હેલ્થવેલ્થ – રાજેશ યાજ્ઞિક
આધુનિક સમયમાં ડિપ્રેશન એક વ્યાપક રોગ બની ગયો છે. આપણે બધાએ આપણા જીવનમાં કોઈને કોઈ સમયે ઉદાસી અને હતાશા અનુભવી હશે. નિષ્ફળતા, સંઘર્ષ અને કોઈથી છૂટા પડવાને કારણે દુ:ખી થવું એ ખૂબ જ સામાન્ય છે, પરંતુ જો દુ:ખ, ઉદાસી, લાચારી, નિરાશા જેવી લાગણીઓ થોડા દિવસોથી થોડા મહિનાઓ સુધી ચાલુ રહે અને વ્યક્તિ તેની દિનચર્યા સામાન્ય રીતે ચાલુ ન રાખી શકે, તો તે ડિપ્રેશન નામની માનસિક બીમારીની નિશાની હોઈ શકે છે. ડબ્લ્યુએચઓ (ઠઇંઘ) અનુસાર, વિશ્ર્વભરમાં ૩૦૦ મિલિયનથી વધુ લોકો આ સમસ્યાથી પીડાય છે, ભારતમાં આ આંકડો ૫૦ મિલિયનથી વધુ છે, જે ખૂબ જ ગંભીર સમસ્યા છે. ડિપ્રેશન સામાન્ય રીતે કિશોરાવસ્થામાં અથવા ૩૦ થી ૪૦ વર્ષની વય વચ્ચે શરૂ થાય છે, પરંતુ તે કોઈપણ ઉંમરે થઈ શકે છે. પુરુષો કરતાં સ્ત્રીઓ ડિપ્રેશનનો વધુ શિકાર બને છે. માનસિક પરિબળો ઉપરાંત, હોર્મોનલ અસંતુલન, ગર્ભાવસ્થા અને આનુવંશિક વિકૃતિઓ પણ હતાશાનું કારણ બની શકે છે. લક્ષણોની સંખ્યા અને તીવ્રતાના આધારે ડિપ્રેશનના વિવિધ પ્રકારો છે, જે મધ્યમથી અત્યંત ગંભીર હોઈ શકે છે, જેની સફળ સારવાર માટે સઘન પરીક્ષણની જરૂર છે. જુદાં જુદાં લોકોમાં ડિપ્રેશનના જુદાં જુદાં લક્ષણો હોય છે જેમ કે-
ક દિવસભર અને ખાસ કરીને સવારે ઉદાસી.
ક લગભગ દરરોજ થાક અને નબળાઈનો અનુભવ.
ક પોતાને અયોગ્ય અથવા દોષિત માનવું.
ક ધ્યાન કેન્દ્રિત કરવામાં અને નિર્ણય લેવામાં મુશ્કેલી.
ક લગભગ દરરોજ ખૂબ વધુ અથવા ખૂબ ઓછું સૂવું.
ક બધી પ્રવૃત્તિઓમાં કંટાળો આવવો.
ક મૃત્યુ અથવા આત્મહત્યાના વારંવાર વિચારો.
ક બેચેની કે સુસ્તી અનુભવવી.
ક અચાનક વજન વધવું કે ઘટવું.
જો કોઈ વ્યક્તિને ૨ અઠવાડિયા કે તેથી વધુ સમય સુધી આમાંથી ૫ કે તેથી વધુ લક્ષણો હોય તો ડીએસએમ-૫ (ટેસ્ટિંગ ટેકનિક) મુજબ તેને ડિપ્રેશન હોઈ શકે છે. ડિપ્રેશન એક માનસિક સમસ્યા છે, પરંતુ તે દર્દીને શારીરિક રીતે પણ અસર કરે છે, જેમ કે થાક, દુબળા થવું કે સ્થૂળતા, હૃદય રોગ, માથાનો દુખાવો, અપચો વગેરે. આ કારણોસર, ઘણી વખત દર્દીઓ આ શારીરિક લક્ષણોની સારવાર માટે રઝળપાટ કરે છે, પરંતુ આ લક્ષણોના મૂળમાં છુપાયેલ હતાશાની કાળજી લેવામાં આવતી નથી. મનોચિકિત્સકની મુલાકાત સાથે ડિપ્રેશન માટે પરીક્ષણ શરૂ થાય છે. ડિપ્રેશનનું કારણ જાણવા માટે નિષ્ણાત સાથે વાત કરવી ખૂબ જ જરૂરી છે. આ લક્ષણો આપણામાં હોઈ શકે છે. પણ કદાચ આપણે તેને એ દ્રષ્ટિકોણથી જોયા ન હોય. ફક્ત આપણામાં જ નહીં, આપણાં બાળકોમાં પણ આવાં લક્ષણો જોવા મળી શકે છે. હા, આજકાલ બાળકોમાં ડિપ્રેશન પણ નવી વાત નથી રહી. આપણે વાત કરવી છે, બાળકોમાં થતાં ડિપ્રેશનનાં કારણો અને તેનો કઈ રીતે ઉપચાર કરી શકાય અથવા ડિપ્રેશનનો શિકાર હોય તેવાં બાળકો સાથે કેવી રીતે વ્યવહાર કરવો જોઈએ.
બાળકોમાં હતાશા (ડિપ્રેશન)
બેચેની અને હતાશા એ વિકૃતિઓ છે જે બાળકોમાં સમયાંતરે ઉદભવે છે. એક વાત સમજવી જરૂરી છે કે બાળકોમાં હતાશા એ મૂડ સ્વિંગ નથી, તે તેનાથી અલગ છે. બાળકો સમજદાર બને છે અને ઉંમર સાથે વિકાસ પામે છે તેથી મૂડ સ્વિંગ થતા રહે છે. આ તબક્કાની અસર એ વાત ઉપર આધાર રાખે છે કે, બાળકો તેમના મિત્રો અને પરિવાર સાથે કેવી રીતે સંબંધો જાળવી રાખે છે અથવા જોડાયેલા રહે છે. ડિપ્રેશન તેમના માટે રમતગમત, શોખ અથવા અન્ય બાળપણની પ્રવૃત્તિઓનો આનંદ માણવાનું મુશ્કેલ બનાવે છે અને સામાન્ય પરિસ્થિતિઓ પણ તેમને ભયભીત, નર્વસ અથવા બેચેન બનાવે છે. મોટાભાગનાં માતા-પિતા એ માનવા તૈયાર જ નથી હોતાં કે તેમનાં બાળકો હતાશામાં હોઈ શકે. ઘણા પ્રતિપ્રશ્ર્વ કરે કે બાળકોને ડિપ્રેશન હોતું હશે? એમને ક્યાં દુનિયાદારીનો બોજ છે? ૧૯૮૦ પહેલા બાળકોમાં જોવા મળતા ડિપ્રેશનને એક રોગ તરીકે જોવામાં નહોતો આવતો, પણ આજે તેને બાળકોમાં જોવા મળતી એક ગંભીર બીમારી માનવામાં આવે છે. ડિપ્રેશન એક એવી સ્થિતિ છે, જે ઉદાસી કરતાં વધુ ગંભીર બાબત છે અને જો તમારા બાળકમાં એ લક્ષણો હોય તો તેની કાર્યક્ષમતા ઉપર ચોક્કસ અસર પડે છે.
બાળપણમાં ડિપ્રેશન કેટલું સામાન્ય છે?
ડિપ્રેશન અને ચિંતા એ બાળકોમાં સૌથી સામાન્ય માનસિક સ્વાસ્થ્ય વિકૃતિઓ પૈકી એક છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનનો અંદાજ છે કે ૩ થી ૧૭ વર્ષની વયના લગભગ ૭ ટકા બાળકોમાં ચિંતા જોવા મળે છે; લગભગ ૩ ટકા ડિપ્રેશનનો સામનો કરે છે. ૧૨ થી ૧૭ વર્ષની વચ્ચેનાં મોટાં બાળકો અને કિશોરોમાં ડિપ્રેશન અને ચિંતા, બંને વધુ હોય છે. મોટાઓના ડિપ્રેશનની જેમ બાળકોના ડિપ્રેશનનો પણ ઈલાજ થઇ શકે છે, પરંતુ પહેલા તેને ઓળખવાની જરૂર છે. આપણે બાળકોમાં ડિપ્રેશનનાં કારણો, લક્ષણો અને ઈલાજ વિશે આવતા અંકમાં વિસ્તારથી જાણવાની કોશિશ કરીશું. ઉ