સેના ભવન ખાતે ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો

આમચી મુંબઈ

વિરોધ: શિવસેનાના પ્રધાન એકનાથ શિંદેની બળવાખોરી બાદ શિવસેનાના કાર્યકરોએ સમગ્ર રાજ્યમાં ભાજપની નીતિ સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. દાદરમાં સેના ભવનની બહાર શિવસેનાના કાર્યકરોએ ભાજપની વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. પોલીસે દાદરના શિવસેના ભવનની ફરતે કડક ચોકી પહેરો ગોઠવી દીધો છે. (જયપ્રકાશ કેળકર)

મુંબઈ: શિવસેનાના વરિષ્ઠ નેતા એકનાથ શિંદે કેટલાક વિધાનસભ્યો સાથે ગુજરાત નીકળી જતાં શિવસેના ભીંસમાં આવી ગઇ છે. જે પછી પક્ષના કાર્યકરો મોટી સંખ્યામાં દાદર વિસ્તારમાં આવેલા પક્ષના વડામથક સેનાભવન તરફ ઊમટી પડ્યા હતા, જેને કારણે સેના ભવન ખાતે ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે સામે આવી પડેલા પડકારને કારણે શિવસેનાના કાર્યકરોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે. સવારથી જ તેઓ સેના ભવન ખાતે ઊમડી પડ્યા હતા અને ઠાકરેના આદેશની વાટ જોતા હતા. શિવસેના સાથે દગો કરનાર સામે વિરોધ ચાલુ રહેશે. અમારા નેતા ઉદ્ધવ ઠાકરે બધી સમસ્યામાંથી બહાર આવશે અને વિજયી બનશે, એમ મહિલા કાર્યકરે જણાવ્યું હતું.
બાળાસાહેબ ઠાકરે જીવિત હતા ત્યારે તેમણે કહ્યું હતું કે મારી જેમ જ મારા પછી ઉદ્ધવની કાળજી
રાખશો. આથી અમે તેમનું ધ્યાન રાખી રહ્યા છીએ. અમે બધા ઉદ્ધવ ઠાકરેની પડખે છીએ, એમ અન્ય કાર્યકરે જણાવ્યું હતું. દરમિયાન કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં એકઠા થતાં સેના ભવન ખાતે મહિલા પોલીસકર્મીઓ સહિત પોલીસનો ભારે બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. કોઇ પણ અનિચ્છનીય ઘટનાને પહોંચી વળવા અમે સુસજ્જ છીએ, એમ પોલીસ અધિકારીએ કહ્યું હતું. (પીટીઆઇ)ઉ
———
એકનાથ શિંદેના બળવાથી રાજકીય ભૂકંપ

બેઠકોે અને સમજાવટનો દોર શરૂ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: શિવસેનાના પ્રધાન અને નેતા એકનાથ શિંદેએ બળવો કરતા મહારાષ્ટ્રમાં રાજકારણમાં મોટો ભૂકંપ આવ્યો છે. અને મહાનગરમાં બેઠકોનો દોર શરૂ થયો હતો. તથા દરેક મોટા પક્ષે પોતાના વિધાનસભ્યોને હૉટેલમાં ‘કેદ’ કરવાની કવાયત શરૂ કરી શિવસેનાએ મંગળવારે સવારે અને સાંજે તેના વિધાનસભ્યો અને સંસદસભ્યોની બેઠક યોજી હતી. એનસીપીના સુપ્રીમો શરદ પવાર પણ દિલ્હીથી મુંબઇ જવા રવાના થયા હતા. ઉદ્ધવ ઠાકરે એમવીએના ટોચના નેતાઓને વર્ષામાં મળ્યા હતા. શિવસેનાએ વધુ ડેમેજ ન થાય એ માટે એના વિધાનસભ્યોને સેન્ટ રેજીસ હૉટેલમાં ખસેડયા હતા. કૉંગ્રેસ કમલનાથને મહારાષ્ટ્રના નિરીક્ષક બનાવીને મુંબઇ મોકલાવ્યા છે. ભાજપ તેના વિધાનસભ્યોને ગોવા કે ગુજરાતમાં લઇ જવાનું વિચારે છે. મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ એવો વિશ્ર્વાસ વ્યક્ત કર્યો છે. મેં એકનાથ શિંદેને મુંબઇ અને શિવસેનામાં પાછા આવવાનું કહ્યું હતું અને તે મારી વાત જરૂર માનશે. શિવસેના પાસે હાલમાં ૨૮ વિધાનસભ્યો હોવાનું કહેવાય છે.
રાજ્યના પ્રધાન એકનાથ શિંદે ગુજરાતમાં કેટલાક પક્ષના વિધાનસભ્યો સાથે કેમ્પ કરી રહ્યા છે ત્યારે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે અને શિવસેનાના ટોચના નેતાઓ અને વિધાનસભ્યો વચ્ચે મંગળવારે એક બેઠક થઇ હતી.
શિવસેનાની આગેવાની હેઠળની મહાવિકાસ આઘાડી (એમવીએ)ને સોમવારે આંચકો લાગ્યો હતો જ્યારે તે મહારાષ્ટ્ર વિધાન પરિષદની ચૂંટણીમાં લડેલી છ બેઠકોમાંથી હારી ગઇ હતી. શિંદે અને શિવસેનાના કેટલાક વિધાનસભ્યો અસ્પષ્ટ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર તેઓ ગુજરાતના સુરત શહેરની એક હોટેલમાં કેમ્પ કરી રહ્યા હતા.
મુખ્ય પ્રધાન અને શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ મંગળવારે એક બેઠક યોજી હતી, જેમાં પક્ષના વિધાનસભ્યો સુનીલ કદમ, દાદા ભુસે, નીલમ ગોરે, સાંસદ અરવિંદ સાવંત અને વિનાયક રાઉત, વિધાન પરિષદનાં નેતા મનીષા કાયંદે અને અન્ય નેતાઓ હાજર હતા. આગલે દિવસે સંજય રાઉતે કહ્યું હતું કે શિંદે મુંબઈમાં નથી, પણ તેમની સાથે વાતચીત થઇ ગઇ છે. રાઉતે ભારપૂર્વક કહ્યું હતું કે સેના વફાદારોની પાર્ટી છે અને મધ્ય પ્રદેશ અને રાજસ્થાનની જેમ ભાજપ દ્વારા એમવીએ સરકારને તોડવાના પ્રયાસો સફળ થશે નહીં.
રાઉતે એમ પણ કહ્યું હતું કે શિંદે વિશ્ર્વાસુ શિવસૈનિક હતા અને પાર્ટી ગુમ થયેલા નેતાઓ સુધી પહોંચ્યા બાદ તેમની સાથે પાછા ફરશે. (પીટીઆઈ)ઉ
——–
શિવસેનાના વિધાનસભ્યો અસ્પષ્ટ છે, તેમાં ભાજપની કોઇ ભૂમિકા નથી: ચંદ્રકાંત પાટીલ

મુંબઈ: ભાજપને સત્તાધારી શિવસેનાના રાજકીય વિકાસ સાથે કોઇ લેવાદેવા નથી, એવું મહારાષ્ટ્ર ભાજપના અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલે મંગળવારે કહ્યું હતું. પ્રધાન એકનાથ શિંદે કેટલાક વિધાનસભ્યો સાથે સંપર્કમાં આવ્યા છે, પણ પાટીલે એ અંગે જણાવ્યું હતું કે ભાજપને એકનાથ શિંદે તરફથી સરકાર બનાવવાનો કોઇ પ્રસ્તાવ મળશે તો તેઓ ચોક્કસપણે તેના પર વિચાર કરશે.
શિવસેનાના કેટલાક વિધાનસભ્યો સાથે શિંદે અદૃશ્ય થઇ ગયા હતા. આ અંગે પાર્ટીના એક નેતાએ જણાવ્યું હતું કે મહારાષ્ટ્રની વિધાન પરિષદની ચૂંટણીમાં સત્તાધારી મહાવિકાસ આઘાડીને એક હારથી મોટો આંચકો લાગ્યો હતો. એમવીએએ છ બેઠક પરથી ચૂંટણી લડી હતી. સૂત્રોના જણાવ્યા
અનુસાર શિંદે સેનાના કેટલાક વિધાનસભ્યો સાથે ગુજરાતના સુરત શહેરની એક હોટેલમાં કેમ્પ કરી રહ્યા હતા.
આ અંગે પાટીલનો સંપર્ક સાધવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું હતું કે આ બાબત શિવસેનાનો આંતરિક મામલો છે. અમને ખબર નથી કે શિંદે તેમના સાથીદારો સાથે સુરત શા માટે ગયા હતા. અમને તેમના વલણ સાથે કોઇ લેવાદેવા નથી. જો ભાજપને એકનાથ શિંદે સાથે સરકાર બનાવવાનો પ્રસ્તાવ મળશે તો અમે ચોક્કસપણે વિચાર કરીશું, એવું પાટીલે જણાવ્યું હતું. (પીટીઆઈ)
———
શિવસેનામાં એક અઠવાડિયાથી ગરબડ ચાલી રહી છે: ભુજબળ

મુંબઈ: મહારાષ્ટ્રના શિવસેનાના પ્રધાન એકનાથ શિંદે રાજ્યની વિધાન પરિષદની ચૂંટણી બાદ પક્ષના કેટલાક સભ્યો સાથે દેખીતી રીતે ગુજરાતમાં ચાલ્યા ગયા છે તેને જોતાં મહારાષ્ટ્ર કોંગ્રેસના એક પ્રધાને મંગળવારે દાવો કર્યો હતો કે છેલ્લા એક અઠવાડિયાથી શિવસેનામાં અશાંતિનું વાતાવરણ ફેલાયેલું જોવા મળી રહ્યું છે. દરમિયાન એનસીપીના નેતા છગન ભુજબળે કહ્યું હતું કે મને નથી લાગતું કે શિવસેના, એનસીપી અને કોંગ્રેસની બનેલી મહાવિકાસ આઘાડી (એમવીએ) સરકાર પર કોઇ ખતરો ઝળૂંબી રહ્યો છે.
શિવેસનામાં છેલ્લા એક અઠવાડિયાથી ગરબડ ચાલી રહી હોવાનો દાવો કરનાર કોંગ્રેસના નેતાએ નામ ન આપવાની શરતે કહ્યું હતું કે શહેરી વિકાસ વિભાગ સંભાળતા શિંદે નાયબ મુખ્ય પ્રધાન બનવા માગે છે. આને કારણે શિવસેનામાં એક અઠવાડિયાથી ઊથલપાથલ ચાલી રહી છે, એવું આ નેતાએ જણાવ્યું હતું. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે આ હેતુ માટે
શિવસેનાના નેતાઓ અને વિધાનસભ્યોની એક બેઠક બોલાવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે શિવસેના અને તેના એમવીએના સહયોગી પક્ષ એનસીપી અને કોંગ્રેસે સોમવારે વિધાન પરિષદની ચૂંટણીમાં બે-બે બેઠકો પરથી ઝંપલાવ્યું હતું. જોકે કોંગ્રેસના દલિત નેતા ચંદ્રકાંત હંડોરે ચૂંટણીમાં હારી ગયા હતા. બીજી બાજુ વિપક્ષ ભાજપે લડેલી પાંચેય બેઠક પરથી વિજય મેળવ્યો હતો. (પીટીઆઈ)
———
એમવીએ સરકાર કોઇ મુશ્કેલીમાં નથી: નાના પટોળે

નાગપુર: રાજ્યની મહાવિકાસ આઘાડી (એમવીએ) સરકારે કોઇ ગભરાવાની જરૂર નથી, એવું મહારાષ્ટ્ર કોંગ્રેસના વડા નાના પટોળેએ જણાવીને વધુમાં ઉમેર્યું હતું કે પક્ષના નેતા રાજ્યમાં હાલના રાજકીય વિકાસ અંગે ચર્ચા કરવા માટે પક્ષના નેતાઓએ મુંબઈમાં ચર્ચા કરી હતી. મહારાષ્ટ્ર વિધાન પરિષદની ચૂંટણીમાં પરાજયનો ઘૂંટડો પીધા બાદ નાના પટોળેએ ઉક્ત નિવેદન કર્યું હતું. મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપ આવ્યો હોવા અંગે નાગપુરમાં મંગળવારે પત્રકારો સાથે વાતચીત કરતાં પટોળેએ એવો દાવો કર્યો હતો કે આ તો ભાજપની એક રાજકીય રમત છે, જે તેઓ આખા દેશમાં કરી રહ્યા છે.
ભાજપ કેન્દ્રમાં હોવાને કારણે તેઓ પોતાની સત્તાનો ગેરઉપયોગ કરી રહ્યો છે અને હવે એ બધા જાણી ગયા છે, કશું જ છૂપું નથી રહ્યું. હાલમાં પૈસાનો પાવર ચાલી રહ્યો છે. તેઓએ જૂઠાણાના માર્ગનો આશરો લીધો છે, પણ હંમેશાં સત્યની જીત થતી હોય છે. આ તબક્કો પણ પસાર થઇ જશે, એવું પટોળેએ વધુમાં કહ્યું હતું. (પીટીઆઈ)ઉ
——–
સેનામાં બળવાખોરી વચ્ચે મહારાષ્ટ્ર કૉંગ્રેસે કહ્યું તમામ ૪૪ વિધાનસભ્ય અમારા સંપર્કમાં છે

વિધાનસભા પક્ષના નેતાના રાજીનામાનો અહેવાલ ખોટો છે: કૉંગ્રેસ

મુંબઈ: શિવસેનાના નેતા એકનાથ શિંદેએ બળવાખોરી કર્યા બાદ સત્તારૂઢ શિવસેનામાં કટોકટી સર્જાઈ, મહારાષ્ટ્રમાં મહાવિકાસ આઘાડીના ઘટક કોંગ્રેસે મંગળવારે કહ્યું હતું કે તેના તમામ ૪૪ વિધાનસભ્યો અને રાજ્યના મહેસૂલપ્રધાન બાળાસાહેબ થોરાત તેમના સંપર્કમાં છે. કોંગ્રેસ તરફથી આવું નિવેદન એવા અહેવાલોને પગલે આવ્યું હતું કે સોમવારની મહારાષ્ટ્ર વિધાન પરિષદની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર ચંદ્રકાંત હંડોરે હારી ગયા હતા અને બાદમાં અમુક વિધાનસભ્યો નોટ રિચેબલ થયા હતા. પાર્ટીના નિવેદનમાં એવા અહેવાલોને પણ રદિયો આપવામાં આવ્યો હતો કે થોરાતે વિધાન પક્ષના નેતા તરીકે રાજીનામું આપ્યું હોવાના અહેવાલને ખોટા ગણાવ્યા હતા. કોંગ્રેસના નિવેદનમાં એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે થોરાત રાજકીય ઘટના પર બારીકાઈથી નજર રાખી રહ્યા છે. (પીટીઆઈ)ઉ
——–
ધૂંધળું બની ગયેલું મહારાષ્ટ્રનું રાજકારણ વિધાન પરિષદની ચૂંટણી પછી સાફ બન્યું: દાનવે

એમવીએ સરકારથી લોકો કંટાળી ગયા છે

ઔરંગાબાદ: મહારાષ્ટ્રનું રાજકારણ જે ઘણા સમયથી ધૂંધળું બની ગયું હતું એ વિધાન પરિષદની ચૂંટણી બાદ હવે એકદમ સાફ થઇ ગયું છે. સત્તાધારી મહાવિકાસ આઘાડી (એમવીએ) સરકારથી લોકો હવે કંટાળી ગયા છે, એવું કેન્દ્રીય પ્રધાન રાવસાહેબ દાનવેએ કહ્યું હતું.
ભાજપના નેતાએ એવો પણ દાવો કર્યો હતો કે એમવીએના ઘટક પક્ષો શિવસેના, એનસીપી અને કોંગ્રેસ વચ્ચે કોઇ નિયંત્રણ નથી અને તેઓ લોકોની સમસ્યાઓ પ્રત્યે સંપૂર્ણ રીતે બેદરકાર છે.
મહારાષ્ટ્રની વિધાન પરિષદની ચૂંટણી બાદ એ વાત તો સ્પષ્ટ થઇ ગઇ છે કે એમવીએ ઘટકોના મતો વિભાજિત થઇ ગયા હતા અને અપક્ષોએ અમને (ભાજપને) ટેકો આપ્યો હતો. ભાજપનો પાંચમો ઉમેદવાર જીત્યો અને કોંગ્રેસના ઉમેદવારને અન્ય બે પક્ષો (એનસીપી અને શિવસેના) દ્વારા હરાવવામાં આવ્યો હતો, એવું દાનવેએ કહ્યું હતું. (પીટીઆઈ)

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.