૮૦થી વધુ રહેવાસીઓનો બચાવ, બે ફાયર મેન જખમી
(જયપ્રકાશ કેળકર)
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: કરી રોડમાં રેલવે સ્ટેશન નજીક આવેલી ૬૦ માળની બહુમાળીય ઈમારત વન અવિઘ્ના પાર્કના ૨૨માં માળે ગુરુવારે સવારના ભીષણ આગ ફાટી નીકળી હતી. સદ્નસીબે આગમાં કોઈ જાનહાનિ થઈ નહોતી, પરંતુ આગ બુઝાવવાની કામગીરી દરમિયાન બે ફાયરમેન જખમી થયા હતા. ફાયરબ્રિગેડે બિલ્ડિંગના ૮૦થી વધુ રહેવાસીઓને આગની દુર્ઘટના બાદ બચાવી લીધા હતા. એક જ વર્ષની અંદર આ બિલ્ડિંગમાં બીજી વખત આગની દુર્ઘટના ઘટતા બિલ્ડિંગના રહેવાસીઓએ તેના પરથી કોઈ પાઠ લીધો હોવાનું જણાતું નથી.
વન અવિધ્ના પાર્કની ‘બી’ વિંગના ૨૨ માળા પર આવેલા ફ્લેટમાં સવારના ૧૦.૩૦ વાગ્યાની આસપાસ આગ ફાટી નીકળી હતી. સવારના ૧૧ વાગ્યાની આસપાસ ફાયર બ્રિગેડે આગને એક નંબરની જાહેર કરી હતી. આગ બુઝાવવા માટે ફાયર બ્રિગેડના ૧૦થી વધુ ફાયર ઍન્જિન અને વોટર ટેન્કર ઘટના સ્થળે પહોંચી ગયા હતા. આગની માત્રા ભીષણ હોવાથી દૂર દૂર સુધી ધુમાડાના દેખાઈ રહ્યા હતા. સવારના આગ લાગી ત્યારે ઈમારતમાં અનેક લોકો ફસાઈ ગયા હતા, તેથી ભાગદોડ મચી ગઈ હતી. સદ્નસીબે ૨૨ માળ પર આવેલા જે ફ્લેટમાં આગ લાગી હતી, તે સમયે ઘરમાં કોઈ હાજર નહોતું.
ચીફ ફાયર ઓફિસર સંજય માંદ્રેકરે ‘મુંબઈ સમાચાર’ને જણાવ્યું હતું અવિઘ્ના પાર્કના ૨૨માં માળ પરના ફ્લેટમાં આગ લાગી હતી. ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચે તે પહેલાં જ રહેવાસીઓએ આગ બુઝાવવાના પ્રયાસ ચાલુ કરી દીધા હતા. બિલ્ડિંગની ફાયર સેફટી સિસ્ટમ પણ કામ કરતી હતી, તેથી આગ બુઝાવવામાં મદદ મળી રહી હતી. આ દરમિયાન આગ લાગવાને કારણે રહેવાસીઓ ઈમારતમાં ફસાઈ ગયા હતા. ફાયર બ્રિગેડે ઈમારતના ૧૯થી ૨૩ માળા પર રહેતા લગભગ ૮૦થી વધુ રહેવાસીઓને તુરંત દાદરથી હેમખેમ બહાર કાઢયા હતા.
સંજય માંદ્રેકરે વધુમાં જણાવ્યું હતું કે આગ બુઝાવવાની કામગીરી દરમિયાન બે ફાયરમેન મામૂલી માત્રામાં જખમી થયા હતા, જેમાં ૩૭ વર્ષના રામદાસ શિવરામ સાનસ અને ૨૬ વર્ષના મહેશ રવિન્દ્ર પાટીલનો સમાવેશ થાય છે. બંનેને સારવાર માટે નજીક આવેલી કે.ઈ.એમ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પ્રાથમિક સારવાર બાદ બંનેને હૉસ્પિટલથી રજા આપવામાં આવી હતી.
આગ લાગવાના કારણ બાબતે તેમણે કહ્યું હતું કે આગ જે ફ્લેટમાં લાગી હતી, તેનો દરવાજો તોડીને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. પરંતુ ત્યાર સુધીમાં તો ફોર બીએચકે ઘરના તમામ રૂમમાં આગ ફેલાઈ ગઈ હતી. તપાસ બાદ આગનું ચોક્કસ કારણ જાણી શકાશે. પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટને કારણે લાગી હોવાનું જણાયું છે. જોકે મળેલ માહિતી મુજબ ૨૨ માળા પર જે ફ્લેટમાં આગ લાગી હતી તે ઘરમાં રહેતા મહિલા ભૂલમાં ઘરમાં ગૅસ ચાલુ જ રાખીને બિલ્ડિંગમાં નીચે આવેલા મંદિરમાં જતા રહ્યા હતા. તેઓને ઘરે પાછા ફરવામાં વિલંબ થયો હતો, એ દરમિયાન ગૅસ ચાલુ રહ્યો હોવાને કારણે આગ ફાટી નીકળી હતી.
આસિસ્ટન્ટ ડિવિઝનલ ફાયર ઓફિસર વી.એન. સાંગલેના જણાવ્યા મુજબ ૨૨ માળા પર આવેલા ફલેટમાં લાગેલી આગ ફેલાઈને ૨૩ માળના ઉપર રેલિંગ સુધી પહોંચીને ફેલાવાનું ચાલુ થઈ ગયું હતું. તેથી રહેવાસીઓને દાદરાથી ઉપર ૨૫મા માળા પર આવેલા રેફ્યુજ માળા પર લઈ જવામાં આવ્યા હતા અને ત્યાંથી તેમને ‘એ’ વિંગમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યાંથી તેમને લિફ્ટથી બિલ્િંડગની નીચે લાવવામાં આવ્યા હતા. ‘એ’ અને ‘બી’ બંને વિંગ એકબીજા સાથે જોડાયેલી છે.
લગભગ સાડા ત્રણ કલાકની અંદર એટલે કે ૧.૫૦ વાગ્યા દરમિયાન આગ પર નિયંત્રણ મેળવવામાં સફળતા મળી હતી. જોકે કુલિંગ ઑપરેશન મોડે સુધી ચાલુ હતું. આગમાં પૂરો ફ્લેટ બળીને ખાખ થઈ ગયો હતો.
કરી રોડમાં મહાદેવ પાવલ માર્ગ જેવા વ્યસ્ત માર્ગ પર આવેલા ૬૦ માળાના આ લક્ઝરી ટાવરમાં દરેક માળા પર ત્રણ ફ્લેટ આવેલા છે. મોટાભાગના ફ્લેટ ત્રણ, ચાર અને પાંચ બીએચકે છે. લગભગ સાતેક વર્ષથી અહીં લોકો રહે છે. વન અવિધ્ન પાર્કની આજુબાજુ અનેક નાની-મોટી ઈમારત આવેલી છે. અનેક બેઠી ચાલીઓ પણ આવેલી છે. આગ લાગ્યા બાદ અહીં મહાદેવ પાલવ માર્ગ પર ટ્રાફિકની સમસ્યા પણ સર્જાઈ હતી.
નોંધનીય છે કે ગયા વર્ષે ૨૨ ઑક્ટોબરના વન અવિધ્ના પાર્કની ‘બી’ વિંગના ૧૯ માળા પર આવેલા ફ્લેટ નંબર ૧૯૦૨માં શોર્ટ સર્કિટને કારણે આગ ફાટી નીકળી હતી. એ દરમિયાન ૧૯ માળે આગ જોવા ગયેલા ૩૦ વર્ષના સિક્યોરિટી ગાર્ડ પોતાના બચાવ માટે કુદકો મારતા તેનું મોત થયું હતું.