જણાવ્યું હતું કે આ ચૂંટણી માટે ચૂંટણીપંચના લગભગ પચાસ હજાર જેટલા કર્મચારીઓ કાર્યરત હતા. સલામતી બંદોબસ્ત માટે સુરક્ષા દળોના પચીસ હજાર જવાનોને તહેનાત કરવામાં આવ્યા હતા.
પરંપરાગત રીતે સત્તાધારી પક્ષને ચૂંટવાનો ઇતિહાસ ધરાવતા હિમાચલ પ્રદેશમાં આ વખતે ભાજપનું શાસન જળવાઈ રહે છે કે જનતા ‘ઍન્ટિ-ઇન્કબન્સી’ વોટનું વલણ અપનાવે છે, તેની સ્પષ્ટતા ૮ ડિસેમ્બરે મતગણતરી બાદ પરિણામોની જાહેરાત વેળા થશે.
ભાજપ માટે પક્ષપ્રમુખ જગતપ્રકાશ નડ્ડા, ગૃહપ્રધાન અમિત શાહ અને ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે પ્રચારસભાઓ સંબોધી હતી અને કૉંગ્રેસે મુખ્યત્વે પ્રિયંકા ગાંધી પર આધાર રાખ્યો હતો. રાહુલ ગાંધી ભારત જોડો યાત્રામાં વ્યસ્ત હોવાથી પ્રચારમાં જોડાઈ શક્યા નહોતા.
શનિવારે સવારે આઠ વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધી ત્રણ સહાયક મથકો સહિત ૭૮૮૪ મતદાનમથકો સ્થાપવામાં આવ્યા હતા. તેમાં કોમવાદી દૃષ્ટિએ નાજુક માહોલ ધરાવતા ભાગોમાં ૭૮૯ મતદાનમથકો અને ૩૯૭ ક્રિટિકલ બૂથનો સમાવેશ છે.
શનિવારની ચૂંટણીના ૪૧૨ ઉમેદવારોમાં ૨૨૬ (પંચાવન ટકા) ઉમેદવારો કરોડપતિ હોવાનું સત્તાવાર અહેવાલમાં જણાવાયું હતું. અહેવાલ મુજબ ૬૮ બેઠકો પર કૉંગ્રેસના ૬૧ (૯૦ ટકા), ભાજપના ૫૬ (૮૨ ટકા) ઉમેદવારો કરોડ પતિ છે. ૪૫ જેટલા અપક્ષ ઉમેદવારો કરોડપતિ છે. ૨૨૬ કરોડપતિ ઉમેદવારોમાં ૬૬ ઉમેદવારો સામે ફોજદારી કેસો નોંધાયેલા છે. માર્ક્સવાદી પક્ષના રાકેશ સિંઘા સામે સૌથી વધુ ૩૦ ફોજદારી કેસ ચાલે છે. માર્ક્સવાદી પક્ષના કુલદીપસિંગ તંવર સામે ૨૦ અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન વીરભદ્રસિંહના પુત્ર વિક્રમાદિત્યસિંહ સામે ૧૧ ફોજદારી કેસ ચાલે છે.
હિમાચલ પ્રદેશ વિધાનસભાની ૧૨ નવેમ્બરે યોજાયેલી ચૂંટણી પૂર્વે રાજ્યમાં ૧૦ નવેમ્બર સુધીમાં ૧૭.૧૮ કરોડ રૂપિયાનો દારૂ, ૧.૨ કરોડ રૂપિયાના કૅફી પદાર્થો (ડ્રગ્સ) અને મતદારોને પ્રલોભન-‘લહાણી માટેની’- માટે લઈ જવાતી ૪૧ લાખ રૂપિયાની ચીજો જપ્ત કરવામાં આવી હતી. હિમાચલ પ્રદેશમાં ચૂંટણીના અનુસંધાનમાં રોકડ, શરાબ અને ‘લહાણી માટેની’ વસ્તુઓ મળીને કુલ ૫૦.૨૮ કરોડ રૂપિયાના સામાનની જપ્તી કરવામાં આવી હતી. વર્ષ ૨૦૧૭ની હિમાચલ પ્રદેશ વિધાનસભાની ચૂંટણી પૂર્વે ૯.૦૩ કરોડ રૂપિયાના રોકડ, દારૂ અને ‘લહાણી માટેની’ ચીજવસ્તુઓની જપ્તી કરવામાં આવી હતી. તેની સરખામણીમાં આ વખતે જપ્તી પાંચ ગણા વધુ પ્રમાણમાં થઈ છે. (એજન્સી)

RELATED ARTICLES

Most Popular