Homeપુરુષપેશન્ટ્સનાં ત્રણ પ્રકાર ખાલી ઘડો - અધૂરો ઘડો - પૂર્ણ ઘડો

પેશન્ટ્સનાં ત્રણ પ્રકાર ખાલી ઘડો – અધૂરો ઘડો – પૂર્ણ ઘડો

હેલ્થ વેલ્થ – ડૉ. મનોજ જોશી

એવાં પ્રકારનાં દર્દીઓ સમાજમાં જોવાં મળે છે કે જે સતત ‘સુંઠનાં
ગાંગડે ગાંધી’ થતાં રહે છે એટલે કે રોગો, તેના કારણો, ચિકિત્સા, આહાર વિહારનાં નિયંત્રણો, દવાઓ કે તેના ડોઝ વગેરે વિશે ઊપરછલ્લું વાંચન કે નોલેજ હોવા છતાં પોતાની જાતને સર્વજ્ઞ માને છે

આમ તો સૌને શીર્ષક પરથી જ લગભગ ખબર પડી ગઈ હશે કે આજનો વિષય કેટલાંક માટે મનગમતો અને કેટલાંક માટે અણગમતો રહેશે. ડોક્ટરનું એક કર્તવ્ય છે કે દર્દી માટે લાભકારક હોય તો કડવી દવા પણ પીવડાવવી એટલે એ કર્તવ્યનું પાલન કરીને આજે થોડીક કડવી પણ છેવટે તો પેશન્ટ માટે ગુણકારી વાત કરવી છે.
આપણે આપણી આસપાસ નજર નાખીશું તો મુખ્યત્વે ત્રણ પ્રકારનાં દર્દીઓ જોવાં મળશે.
(૧) જેને મેડિકલ સાયન્સ વિશે કે રોગો વિશે કે દવાઓ વિશે કંઈ જ ખબર નથી એવા દર્દીઓ.
(૨) જે પોતાનાં અનુભવો પરથી, વાંચનથી, જિજ્ઞાસાવશ, શોખથી કે કરેલાં અભ્યાસને લીધે રોગો, તેનાં પ્રકારો, તેની સારવાર વગેરે વિશે ઘણું બધું
જાણે છે.
આ બે પ્રકારનાં દર્દીઓની સારવાર કરતી વખતે તબીબો મોટાભાગે નિશ્ર્ચિન્ત અને ફોકસ્ડ રહી શકે છે કેમ કે પહેલાં પ્રકારનાં દર્દીઓને તો આ વિષયમાં કંઈ માહિતી જ નથી હોતી અને એને એ જાણવાની કે મેળવવાની ઈચ્છા પણ નથી હોતી.
આ દર્દીઓ માટે તો ડૉક્ટર એટલે સાક્ષાત
ભગવાન અને એમનું વાક્ય એટલે બ્રહ્મવાક્ય.
આવી ઉચ્ચકક્ષાની શ્રદ્ધાને લઈને તેઓ
ડૉક્ટરનાં કામમાં કોઈપણ પ્રશ્ર્ન ક્યારેય ઊભા નથી કરતાં.
બીજા પ્રકારનાં દર્દીઓ પોતાનાં વિશદ જ્ઞાનને લીધે થયેલી તકલીફ, તેનાં લક્ષણો, તેની સારવાર, ઉપયોગી ઔષધો, તેની આડઅસરો, તેની ગંભીરતા, રોગનું પ્રોગ્નોસીસ વગેરે ઘણાં મુદ્દાઓ જાણતાં હોવાથી આવા દર્દીઓ અને તેમનાં સંબંધીઓનો તબીબો સાથે સંઘર્ષ ભાગ્યે જ જોવાં મળે છે.
વ્યવહારમાં એ પણ જોવાં મળે છે કે આ બન્ને
પ્રકારનાં દર્દીઓનાં ભાગે પ્રાય: સહન કરવાનું ઓછું આવે છે.
પરંતુ, હજુ એક ત્રીજા પ્રકારનાં દર્દીઓ સમાજમાં જોવાં મળે છે કે જે સતત ‘સુંઠનાં ગાંગડે ગાંધી’
થતાં રહે છે એટલે કે રોગો, તેના કારણો, ચિકિત્સા, આહાર વિહારનાં નિયંત્રણો, દવાઓ કે તેના
ડોઝ વગેરે વિશે ઊપરછલ્લું વાંચન કે નોલેજ
હોવા છતાં પોતાની જાતને સર્વજ્ઞ માને છે એવા
અધૂરાં ઘડાં જેવાં દર્દીઓ. જે ‘અધૂરો ઘડો -છલકાય ઘણો’ એ કહેવતને અક્ષરશ: સાચી પાડતાં જોવા
મળે છે.
કમનસીબે આવા દર્દીઓનું પ્રમાણ જ થોડું વધુ જોવાં મળે છે. વ્યવહારમાં આવા દર્દીઓ વધી રહ્યાં છે તેનાં કારણો શું? એ પાછો એક અલગ લેખનો વિષય છે.
પણ, સૌથી મહત્ત્વનાં કારણો પર એક ઉડતી નજર ફેરવીએ તો, અંગૂઠા અને આંગળીનાં ટેરવે (સાચી-ખોટી) માહિતીઓ ઉપલબ્ધ હોવી.
અમુક ડોક્ટર્સની હદ ઉપરાંતની વ્યસ્તતાને લઈને પેશન્ટ સાથેનાં સંવાદનો અભાવ.
પ્રવર્તમાન પરિસ્થિતિઓને લઈને દર્દીનો તબીબો પરથી ઘટતો જતો વિશ્ર્વાસ.
આવા તો અનેક કારણોને લઈને ડોક્ટર -પેશન્ટ વચ્ચેનાં સંબંધો હેલ્ધી(સ્વસ્થ) નથી રહી શકતાં
અને આવા બીમાર સંબંધો બન્ને પક્ષે નુકસાનકારક નીવડે છે.
આવી વિષમ પરિસ્થિતિઓને લઈને દર્દીઓ
પોતાના કે પોતાના સગાં – સંબંધીઓની તકલીફો વિશે ગૂગલ ઇત્યાદિ માધ્યમો દ્વારા સાચી ખોટી
માહિતી મેળવીને પોતાનાં મનમાં અમુક ખોટી ધારણાંઓ, પૂર્વગ્રહો કે આગ્રહો સ્થાપી બેસે છે
અને એને વશ થઈને તેમનું તબીબ સાથેનું વર્તન
અને વ્યવહાર શંકાશીલ અને સંકુલ (વિયર્ડ) થઈ જાય છે. આ ડૉક્ટર – પેશન્ટ બન્ને પક્ષે બાધાકારક
બને છે.
ખરેખર પોતાની તકલીફો વિશે જેન્યુઈન પ્રશ્ર્નો પૂછતાં દર્દીઓ અને આવા ઓવરસ્માર્ટ દર્દીઓ વચ્ચેનો ફરક ડૉક્ટરો એક – બે પ્રશ્ર્નમાં જ કળી જાય છે. આવા મુદ્દાઓ પાછાં જે તે તબીબનાં મનમાં બાયસ જન્માવી શકે છે.
ગમે તે હોટલમાં ગમે તેવું ખાઈ -પી લેતાં પહેલાં કેટલાં લોકો જે તે હોટેલનાં રસોયાને જઈને તેની સાથે રાઈ -મેથી -જીરુંની, દાળની બ્રાન્ડની, શાકનાં ઓરિજીનની, ફોલો કરાયેલી રેસિપીની કે રસોઈમાં વપરાતાં પાણીની ગુણવત્તા વિશે ચર્ચાઓ કરે છે કે પૂછે છે?
કહેવાનો ભાવાર્થ એ જ કે જે -તે દર્દીનાં વિષયને કે દર્દીની તકલીફને લગતી તમામ માહિતી
એમને મળવી એ ખૂબ જરૂરી અને મહત્ત્વની વાત છે પણ, ન સ્પર્શતા વિષયોમાં જરૂર વગરનો સતત ચંચુપાત આખરે તો દર્દીને જ નુકસાનકારક
નીવડે છે.
એટલે સમયનુસાર સાવધ રહીએ, બધી પરિસ્થિતિઓથી અવગત રહીએ પણ ડગલેને પગલે આપણાં ખોટાં અભિગમ, અહમ્ કે અજ્ઞાનને
લીધે સારવારનાં માર્ગમાં મુશ્કેલીઓ ઊભી ન
કરીએ તેમાં જ તમામ દર્દીઓનું, તેમનાં
પરિવારજનોનું, મેડિકલ ફ્રેટરનિટીનું અને સમગ્ર સમાજનું હિત છે.
કેમ કે શ્રદ્ધા,સંપૂર્ણ વિશ્ર્વાસ અને સમર્પણ એ સારવાર, રોગમુક્તિ કે હીલિંગ માટેનાં ચમત્કારિક પરિબળો છે. ઉ
*સ્ટ્રેઈટ ડ્રાઈવ*
શ્રદ્ધા જ મારી લઈ ગઈ મંઝિલ સુધી મને,
રસ્તો ભૂલી ગયો તો દિશાઓ ફરી ગઈ.
– શ્રી ગની દહીંવાલા
શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર,
કુરાનમાં તો ક્યાંયે પયગંબરની સહી નથી.
– શ્રી જલન માતરી

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular