પાલઘર: અભિનેત્રી તુનીષા શર્માને આત્મહત્યા માટે પ્રવૃત્ત કરવાના આરોપસર ધરપકડ કરાયેલા સહ-કલાકાર શીજાન ખાનની જામીન અરજીની સુનાવણી વસઈ સેશન્સ કોર્ટે શુક્રવાર પર મોકૂફ રાખી હતી.
વસઈ નજીકના કામણ ખાતે આવેલા સ્ટુડિયોમાં સિરિયલના સેટ પરથી ૨૪ ડિસેમ્બર, ૨૦૨૨ના રોજ અલિબાબા: દાસ્તાન-એ-કાબુલમાં ભૂમિકા ભજવતી અભિનેત્રી તુનીષા શર્માનો મૃતદેહ મળી આવ્યો હતો. સેટ પરના મેકઅપ રૂમમાં ગળાફાંસો ખાઈ તેણે કથિત આત્મહત્યા કરી હતી. આ કેસમાં પોલીસે બીજે દિવસે ખાનની ધરપકડ કરી હતી.
ખાને વસઈ સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરી હતી. તુનીષ શર્માની માતા વનિતા શર્મા વતી એડ્વોકેટ તરુણ શર્માએ ખાનની જામીન અરજીનો વિરોધ કર્યો હતો.
તરુણ શર્માએ જણાવ્યું હતું કે અમે કોર્ટનું એ વાત પર ધ્યાન દોર્યું હતું કે ઘટનાની બપોરે ત્રણ વાગ્યે તુનીષાએ તેની માતાને છેલ્લો ફોન કર્યો હતો અને ચંડીગઢ માટે ટિકિટ બુક કરાવવાનું કહ્યું હતું.
તુનીષાના તેની માતા સાથેના સંબંધો બગડ્યા હોવાના ખાનના પરિવારજનોના આક્ષેપોને તરુણ શર્માએ રદિયો આપ્યો હતો. (પીટીઆઈ)
શીજાન ખાનની જામીન અરજીની સુનાવણી શુક્રવારે
RELATED ARTICLES