કાળજું કંપાવનારી ફિલ્મો

72

એરાઉન્ડ ધ વર્લ્ડ-હેન્રી શાસ્ત્રી

આલિસા કોવાલિયાન્કા: કેમેરા પકડતા હાથે બંદૂક પકડી

કાળજું કંપાવનારી ફિલ્મો તાજેતરના આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલમાં રશિયન આક્રમણને એક વર્ષથી જીરવી રહેલા યુક્રેનનાં ચિત્રપટોની વિશ્ર્વસ્તરે નોંધ લેવાઈ અને ફિલ્મના સ્ટુડિયોમાંથી દેશની સુરક્ષા માટે સરહદે પહોંચેલી આલિસા કોવાલિયાન્કાએ બંદૂક અને કેમેરાથી પણ શૂટિંગ કર્યું
—————-
‘સરહદ પર રેડ કાર્પેટ નથી હોતી, રક્તરંજિત ભૂમિ હોય છે. એક શોટ બરોબર ન લાગે તો બીજો શોટ લેવાની તક ફિલ્મના સેટ પર મળે, યુદ્ધભૂમિ પર તો દેશની સુરક્ષા માટે એક તક જ મળતી હોય છે’, આ શબ્દો છે જર્મની ખાતેના યુક્રેન રાજદૂત ઓલેક્સી મકેવના. તાજેતરમાં જર્મનીના બર્લિન શહેરમાં આયોજિત આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલ નિમિત્તે રાજદૂતાવાસમાં આયોજિત યુક્રેન સિનેમા સંબંધિત એક કાર્યક્રમના આયોજન વખતે મુલાકાતીઓને કરેલા તેમના સંબોધનમાં દેશની માનસિક અવસ્થાનું પ્રતિબિંબ દેખાય છે. ફેસ્ટિવલમાં યુક્રેનનાં ચિત્રપટોમાં એક તરફ યુદ્ધભૂમિની વરવી વાસ્તવિકતા નજરે પડી તો બીજી તરફ ખૂબ નુકસાન થવાથી નકામી થઈ ગયેલી રણગાડી (ટેન્ક) પર રમતા-દોડાદોડ કરતા બાળકોનું લાગણીતંત્રમાં ખળભળાટ મચાવનારું ચિત્રણ હતું. રશિયન આક્રમણની ભયાનકતા દુનિયા જુએ એ માટે ફિલ્મમેકરોએ જાણે બંદૂકના રશિયન આક્રમણનો જવાબ કેમેરાની મદદથી આપ્યો હોય એવી લાગણી ફેસ્ટિવલમાં હાજર રહેલા દર્શકોએ જરૂર અનુભવી હશે. ઘાતકી રશિયન આક્રમણને એક વર્ષ પૂરું થવાનું હતું એ દરમિયાન આયોજિત આ ફેસ્ટિવલમાં રશિયાની ભયાનકતા વિશે યુક્રેનના ફિલ્મમેકરોએ કરેલી રજૂઆતને બર્લિન ફિલ્મ ફેસ્ટિવલમાં મજબૂત ટેકો મળ્યો હતો. ફિલ્મ એ સમાજનું પ્રતિબિંબ કહેવાય છે એનું આ વિલક્ષણ ઉદાહરણ જ કહેવાય ને! ૧૬-૨૬ ફેબ્રુઆરી દરમિયાન આયોજિત આ ફેસ્ટિવલ દરમિયાન રશિયન આક્રમણની પહેલી વરસી (૨૪ ફેબ્રુઆરી) હતી અને બે વાર ઓસ્કર ઍવોર્ડ મેળવનાર એક્ટર શોન પેનની ‘સુપરપાવર’ નામની ડોક્યુમેન્ટરીથી એનો પ્રારંભ થયો હતો. યુદ્ધથી છિન્નભિન્ન થયેલા યુક્રેનનો ચિતાર આપવામાં આવ્યો છે અને ડોક્યુમેન્ટરીની ખૂબ પ્રશંસા થઈ હતી. બર્લિન અને એ પહેલા સન ડાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં રજૂ થયેલી ફિલ્મો જોવાથી યુક્રેનની બેહાલી તો દેખાય છે, પણ એક વર્ષ સુધી યુક્રેન લડત આપી કઈ રીતે અડીખમ રહ્યું છે એ પણ સમજાય છે. પ્રસ્તુત છે કેટલીક ફિલ્મોની ઝલક.
We Will Not Fade Away: આ ફિલ્મ છે તો ડોક્યુમેન્ટરી પણ એની રજૂઆત કાળજું કંપાવનારી છે. ૩૫ વર્ષની આલિસા કોવાલિયાન્કા નામની મહિલાએ બનાવી છે. સિનેમા મેકિંગમાં ગ્રેજ્યુએશન કરનાર આલિસાએ ૨૦૧૫માં પહેલી ડોક્યુમેન્ટરી બનાવી હતી “Alisa in Warland’ જેને સારો આવકાર મળ્યો હતો. ત્યાર બાદ સતત નવી નવી કલ્પનાઓ દ્વારા ફિલ્મમેકિંગમાં આગળ વધવા માગતી આલિસા યુદ્ધ શરૂ થયું ત્યારે હાથમાં કેમેરા લેવાનો ઉત્સાહ ગુમાવી બેઠી. કેમેરા મૂકી બંદૂક ઉપાડી લડી લેવાના મક્કમ નિર્ધાર સાથે એ યુદ્ધભૂમિ પર પહોંચી ગઈ. જે
હાથ કેમેરા પકડી ફિલ્મનું શૂટિંગ કરતા હતા એ હાથ માતૃભૂમિના રક્ષણ માટે બંદૂક પકડી શૂટિંગ કરવા લાગ્યા. We Will Not Fade Away પહેલા કઈ રીતે બનવાની હતી અને બની કઈ રીતે એ બદલાવની કહાની પણ સ્પર્શી જાય આવી છે. ફિલ્મની મૂળ કથા અનુસાર યુક્રેનના ડોનબાસ પ્રાંતમાં રહેતા અને અલગ અલગ સપના ધરાવતા પાંચ કિશોરની હિમાલય ખૂંદવાની ઈચ્છાનું ફિલ્માંકન ૨૦૧૯માં શરૂ થઈ ગયું હતું. જોકે, રશિયાના આક્રમણ પછી આ પ્રોજેક્ટ અટકાવી આલિસા ખભે કેમેરા અને હાથમાં બંદૂક લઈ યુદ્ધભૂમિ પર પહોંચી ગઈ. ચાર મહિના સુધી બંદૂક ચલાવી અને શાંતિ હોય ત્યારે કેમેરા ચલાવ્યો. ઘરે પાછા ફર્યા બાદ શૂટ કરેલું ફૂટેજ જોઈ આલિસા રીતસરની ભાંગી પડી.
We Will Not Fade Awa ના ફિલ્માંકનમાં હિમાલય તો જાણે પીગળી ગયો અને યુક્રેનની બેહાલી તેમજ યુદ્ધના ભય હેઠળ જીવતા પાંચ કિશોરની કહાણી ફિલ્મનું કેન્દ્રબિંદુ બની ગઈ. આલિશા જણાવે છે ‘મનુષ્ય જીવન આશા-અરમાન-સપનામાં કેવું વીંટળાયેલું હોય છે એ કથાનો મુખ્ય સાર છે. રશિયા અમારાં શહેરો પર બોમ્બ વર્ષા કરતું રહેશે, અમારે વીજળી વિના અંધારામાં રહેવું પડશે, ભયથી બારી ન ખોલી શકવાને કારણે અનેક વાર સૂર્યકિરણ પણ અમારા નસીબમાં નહીં હોય, પણ… પણ જો આશાનું કોડિયું ટમટમતું રહેશે અને હૈયે આશા જડબેસલાક બંધાયેલી રહેશે તો આંતરિક અજવાળાનું – આત્મબળનું અસ્તિત્વ રહેશે. કોઈ રશિયન કે યુદ્ધ એ આંતરિક અજવાળું અમારી પાસેથી છીનવી નહીં શકે.’
Eastern Front:આ પણ એક ડોક્યુમેન્ટરી છે જેમાં યુદ્ધભૂમિની વરવી વાસ્તવિકતાનું ચિત્રણ વ્યથિત કરે છે. માતૃભૂમિની રક્ષા માટે લડતા લડતા ઘાયલ થયેલા સૈનિકોને હેમખેમ સલામત સ્થળે પહોંચાડી તેમની સારવાર કરવી કે કે શહીદ થયેલા સૈનિકોના મૃતદેહની વ્યવસ્થા કરવાની આકરી કોશિશો ગમે એવા કઠણ કાળજાને પીગળાવી દે એવી છે. આ ડોક્યુમેન્ટરીના નિર્માણ સાથે સંકળાયેલા યાગ્યની ટીરેન્કાએ સરહદ પર સ્વયંસેવક તરીકે કામ પણ કર્યું હતું. તેનું કહેવું છે કે ‘મેં ઘણી હૃદયદ્રાવક ઘટના નરી આંખે જોઈ છે. દેશની જનતા યુદ્ધને કઈ રીતે નિહાળે છે એ દર્શાવવા મેં ડઝનથી વધુ ફિલ્મ બનાવી છે. યુક્રેનના નાગરિકોને લડાઈ નથી કરવી, યુદ્ધ સામે તેમનો વિરોધ છે. બીજા દેશોની જેમ અમારે પણ સાંસ્કૃતિક કાર્યક્રમો કરવા છે, અન્ય પ્રવૃત્તિઓ કરવી છે, પણ યુદ્ધનો જવાબ આપવા સિવાય અમારી પાસે કોઈ વિકલ્પ નથી.’
Do You Love Me?: આ ફીચર ફિલ્મને રશિયા-યુક્રેન યુદ્ધ સાથે સંબંધ નથી, પણ સોવિયેત સંઘનું વિભાજન થયું એના એક વર્ષ પહેલા-૧૯૯૦માં ૧૬ વર્ષની કિશોરીના બદલાઈ રહેલા જીવન ફરતે કથા આકાર લે છે. એ સમયનું સુંદર નિરૂપણ અને પ્રભાવી પાત્રાલેખનને કારણે બર્લિનમાં આ ફિલ્મની પ્રશંસા થઈ હતી. યુક્રેનની ફિલ્મો માટે રુચિ વધી રહી છે એવા વાતાવરણમાં આ ફિલ્મને અન્ય ફેસ્ટિવલમાં ચમકવા પણ આમંત્રણ મળશે એવું લાગે છે.
In Ukraine: યુદ્ધના ભય હેઠળ સતત જીવતા યુક્રેનનાં નગરો અને શહેરોના રહેવાસીઓના દૈનિક જીવન પર આ ફિલ્મમાં પ્રકાશ ફેંકવામાં આવ્યો છે. સરહદે તો મોટી ઉંમરના ‘સમજદાર’ લોકો લડાઈ કરતા હોય. દુનિયાદારી નહીં જાણતા અણસમજુ બાળકને એની સાથે શું લેવાદેવા? ફિલ્મમાં શહેરી વિસ્તારમાં એક તરફ આસપાસ બોમ્બવર્ષામાં તૂટી પડેલા ઉધ્વસ્ત થયેલી ઇમારતો નજરે પડે છે અને આ વાતાવરણમાં બાળકો બળી ગયેલી રણગાડી પર રમતા નજરે પડે છે. રમવું શું ચીજ છે એની જ ખબર હોય ને લડવું શું ચીજ છે એની ગતાગમ ન હોય એ બાળમાનસ આમ જ વર્તે. યુદ્ધસ્ય કથા રમ્યા: એવું કાયમ નથી હોતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!