શ્રાવણીયો સોમવાર શૅરબજારને ફળ્યો: સતત ચોથા દિવસની આગેકૂચમાં સેન્સેક્સે ૫૮,૦૦૦ની સપાટી પુન: પ્રાપ્ત કરી

શેરબજાર

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: વિશ્ર્વબજારના તેજીના અંડરકરંટ સાથેના છતાં વિરોધાભાસી ચિત્ર વચ્ચે એફઆઇઆઇની લેવાલીને કારણે સુધરેલા સેન્ટિમેન્ટના બળે સ્થાનિક શેરબજારે ઓગસ્ટના પ્રથમ દિવસે તેજીની ચાલ આગળ વધારી હતી અને સેન્સેક્સે ૫૮,૦૦૦ની જ્યારે નિફ્ટીએ ૧૭,૩૦૦ની સપાટી વટાવી નાંખી હતી. એફઆઇઆઇની ફરી શરૂ થયેલી લેવાલી, રૂપિયાની મજબૂતી અને જીએસટી કલેકશનના વધારાની પણ બજારના માનસ પર પોઝિટીવ અસર જોવા મળી હતી. સત્ર દરમિયાન ૬૦૦.૪૨ પોઇન્ટ અથવા તો એકાદ ટકાનો ઉછાળો નોંધાવીને ૫૮,૧૭૦.૬૭ પોઇન્ટની સપાટીને અથડાયા બાદ સેન્સેક્સ અંતે ૫૪૫.૨૫ પોઇન્ટ અથવા તો ૦.૯૫ ટકાના સુધારા સાથે ૫૮,૧૧૫.૫૦ પોઇન્ટની સપાટીએ સ્થિર થયો હતો. જ્યારે એનએસઇનો બેન્ચમાર્ક નિફ્ટી ઇન્ડેકસ ૧૮૧.૮૦ પોઇન્ટ અથવા તો ૧.૦૬ ટકાના સુધારા સાથે ૧૭,૩૪૦.૦૫ પોઇન્ટની સપાટીએ પહોંચ્યો હતો.
સેન્સેક્સના શેરોમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, એનટીપીસી, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, મારુતિ સુઝુકી ઇન્ડિયા, ભારતી એરટેલ, કોટક મહિન્દ્રા બેન્ક, પાવર ગ્રીડ અને અલ્ટ્રાટેક સિમેન્ટનો સમાવેશ હતો. જોકે, સન ફાર્મા, હિન્દુસ્તાન યુનિલીવર, ઇન્ડસઇન્ડ બેન્ક અને નેસ્લે ટોપ લુઝર રહ્યાં હતાં. ખાસ કરીને ઓટો, પીએસયુ બેન્ક, પાવર અને મેટલ શેરોમાં તેજી જોવા મળી હતી, જ્યારે એફએમસીજી શેરોમાં વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું. વોલ સ્ટ્રીટે ભારતની જેમ નવેમ્બર, ૨૦૨૦ પછીનો સૌથી શ્રેષ્ઠ મહિનો પૂરો કર્યો હોવાથી તેની અસર એશિયાઇ બજારો પર જોવા મળી હતી.
અનેક સ્ટોક ફંડ ધરાવતો વોલસ્ટ્રીટનો બેન્ચમાર્ક એસએન્ડપી ૫૦૦ ૧.૪ ટકા ઉછળ્યો હતો અને તેની પાછળ એશિયાઇ બજારોમાં ટોકિયો, શાંઘાઇ, સિઓલ, હોંગકોંગ અને સિડની શેરબજારમાં સુધારો જોવા મળ્યો હતો, જ્યારે યુએસ ફ્યુચર્સમાં ઘટાડો હતો અને ક્રૂડ ઓઇલના ભાવમાં બેરલદીઠ એક ડોલરનો ઘટાડો નોંધાયો હતો. આમ છતાં અમેરિકાના બજારોની શુક્રવારની તેજીને કારણે યુરોપના શેરબજારોમાં મધ્ય સત્ર સુધી તેજી રહી હોવાના અહેવાલ હતા. એક્સચેન્જની માહિતી અનુસાર પાછલા સત્રમાં એફઆઆઇએ ભારતીય શેરબજારમાં રૂ. ૧૦૪૬.૩૨ કરોડની લેવાલી નોંધાવી હતી. જુલાઇમાં એફઆઆઇએ ભારતીય બજારમાં રૂ. ૫૦૦૦ કરોડનું રોકાણ કર્યું છે. એફઆઇઆઇની લેવાલી ઉપરાંત સેન્ટિમેન્ટમાં સુધારા માટે અન્ય કારણો પણ એકત્ર થયા હતા. આર્થિક સુધારાને કારણે જુલાઇ મહિનાનું જીએસટી કલેકશન ૨૮ ટકાના વધારા સાથે રૂ. ૧.૪૯ લાખ કરોડની બીજી સૌથી ઊંચી સપાટીએ પહોંચ્યું હતું. ફોરેક્સ માર્કેટમાં રૂપિયો ૨૨ પૈસા મજબૂત થઇને ૭૯.૦૨ની સપાટીએ પહોંચ્યો હતો. ક્રૂડ ઓઇલનો ભાવ ૧.૩૫ ટકાના કડાકા સાથે બેરલદીઠ ૧૦૨.૬ ડોલર બોલાયો હતો. નિષ્ણાતો માને છે કે, આ સપ્તાહ ઘટનાથી ભરપૂર રહેવાનું હોવાથી મંજબૂત અંડરટોન છતાં બજારમાં અફડાતફડી ચાલુ રહેવાની ધારણા છે. અમેરિકાની ફેડરલ રિઝર્વે તો અપેક્ષિત ધોરણે વ્યાજદરમાં ૭૫ બેસિસ પોઇન્ટનો વધારો જાહેર કરી દીધો છે, અને અમેરિકન અર્થતંત્રની દશા નબળી હોવાથી તે આગળ વધુ આક્રમક પગલા નહીં લેશે એવી અટકળો વચ્ચે વૈશ્ર્વિક ઇકિવટી બજારોના સેન્ટિમેન્ટમાં સુધારો આવ્યો છે. સ્થાનિક સ્તરે હવે રિઝર્વ બેન્ક કેવો નિર્ણય લે છે તેના પર અર્થશાસ્ત્રીઓની નજર છે. અર્થશાસ્ત્રીઓ માને છે કે આરબીઆઇ વધુ આક્રમક રીતે વ્યાજ દરમાં વધારો નહીં કરે. અગાઉ વ્યાજ દરની વૃદ્ધિ માટે ૫૦ બેસિસ પોઇન્ટની ધારણા મૂકાતી હતી પરંતુ હવે રિઝર્વ બેન્કની એમપીસી માત્ર ૨૫ બેસિસ પોઇન્ટનો વધારો કરે એવી સંભાવના અર્થશાસ્ત્રી વ્યકત કરે છે. આ સપ્તાહે ઓટોમોબાાઇલ કંપનીઓના સેલ્સ ડેટા, આરબીઆઈ મોનેટરી પોલિસી અને યુએસ જોબલેસ ડેટાની જાહેરાત સહિતની કેટલીક ઘટનાઓ સાથે અસ્થિરતાને નકારી શકાય નહીં. યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા ૭૫ બેસિસ પોઈન્ટનો અપેક્ષિત વધારો અને ઘટતી આર્થિક વૃદ્ધિને પગલે વધુ વધારો નહી થાય એવી આશા, એફઆઇઆઇના વેચાણની ઘટેલી તીવ્રતા, રૂપિયામાં સુધારો અને પસંદગીની કંપનીઓની મજબૂત ત્રિમાસિક કમાણીએ પણ તેજીને ટેકો આપ્યો છે. પાછલા સપ્તાહે સેન્સેક્સ લગભગ ૧,૫૦૦ પોઈન્ટ વધીને ૫૭,૫૭૦ પર પહોંચ્યો હતો અને નિફ્ટીએ ૪૩૯ પોઈન્ટના વધારા સાથે ૧૭,૧૫૮ પર પહોંચીને ૧૭,૦૦૦નું સ્તર પાછું મેળવ્યું હતું. જ્યારે બ્રોડર સ્પેસમાં નિફ્ટી મિડકેપ ૧૦૦ અને સ્મોલકેપ ૧૦૦માં બેથી અઢી ટકાનો ઉછાળો આવ્યો છે.
જુલાઈ મહિનો માત્ર ભારતીય બજારો માટે જ નહિ પણ વૈશ્ર્વિક શેરબજારો માટે પણ પોઝીટીવ બની રહ્યો. ફેડરલ રીઝર્વ તરફથી સતત બીજી વાર ૦.૭૫ ટકાનો વ્યાજદરમાં વધારો કરવામાં આવ્યો પણ આ વધારો પહેલેથી ડિસ્કાઉન્ટ થઇ ગયો હતો અને ફુગાવો નીચે આવવવાની અપેક્ષાએ તેમજ ફેડરલ રીઝર્વના ચેરમેનના સ્ટેટમેન્ટ બાદ વૈશ્ર્વિક બજારોમાં મજબૂતાઈ આગળ વધી હતી. પાછલા સપ્તાહના છેલ્લા ત્રણ દિવસ દરમ્યાન નિફ્ટીમાં ૬૭૫ પોઈન્ટ્સની તેજી જોવાઈ છે અને ત્રણેય દિવસ નિફ્ટી ગેપ સાથે ખુલીને ઉપર બંધ રહેવામાં તે સફળ રહ્યો હતો. જુલાઈ મહિનાની મજબુત તેજી બાદ મોટા ભાગના લોકો રહી ગયાની ફીલિંગ સાથે માર્કેટની બહાર બેઠા છે ત્યારે ઓગસ્ટ મહિનામાં સ્ટોક સ્પેસિફિક મુવમેન્ટ જોવાઈ શકે છે. પરિણામોની સીઝન ચાલુ છે અને હવે ૧૫ દિવસોમાં મોટા ભાગની મિડકેપ અને સ્મોલકેપ કંપનીઓના પરિણામો જાહેર થશે અને જે રીતે પરિણામોની સીઝન અત્યાર સુધી રહી છે એ ખુબજ મજબુત રહી છે અને એવી જ સીઝન આગળ રહેવાની અપેક્ષા છે ત્યારે હવે પરિણામો આધારિત મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં તેજી જોવાઈ શકે છે. નિફ્ટીમાં હવે ૧૭૦૦૦ અને ૧૭૩૨૫ મહત્વના લેવલ્સ રહેશે અને કલોઝિંગ બેઝીઝ ઉપર જે તરફનો મુવ આવશે એ તરફ બીજા ૨૦૦ થી ૨૫૦ પોઈન્ટ્સની ચાલ જોવાશે

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.