તમે બ્રશ કરો ત્યારે પેઢાંમાંથી લોહી નીકળે છે કે તેમાં દુઃખાવો થાય છે એટલે બરાબર બ્રશ થતું નથી. કે પછી સેન્સિટીવિટીને લીધે તેમે આઈસક્રીમ ખાતા પહેલા બે વાર વિચાર કરો છો. આ સમસ્યાઓનું મૂળ તમારા દાંત નહીં, પરંતુ પેઢામાં છે. જો તમારા પેઢાં આછા ગુલાબી રંગના નથી, તેમાંથી લોહી નીકળે છે, તે ઢીલા પડી ગયા છે તો તે તમારા ખોરાકને બરાબર ચાવી-પચાવી નહીં શકે અને સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થશે. આપણે જે પણ ખાઈએ છીએ તે આપણા સ્વાસ્થ્યને અસર કરે છે ત્યારે જે ખાવાનું કામ કરે છે તે મોઢું અને તેના તમામ અવયવો સ્વસ્થ રહે તે જરૂરી છે. તો આવો જાણીએ પેઢાંને સ્વસ્થ રાખવા શું કરીશું.
સૌથી પહેલા તો તમારા પેઢાનું ફ્લોસિંગ કરવુ ખૂબ જ જરૂરી છે એટલે કે પેઢાને સાફ રાખવા જરૂરી છે. આમ કરવાથી દાંતની વચ્ચે ભરાઈ ગયેલો ખોરાક ઢીલો પડે છે. આ સાથે ખાધા બાદ દાંત પર વળતી છારીને પણ દૂર કરે છે, જે પેઢાંના રોગ નોતરે છે. જો તે દાંત-પેઢાં પર રહી જાય તો બેક્ટેરિયા પેદા કરે છે.
કહેવાની જરૂર નથી હજાર વાર કહેવાયું છે, પરંતુ કરવાની ખાસ જરૂર છે. ધૂમ્રપાન-તમાકું-પાનમાસાલા છોડી દો. પેઢાંના રોગ માટે મુખ્ય કારણોમાંના એક આ બધા છે. આનાથી લોહીનું સરક્યુલેશન પણ ઓછું થાય છે અને પેઢાંમાં કંઈક લાગ્યું હોય તો સાજુ થતા પણ સમય લાગે છે.
ખાણીપીણી શરીરના દરેક અવયવને અસર કરે છે તો પેઢાં કેમ બાકાત રહે. શાકભાજી અને પ્રોટીન ઓરલ હેલ્થ માટે ઘણા ફાયદાકારક છે. આ સાથે વીટામિન અને મિનરલ પણ દાંત-પેઢાને સ્વસ્થ રાખે છે. ખાંડ જેલી ઓછી ખાશો પેઢાં એટલા વધારે મજબૂત રહેશે.
તમને દાંત કે પેઢાં ન દુખતા હોય તો પણ નિયમિત ચેક અપ કરાવવું જરૂરી છે. પ્રોફેસનલ ચેકઅલ તમારા દાંત પરના બગાડને દૂર કરે છે. આ સાથે દિવસમાં બે વાર બ્રશ કરવું. આ સાથે બ્રશને અમુક મહિને બદલવા જેવા પાયાના નિયમો તો ખરા જ.
પેઢાં દુખવાથી આખું મોઢું દુઃખે છે અને ખાવા-પીવામાં ઘણી તકલીફ પડે છે. આનાંથી શરીર અને મનના સ્વાસ્થ્ય પણ અસર પડે છે. આથી પેઢાંનુ ધ્યાન રાખવાનું ભૂલશો નહીં.