Homeપુરુષશું કોરોનાનો નવો વૉરિયન્ટ BF7 ભારતમાં નવી લહેર લાવશે?

શું કોરોનાનો નવો વૉરિયન્ટ BF7 ભારતમાં નવી લહેર લાવશે?

હેલ્થ વેલ્થ – રાજેશ યાજ્ઞિક

વિશ્ર્વભરની નજર આજે ચીન ઉપર ટકી છે. કારણ છે, ઓમિક્રોનના BF7 વેરિયન્ટને કારણે કોરોનાના સંક્રમણનો ચીનમાં આવેલો ભયંકર ઉછાળો. ચીનની સરકારી નીતિઓને કારણે સાચો આંકડો મળવો મુશ્કેલ હોવા છતાં ચીની સરકારે આપેલા આંકડા પ્રમાણે સંક્રમિત લોકોની સંખ્યા લગભગ ચાર લાખ આસપાસ છે. પરંતુ એવી માન્યતા છે કે આ આંકડો તેનાથી ઘણો વધારે હોવાની પૂરી શક્યતા છે.
ચીનથી આવતી સત્તાવાર જાણકારી ઉપરાંત જે બિનસત્તાવાર ખબરો આવે છે તેમાં લાશોની લાઈન લાગી હોય, કોવિડના રોગીઓને હૉસ્પિટલમાં ખાટલા મળવા મુશ્કેલ હોય, જેવી ડરામણી ખબરો છે, તો બીજી બાજુ એવા વીડીયો પણ ફરતા થયા છે જેમાં લોકો કહી રહ્યા છે કે અફવાઓ ઉપર ધ્યાન ન આપો અને ચીનમાં હાલત એવી ખરાબ નથી. આવા કેટલાક વીડીયો ચીનમાં રહેતા ભારતીયોના પણ જોવામાં આવ્યા છે. આવી પરિસ્થિતિમાં ભારતીયો મૂંઝવણમાં છે કે આપણે ડરવું કે બિનધાસ્ત ફરવું?
BF7 શું છે?
BF7 એ ભારતમાં પહેલાં જ દેખાઈ ચૂકેલા ઓમિક્રોનનો સબ-વેરિયન્ટ જ છે. SARS-COV-2 ના ૧૦ અલગ અલગ વેરિયન્ટ ભારતમાં મોજુદ છે જેમાંથી BF7 પણ એક છે. તેથી તેને સંપૂર્ણપણે નવો તો ન કહી શકાય. BF7 એ ઓમિક્રોનના જ એક વેરિયન્ટ BF5ની સબલાઇનનો વેરિયન્ટ ગણાય છે.
જાણકારી મુજબ ભારતમાં જુલાઈ, સપ્ટેમ્બર અને નવેમ્બરમાં BF7 વેરિયન્ટના કેસ નોંધાયેલા છે. તેથી તે ભારત માટે પણ નવો કહેવાય તેવું નથી.અથવા આપણા દેશના નિષ્ણાતો અને ડોકટરો પણ તેનાથી અજાણ છે તેવું નથી.
BF7 વેરિયન્ટના લક્ષણો શું છે?
આ ઇઋ૭ વેરિયન્ટ છાતીના ઉપરના ભાગ અને ગળાને અસર કરે છે. મુખ્ય રૂપે ઉપલા શ્ર્વસન તંત્રને (Upper Respiratory) નિશાન બનાવે છે.
તેને કારણે રોગીઓમાં તાવ, ગળું ખરાબ થવું, નાકમાંથી પાણી નીકળવું કે ઉધરસ જેવા લક્ષણો જોવા મળે છે.
કેટલાક લોકોને પેટ સંબંધી તકલીફ જેવી કે ઝાડા-ઊલટીની ફરિયાદ પણ જોવા મળે છે. ડોક્ટરોની સલાહ એ જ છે કે, જો આવા લક્ષણો તમને જોવા મળે તો તરત તપાસ કરાવો, આઇસોલેશનમાં રહો. આમ કરવાથી BF7 ને પ્રસરતો રોકવામાં મદદ મળશે.
BF7 વિશે ચિંતા શામાટે?
BF7 થી થતી તકલીફો એટલો ચિંતા નો વિષય નથી. ચિંતાનું મહત્ત્વનું કારણ એ છે કે આ વેરિયન્ટ ખુબ ઝડપથી અને ઘણા લોકોને સંક્રમિત કરી શકે છે. ઓમિક્રોનના બધાં જ વેરિયન્ટમાં આ વેરિયન્ટ સૌથી વધુ સંક્રમણ ક્ષમતા ધરાવે છે.
એક સંક્રમિત વ્યક્તિ અન્ય ૧૦ થી ૧૮ લોકોને ચેપ લગાડી શકે છે. જેની સામે મૂળ ઓમિક્રોનની સંક્રમણ ક્ષમતા સરાસરી ૫ થી ૬ વ્યક્તિઓની હતી. આના ઉપરથી તમે ઇઋ૭ની તાકાત સમજી શકો છો.
કયા દેશોમાં ફેલાયો છે BF7
આ વેરિયન્ટ લગભગ બે વર્ષથી નિષ્ણાતોની જાણકારીમાં છે જ. પરંતુ તે ‘ચિંતા કરાવે’ કે ‘ધ્યાન આપવું પડે’ તેટલો ફેલાયેલો નહોતો, જ્યાં સુધી ચીનમાં આ વેરિયન્ટનો વિસ્ફોટ જાણમાં ન આવ્યો. સ્ક્રિપ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (Scripps Research Institute) દ્વારા અપાયેલ માહિતી મુજબ વિશ્ર્વના ૯૧ દેશમાં BF7 ના આનુવંશિક ગુણો અને પરિવર્તન ધરાવતો વેરિઅન્ટ ફેબ્રુઆરી ૨૦૨૧થી જાણકારીમાં છે.
મે ૨૦૨૨માં તેને BF7 નામ આપવામાં આવ્યું અને તેને ઓમિક્રોનના વેરિયન્ટ BF5 ની લાઈનેજમાં ઉમેરવામાં આવ્યો.
ચીન ઉપરાંત, અમેરિકા, બ્રિટન, બેલ્જીયમ, જર્મની, ફ્રાન્સ અને ડેનમાર્ક સહીત ઘણા દેશોમાં BF7 ના કેસ સામે આવ્યા છે પણ જરૂરી નથી કે બધે જ તે વિકરાળ રૂપ લઇ લે.
શું આપણે ડરવાની જરૂર છે?
ચીનમાં કોરોના વિસ્ફોટ થયો હોવા છતાં આપણે એ સમજવાની જરૂર છે કે ભારતની અને ચીનની પરિસ્થિતિઓમાં ઘણો ફરક છે.
નિષ્ણાતો જણાવી રહ્યા છે કે આપણે આરોગ્યની દ્રષ્ટિએ કાળજી રાખવાની ચોક્કસ જરૂર છે, પણ ડરવાની કે ચિંતા કરવાની જરૂર નથી. શામાટે, તેના કારણો જાણીએ.
૧. ચીનમાં સરકારે ઝીરો કોવિડ પૉલિસી લાગુ કરી હોવાથી ગયા મહિના સુધી લોકો સખત લોકડાઉનમાં રહ્યા હતાં. તેને કારણે તેમનામાં હર્ડ ઇમ્યુનિટી વિકસી શકી નથી. તેના કારણે સરકારે જેવું લૉકડાઉનમાં ઢીલ આપી એટલે લોકો સંક્રમિત થવા લાગ્યા. ભારતમાં આવી સ્થિતિ નથી.
૨. નિષ્ણાતો ચીન દ્વારા વિકસિત અને તેમના નાગરિકોને અપાતી વૅક્સિનની અસરકારકતા વિશે શરૂઆતથી જ શંકાશીલ રહ્યા છે.
૩. ભારતમાં જુલાઈ મહિનાથી જ BF7ની જાણકારી હોવા છતાં દૈનિક કે સાપ્તાહિક કોવિડ કેસોમાં કોઈ વધારો નોંધાયો નથી. હકીકતમાં તો કેસોમાં સતત ઘટાડો દેખાઈ રહ્યો છે.
૪. ભારતમાં નોંધાયેલા BF7 સંક્રમિત વ્યક્તિઓમાંથી એક પણ વ્યક્તિની સ્થિતિ ગંભીર કહી શકાય તેવી થઇ નથી. બધાં જ હોમ આઇસોલેશનમાં ઠીક થયાં છે, કોઈને હૉસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડી નહોતી.
સરકારે ભારતમાં કોવિડ ઉપર જિનોમ સિકવન્સીંગ અને સંશોધન કરતી સંસ્થા BF7 ની રચના કરી છે. આ સંસ્થા સાથે જોડાયેલા વિષાણુ શાસ્ત્રીઓ, ચેપી રોગના જાણકારો અને રોગચાળા નિષ્ણાતોના જણાવ્યા મુજબ, “કોવિડના સેમ્પલ સિકવન્સિંગમાં આ વેરિયન્ટની અસર સમગ્ર વિશ્ર્વમાં માત્ર ૦.૫% જોવામાં આવી છે. અનેક દેશોમાં તેની હાજરી હોવા છતાં BF7 નો કોવિડ ૧૯ના કેસોમાં ફાળો નગણ્ય રહ્યો છે.
સરકારની તૈયારી કેવી છે?
ચીનમાં BF7ના કેસોમાં આવેલા વધારાને ધ્યાનમાં રાખીને ભારત સરકાર તરત જ એક્શન મોડમાં આવી ગઈ છે. ખુદ વડા પ્રધાને બેઠકોનો દોર હાથમાં લઈને દરેક સ્તરે તૈયારી રાખવા જણાવ્યું છે.
કેન્દ્રીય મંત્રી માધવરાવ સિંધિયાએ આપેલી જાણકારી મુજબ સરકારે કોવિડ વિરુદ્ધની લડત માટે ૩૮ હજાર કરોડ રૂપિયાનું બજેટ ફાળવ્યું છે. દેશના છેવાડાના વિસ્તારો સુધી વૅક્સિન પહોંચાડવા ડ્રોનની મદદ લેવાઈ રહી છે.
કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ રાજ્ય સરકારોને પત્ર લખીને વૅન્ટિલેટર અને ઑક્સિજનની કોઈ કમી ન થાય તેની તકેદારી લેવા કહ્યું છે. એરપોર્ટ ઉપર પણ વિદેશથી આવનારા યાત્રીઓના ટેસ્ટ કરવામાં આવનાર છે.
તમે આ વાંચી રહ્યા હશો ત્યાં સુધીમાં સરકાર ૨૭ ડિસેમ્બરે હૉસ્પિટલોમાં મોક ડ્રિલનું
આયોજન પણ કરી ચુકી હશે. તે ઉપરાંત સામાન્ય લોકોને જાહેરમાં માસ્ક પહેરીને અને કોવિડને યોગ્ય વર્તન ચાલુ રાખવા સરકાર ખાસ આગ્રહ કરી રહી છે.
શું કહે છે નિષ્ણાતો?
ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સના ભૂતપૂર્વ ડાયરેક્ટર ડૉ. રણદીપ ગુલેરીયા કહે છે કે, “ભારતના લોકોમાં હાયબ્રીડ ઇમ્યુનીટી સારા પ્રમાણમાં વિકસિત થઇ ગઈ છે. હાયબ્રીડ ઇમ્યુનિટી એટલે કુદરતી રીતે વધેલી ઇમ્યુનીટી અને વૅક્સિનેશનની અસરથી વધેલી ઇમ્યુનિટીનું મિશ્રણ લોકોમાં થયેલું છે. એટલે ભારતમાં કોઈ લહેર આવે તેવી સંભાવના લાગતી નથી. તેમના જણાવ્યા મુજબ ભૂતકાળના અનુભવ ઉપરથી ઇન્ફેક્શન રોકવામાં ફ્લાઇટ ઉપર પ્રતિબંધ બહુ અસરકારક સાબિત થયો નહોતો, એટલે આંતરરાષ્ટ્રીય પ્રવાસ ઉપર પ્રતિબંધ મુકવાની બહુ જરૂર જણાતી નથી.
ડૉ. ગુલેરીયા માને છે કે હાયબ્રીડ ઇમ્યુનીટીને કારણે કોરોનાના ગંભીર કિસ્સાઓ કે હૉસ્પિટલાઇઝેશનની જરૂર પડે તેવી શક્યતા પણ બહુ ઓછી છે.
આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા સાથેની સમીક્ષા બેઠક બાદ, નીતિ આયોગના સભ્ય (આરોગ્ય) ડૉ. વી. કે પોલ દ્વારા પત્રકારોને અપાયેલી મુલાકાતમાં કહ્યું હતું કે જેમણે હજી વૅક્સિન ન લીધી હોય કે બુસ્ટર ડોઝ ન લીધા હોય તેમણે લઇ લેવા જોઈએ અને જાહેર જગ્યાઓ ઉપર માસ્ક પહેરી રાખવો જોઈએ, પરંતુ ભારતે ચિંતા કરવા જેવું અત્યારે કશું નથી. માત્ર આપણે આવનારી મુસીબત માટે તૈયાર રહીએ તેટલું પૂરતું છે.
વાયરોલોજિસ્ટ ડૉ. ગગનદીપ કાંગ પણ જણાવે છે કે આપણે લૉકડાઉન જેવા પ્રતિબંધોની જરૂર નથી, પરંતુ ધ્યાન રાખવાની ચોક્કસ જરૂર છે.
આપણે બેદરકાર તો નથી ને?
ભારતમાં ૨૨૦ કરોડ વૅક્સિનના ડોઝ અપાઈ ચુક્યા છે. પરંતુ હજી એવા ઘણા લોકો છે જેમણે વૅક્સિનનો એક પણ ડોઝ નથી લીધો અથવા બુસ્ટર ડોઝ નથી લીધો. બુસ્ટર ડોઝ લેનારાની સંખ્યા અત્યંત ઓછી છે.
આરોગ્ય મંત્રાલય દ્વારા પ્રસિદ્ધ રિપોર્ટ જણાવે છે કે હજી ૭૫% લોકોએ બુસ્ટર ડોઝ લીધા
નથી. માત્ર તેલંગાણા, આંધ્રપ્રદેશ અને ઓડિશા
જેવા રાજ્યોમાં આ આંકડો ૪૦% સુધી પહોંચ્યો છે. માટે સૌથી વધુ જરૂરી છે કે લોકો બેદરકાર ન રહે.
નવી પરિસ્થિતિઓમાં સરકાર જાહેર જગ્યાઓમાં ફરીથી માસ્ક પહેરવા જણાવી રહી છે. તે વાતનું પાલન કરતાં લોકોએ પણ પોતાની ફરજ સમજીને માસ્ક પહેરવો જોઈએ. આખરે આ બધી મહેનત આપણી સુરક્ષા માટે જ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular