હેલ્થવેલ્થ-અભિમન્યુ મોદી
‘જનનીની જોડ સખી નહિ જડે રે લોલ’ ફેઈમ મહાન કવિ બોટાદકરની શિયાળા ઉપરની પંક્તિઓ છે- ‘હાથ ગૂંથેલ એના હીરના રે લોલ, હૈયું હેમંત કેરી હેલ રે..’. શિયાળામાં જેના હૈયામાં હેલ આવી ચડે એવા તંદુરસ્ત માણસો કેટલા? આસપાસ નજર કરીએ તો પણ નબળું હૈયું અગર તો હૈયા પાસેના નબળા ફેફસાંવાળી વ્યક્તિઓ દેખાય. હેમંત ને શિશિરના ચારેય મહિના દરમિયાન અખંડ તંદુરસ્તી અને સાંગોપાંગ સ્વસ્થ સ્વાસ્થ્ય ધરાવનારા માણસોની સંખ્યા આંગળીના વેઢે ગણાય એટલી હોય છે. શરીરનો કોઈને કોઈ પ્રદેશ શિયાળા દરમિયાન મંદ પડી જ જતો હોય છે. મેડિકલ સ્ટોરની સિઝન પણ ચોમાસાથી લઈને શિયાળા દરમિયાનની ગણાતી હોય છે. કોરોના વાઈરસ આ જ ઋતુ દરમિયાન ત્રાટક્યો હતો એ યોગાનુયોગ હોઈ શકે, પરંતુ માનવજાતને તેનાથી વધુ અસર હેમંતના ઠંડા પવનોએ કરેલી છે. શિયાળો અને સ્વાસ્થ્ય બંને એકબીજાના પુરક હોવા જોઈએ. એક શિયાળો સો-સો શરદ ઋતુને હેમખેમ પસાર કરવાની તક આપે છે, પણ જો શિયાળો જીવતા આવડતું હોય તો!
આયુર્વેદ બીજા કોઈ દેશમાં રચાઈ શક્યું ન હોત. આયુર્વેદની રચના માત્રને માત્ર ભારતવર્ષના પ્રદેશમાં જ થઇ શકે. ચરક કે સુશ્રુત જેવા મહાન વિદ્યાનો અને શરીરશાસ્ત્રીઓ તથા ઋતુ નિષ્ણાતો બીજા મુલકમાં જન્મ્યા હોત તો પણ આયુર્વેદ જેવા મહાન શાસ્ત્રનું નિર્માણ ભારતમાં જ થવાનું હતું. તેનું એક કારણ ભારતનું ઋતુચક્ર છે. ભારતની ઋતુઓ સમપ્રમાણમાં વિભાજિત છે. ચાર મહિના ઉનાળો, ચારેક મહિના ચોમાસું અને ચારેક મહિના જેવો શિયાળો. આટલું સરસ વિભાગીકરણ દુનિયાના બીજા એક પણ ખંડમાં જોવા નહિ મળે. શરીરને સાચવવા માટે આસપાસની આબોહવા પ્રથમ શરત છે. હવા પ્રમાણે, હવાના સ્તર પ્રમાણે, હવાની ગુણવત્તા પ્રમાણે, હવાના તાપમાન પ્રમાણે, હવામાં રહેલા ભેજ પ્રમાણે અને હવાની ગતિ પ્રમાણે શરીરની જાળવણીની સારણી રચાય છે. આયુર્વેદ અહીં રચાયું તેનું કારણ એ જ હતું કે ભારતના હવામાને બધા જ પ્રકારના વાતાવરણને સરખું મહત્ત્વ આપ્યું. આયુર્વેદને યાદ કરીએ છીએ તો સાથે સાથે એ પણ યાદ કરવા જેવું ખરું કે આયુર્વેદ બીમારોનો ઈલાજ તો કરે જ છે, પરંતુ એના કરતાં પણ વિશેષ મહત્ત્વ સાજા-નરવા લોકો સો વર્ષ નીરોગી રહે તે જ આયુર્વેદનો ઉદ્દેશ છે. તે ઉદ્દેશ માટે શિયાળો આદર્શ ઋતુ છે.
શિયાળા દરમિયાન પોતાની તંદુરસ્તીની સાચવણી માટે જાગૃત ન થનાર માણસ આખું વર્ષ લાલ-લીલી-પીળી-જાંબલી ટીકડીઓ લેતો ફરે છે. શિયાળાને ટેકન ફોર ગ્રાન્ટેડ લેનાર વ્યક્તિ નીરોગી રહી શકતો નથી. શિયાળો એ કુદરતે માણસ માટે સેટ કરેલો એલાર્મ છે કે આખુંય વર્ષ તે જે તારા પોતાના શરીર ઉપર અત્યાચાર કર્યા છે તેનાં જખ્મોને ભરી દે. શિયાળા દરમિયાન વહેલી સવારે પથારીમાંથી ન ઊઠનારી વ્યક્તિએ જિંદગીમાં વહેલો ખાટલો પકડવો પડે છે. આ શાશ્ર્વત નિયમ છે. કોઈ કારણ વિના વારંવાર બીમાર પડનાર માણસની શિયાળા દરમિયાનની દિનચર્યા ચકાસી લેવી. જે માણસે તેના તમામ શિયાળા વેડફ્યા છે તેનું સ્વાસ્થ્ય જતી જિંદગીએ વેડફાયું છે. શિયાળાનો ઠંડો પવન સામી છાતીએ ન લેનાર ડેલીકેટ ડાર્લિંગો આધેડ વયના થાય પછી સ્વજનોની સેવાના આશ્રિત બની જાય છે. શિયાળુ સવારમાં જેનું એક ચોક્કસ અને હેલ્ધી રૂટિન ગોઠવાયું નથી તેણે ઓર્ગેનિક શાકભાજી કે પોષ્ટિક તત્ત્વોવાળા આહારનો આગ્રહ રાખવો નહિ. કારણ કે તેનાથી કશો ફરક નહિ પડે. શિયાળુ સવારને પોતાના હાથ ફેલાવીને ફેફસામાં ભરવી એ લહાવો છે અને વિજ્ઞાન પણ છે. ભારતનો શિયાળો એ કુદરતની મોટી દેન છે. હિમવર્ષા અહીં થતી નથી, કાળઝાળ ગરમી પડતી નથી, બહુ બેલેન્સ્ડ શિયાળો છે જેની આપણને કદર નથી.
ઠંડી હવા શરીરને કસે છે. ઠંડી હવા ફેફસાને મજબૂત બનાવે છે. શિયાળો આપોઆપ પાચનતંત્રને વધુ કાર્યક્ષમ બનાવી દે છે. એવું શું કામ થાય છે? બીમાર શરીરમાં દવા નાખીએ એના કરતાં શરીરમાં રોગ ન પ્રવેશે એવાં દ્રવ્યો નાખવા બેહતર. પ્રિવેન્શન ઈઝ બેટર ધેન ક્યોર. પ્રિવેન્શન માટે જુદી જુઈદ વસ્તુઓ ખાવી પડે. ખજૂરથી લઈને આદું સુધી, લીલી હળદરથી લઈને મધ સુધીનાં અનેક દ્રવ્યોનો વપરાશ શિયાળા દરમિયાન વધારવો પડે. જુદી જુદી જાતના અનાજ, બધા જ પ્રકારના શાકભાજી, જુદા જુદા મસાલા અને તેજાનાની આ ઋતુ છે. ઘી ગટગટાવાની અને અમુક દેશી ઓસડિયા ટ્રાય કરવાની આ મોસમ છે. દૂધ અને કેસર રગોમાં દોડે તો શિયાળાની રોનક આવે.
શિયાળા દરમિયાન યોગ કે કસરત ન કરનારને એડવાન્સમાં ‘ગેટ વેલ સુન’ કહી દેવામાં કોઈ અપરાધ નથી. યોગાસન તો શરીરની કોર સ્ટ્રેન્થને વધારે છે. રોગપ્રતિકારક શક્તિને સશક્ત કરે છે. શરીરના બધાં જ તંત્રો / સીસ્ટમને તાકાતવર બનાવે છે. કસરત શરીરની બાહ્ય ઊર્જાનું સ્તર ઊંચું કરે છે. દેખાવને વધુ આકર્ષક બનાવે છે. લોહીનું પરિભ્રમણ વધુ સ્મૂધ કરે છે. સ્ટેમિના સ્ટ્રોંગ કરે છે. આ બધું પ્રાઈમરી સ્કૂલમાં ભણતા બાળક પણ જાણે જ છે પણ તેનાં મમ્મી-પપ્પાઓ ભાગ્યે જ તેનો અમલ કરે છે. ઘરમાંથી કોઈ એક જ જણ શિયાળા દરમિયાન સ્વાસ્થ્ય માટે જાગૃત હોય છે. પતિ-પત્ની બંને જીમ જતા હોય કે મોર્નિંગ વોક લેવા જતા હોય એવા દાખલા કેટલા? કોઈ એક જ જતું હોય. બીજાને કોઈ કામ હોય કે ઘર સંભાળવાનું કારણ હોય માટે તે કશી નવી શારીરિક પ્રવૃત્તિ કરે નહિ. શિયાળો ફક્ત તન નહિ મનને દુરસ્ત રાખવાની ઋતુ છે.
એક વાત ધ્યાનમાં રાખવી. આપણે એક પેન્ડેમીકમાંથી પસાર થયા છીએ. એ છેલ્લો પેન્ડેમીક હશે એવી કોઈ ખાતરી નથી. મહા-પેન્ડેમીક કહેવા પડે એવા ઘણા રોગચાળાઓ આવી શકે છે. ત્યારે શરીર અંદરથી સ્ટ્રોંગ હશે તો જ સારી રીતે ટકી શકાશે. શિયાળો સ્વાસ્થ્યમાંથી સુસ્તી કાઢીને તેને ચુસ્ત બનાવવાનું આહ્વાન આપે છે. શિયાળો ચુક્યા તો તંદુરસ્તીનું એક વર્ષ ચુક્યા.