Homeતરો તાજાડાયસ્ટેસિસ રેક્ટી શું છે અને તેને કેવી રીતે ઓળખી શકાય?

ડાયસ્ટેસિસ રેક્ટી શું છે અને તેને કેવી રીતે ઓળખી શકાય?

હેલ્થ વેલ્થ – રાજેશ યાજ્ઞિક

ગર્ભાવસ્થા પછીની સમસ્યાથી સાવધાન

ગર્ભાવસ્થાનો અનુભવ દરેક માતા માટે મધુર હોય છે. આ મધુર અનુભવ ત્યારે વધુ સુંદર બની જાય છે જ્યારે તે માતા બને છે અને ફૂલ જેવું બાળક તેના ખોળામાં રમવા લાગે છે. પણ જેમ કહેવાય છે કે ગુલાબ સાથે કાંટા હોય છે, તેવી જ રીતે આ મીઠા અનુભવ સાથે ઘણી બધી શારીરિક અને માનસિક તકલીફો પણ આવે છે. ડાયસ્ટેસિસ રેક્ટી એક એવી પોસ્ટપાર્ટમ (ગર્ભાવસ્થા પછીની) સ્થિતિ છે જે ગર્ભાવસ્થા પછી અગવડતા લાવી શકે છે.
જો આપણે ડાયસ્ટેસિસ રેક્ટીને સરળ શબ્દોમાં સમજીએ તો પેટ અલગ થવાની આ સ્થિતિમાં, પેટના સ્નાયુઓ વચ્ચે એક ગેપ રચાય છે. ડાયસ્ટેસિસ રેક્ટીને પેટનું વિભાજન પણ કહેવાય છે. તમે પોસ્ટપાર્ટમ સ્ત્રીઓમાં ડાયસ્ટેસિસ રેક્ટી વિશે સાંભળ્યું હશે, પરંતુ આ સ્થિતિ પુરુષો સહિત કોઈપણને અસર કરી શકે છે. ડાયસ્ટેસિસ રેક્ટીનું સૌથી મુખ્ય લક્ષણ તમારા પેટમાં દેખાતી કમાન છે. આ અસર નબળાઇ અને પેટની મધ્યમાં સ્નાયુઓ અલગ થવાને કારણે થાય છે. આપણા પેટની મધ્યમાં એક ‘સિક્સ પેક’ સ્નાયુ છે જે મધ્ય રેખામાં જોવા મળે છે. સામાન્ય રીતે તેને તમારા એબીએસ કહેવામાં આવે છે.
સગર્ભાવસ્થા દરમિયાન અથવા પછીથી આવું થવાની શક્યતા વધુ હોય છે કારણ કે બાળકનું કદ ગર્ભાશયમાં ધીમે ધીમે વધે છે. પરિણામે, ગર્ભાશયના સ્નાયુઓ પણ વિસ્તરવા લાગે છે અને સ્નાયુઓની મધ્યમાં ખાલી જગ્યા રચાય છે. તે સામાન્ય રીતે ડિલિવરી પછીના થોડા મહિનામાં તેની જાતે જ ધીમે ધીમે સારી થઈ જાય છે. પરંતુ ૧૨ મહિના પછી પણ જો પેટના સ્નાયુઓ વચ્ચેની ખાલી જગ્યા ન ભરાય તો ખાસ ધ્યાન આપવાની જરૂર છે. કદાચ તમે હવે વિચારતા હશો કે બાળકો કે પુરુષોમાં આવું કેમ થાય છે? કેટલીકવાર ડાયસ્ટેસિસ રેક્ટી પેટના સ્નાયુઓ ખેંચાય તેવી વધુ પડતી કસરતો કરવાને કારણે અથવા ખૂબ ભારે વજન ઉપાડવાને કારણે અથવા પેટની સ્થૂળતાને કારણે સમસ્યા બની શકે છે.
ડાયસ્ટેસિસ રેક્ટી વિકસવા માટેનાં જોખમી પરિબળો શું છે?
કેટલાંક પરિબળો ડાયસ્ટેસિસ રેક્ટી વિકસાવવા માટે તમારા જોખમને વધારી શકે છે:
એક કરતાં વધુ ગર્ભાવસ્થા (ખાસ કરીને બેક ટુ બેક) હોવી.
૩૫ વર્ષથી વધુ ઉંમરના હોવું.
એક કરતા વધુ ગર્ભ (જેમ કે જોડિયા અથવા ત્રિપુટી).
ભારે અથવા મોટું બાળક હોવું.
વધારે નાનો બાંધો હોવો
ડિલિવરી દરમ્યાન યોનિમાર્ગ પર દબાણ પેટના દબાણમાં વધારો કરી શકે છે.
ડાયસ્ટેસિસ રેક્ટીનું કારણ શું છે?
હકીકતમાં, ગર્ભાવસ્થા દરમિયાન બાળકના વિકાસ સાથે ગર્ભાશયના કદમાં વધારો થવાને કારણે, પેટના બે સમાંતર સ્નાયુઓ વચ્ચેનું જોડાણ ધીમે ધીમે ખાલી જગ્યા જેવું થઈ જાય છે. આ સ્નાયુ છાતીથી પેટના તળિયે જાય છે. આ સ્નાયુઓ ત્વચાની નીચે જ હોય છે.
ગર્ભાવસ્થા તમારા પેટ (એબીએસ) પર ઘણું દબાણ લાવે છે. પેટ ડાબા અને જમણા એબ સ્નાયુઓથી બનેલું છે અને તેની વચ્ચે જોડાયેલી પેશીઓ (લીનીઆ આલ્બા) ની પાતળી બેન્ડ છે. તેમને બહારની તરફ ધકેલવામાં આવે છે અને વધતા બાળક માટે જગ્યા બનાવવા માટે ખેંચાય છે. ડાયસ્ટેસિસ રેક્ટી ત્યારે થાય છે જ્યારે લીનીઆ આલ્બા વધારે ખેંચાઈ જાય છે અને ફરી એકસાથે આવતી નથી. પેટની ડાબી અને જમણી બાજુઓ અલગ રહે છે. તેને “એબ ગેપ અથવા પેટની અલગતા તરીકે પણ ઓળખવામાં આવે છે.
સામાન્ય રીતે તે ૫-૬ મહિનાની વચ્ચે થવાનું શરૂ થાય છે. જેમને એક કરતાં વધુ બાળકો હોય અથવા ૩૫ વર્ષથી વધુ હોય અથવા જોડિયા બાળકો હોય. ડાયસ્ટેસિસ રેક્ટી સામાન્ય રીતે બાળકના વધતા કદ અને ગર્ભાવસ્થા દરમિયાન થતા હોર્મોનલ ફેરફારોને કારણે સર્જાતા દબાણને કારણે થાય છે.
ડાયસ્ટેસિસ રેક્ટીનું લક્ષણ શું છે?
ડિલિવરી પછી, તમે પેટના સ્નાયુઓના બે બેન્ડ વચ્ચે ખાલી જગ્યા અનુભવી અથવા જોઈ શકો છો. ત્યાં દેખાતો બલ્જ પણ હોઈ શકે છે, ખાસ કરીને જ્યારે તમારા પેટના સ્નાયુઓ સક્રિય હોય. કેટલીક સ્ત્રીઓને પેટના અલગ થવાને કારણે પીઠનો દુખાવો થાય છે કારણ કે પેટ અલગ થવાથી પીઠના સ્નાયુઓને ટેકો આપવામાં અસમર્થ હોય છે. આ ઉપરાંત, પેટ અલગ થવાનાં કેટલાંક સામાન્ય લક્ષણો છે જે ઘણીવાર આ તબક્કે અનુભવાય છે-
નીચલા પીઠનો દુખાવો
ખરાબ મુદ્રામાં બેસવા પર દુખાવો
કબજિયાતની સમસ્યા
સોજાની સમસ્યા
ગર્ભાવસ્થાના પ્રથમ તબક્કામાં, આ સમસ્યા એટલી દેખાતી નથી. પરંતુ બીજા અને ત્રીજા ત્રિમાસિક પછી, જ્યારે તમે ઊઠો અથવા સૂઈ જાઓ ત્યારે તમને તમારા પેટની મધ્યમાં બલ્જ દેખાય છે. પેટ, પીઠ અથવા પેલ્વિસમાં તીવ્ર દુખાવો પણ થઈ શકે છે. ડિલિવરી પછી તમારા પેટમાં થોડો ઉભાર દેખાય છે, જેને મોટાભાગે લોકો ભૂલમાં વજન વધવાની અસર કહેવાનો અર્થ એ છે કે પ્રેગ્નન્ટ ન હોવા છતાં પણ અમુક મહિના સુધી પ્રેગ્નન્સી જેવું લાગે છે.
શું ધ્યાનમાં રાખવું જોઈએ –
પ્રસૂતિ પછી આ
બાબતોનું ધ્યાન રાખવાથી પેટ અલગ થવાની સમસ્યાને સમયસર નિયંત્રણમાં લાવી શકાય છે-
પેટ આંતરિક રીતે સાજું ન થાય ત્યાં સુધી પોસ્ટપાર્ટમ વર્કઆઉટ જેમ કે ક્રન્ચ્સ, સિટઅપ્સ, પ્લેક્સ ટાળવા જોઈએ.
બાળકને કમર પર ઊંચકવું નહીં.
ઉધરસ કરતી વખતે પેટના સ્નાયુઓને પકડીને ઉધરસ ખાવી.
ડાયસ્ટેસિસ રેક્ટી-ની આડ અસરો
જો સમયસર ડાયસ્ટેસિસ રેક્ટીનું ધ્યાન રાખવામાં ન આવે તો તેના કારણે ઘણી શારીરિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.
પીઠનો દુખાવો
પેલ્વિક પીડા
બેસવાની મુદ્રા નુકસાન પહોંચાડી શકે છે
પેલ્વિક ફ્લોર ડિસફંક્શન
સૌથી આત્યંતિક સ્થિતિમાં હર્નિયા.
તમને ડાયસ્ટેસિસ રેક્ટી છે કે કેમ તે તમે જાતે કેવી રીતે તપાસી શકો?
તેની ચકાસણી કરવાની એક ખૂબ જ સરળ રીત છે જેના દ્વારા આપણે માહિતી મેળવી શકીએ છીએ-
૧. સૌ પ્રથમ ઘૂંટણ વાળીને ધીમે-ધીમે બેસો અને પછી મૃત શવાસનની જેમ પીઠ પર સૂઈ જાઓ.
૨. શરીરને સંપૂર્ણપણે ઢીલું છોડી દો.
૩. હવે તમારા પગને વાળો અને તમારા ખભાને જમીનથી લગભગ એક ઇંચ ઉપર ઊભા કરો.
૪. નાભિની નીચે અને ઉપર બે આંગળીઓની મદદથી પેટને હળવા હાથે દબાવો. જો તમે સ્નાયુઓ વચ્ચે ગેપ અનુભવો છો અથવા મણકા જેવું અનુભવો છો, તો દેખીતી રીતે તમને ડાયસ્ટેસિસ રેક્ટી છે.
તમે તકલીફમાંથી થોડી રાહત કેવી રીતે મેળવી શકો?
જો ગર્ભાવસ્થા દરમિયાન અથવા ડિલિવરી પછી પેટ અલગ થવાની સમસ્યા હોય, તો કેટલીક આદતો બદલવાથી પરિસ્થિતિમાં સુધારો થઈ શકે છે-
પેટની માંસપેશીઓ પર દબાણ આવે તેવી કોઈ પણ ભારે વસ્તુ ઉપાડશો નહીં.
હંમેશાં યોગ્ય મુદ્રામાં બેસો અને ઊઠો.
બેસતી વખતે પીઠ પાછળ હંમેશાં જાડો ટુવાલ અથવા ઓશીકું રાખો જેથી પીઠના નીચેના સ્નાયુઓને ટેકો મળે.
પથારીમાંથી ઊઠતી વખતે અથવા બેસતી વખતે, તમારા ઘૂંટણને વાળો અને તમારા હાથનો ટેકો લો. એકાએક ન સીધા બેસો કે ન સીધા ઊભા થાવ.
પ્રેગ્નન્સી દરમિયાન તમે પ્રેગ્નન્સી સેફ એક્સરસાઇઝ કરીને આ સમસ્યામાંથી રાહત મેળવી શકો છો, પરંતુ ડૉક્ટરની સલાહ લેવાનું ભૂલશો નહીં.
જો કે, પ્રસૂતિના ૨-૩ મહિના પછી, સમસ્યા ધીમે ધીમે જાતે જ ઠીક થઈ જાય છે, પરંતુ તે પછી પણ જો પેટ અલગ થવાની સમસ્યા દૂર ન થાય તો શારીરિક ચિકિત્સકની મદદથી કેટલીક કસરતો કરવાથી પીડામાંથી રાહત મળી શકે છે. વ્યાયામ કરવાથી સ્નાયુઓને શક્તિ મળશે અને પેટની વચ્ચેની ખાલી જગ્યા ઓછી થશે, પરંતુ એક વાતનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે કે ડૉક્ટરની સલાહ લીધા વિના કોઈ પણ કસરત ક્યારેય શરૂ કરવી જોઈએ નહીં, તે પરિસ્થિતિને ફાયદાની જગ્યાએ વધુ ગંભીર બનાવી શકે છે.
જો તેમ છતાં પણ પેટના સ્નાયુઓ વચ્ચેનો ગેપ ઓછો ન થાય, તો ડૉક્ટર ચેકઅપ પછી સર્જરીની ભલામણ કરી શકે છે જેથી સ્નાયુઓ વચ્ચેનું અંતર ઘટાડી શકાય.
વિશ્ર્લેષણથી અત્યાર સુધી તમે સમજી જ ગયા હશો કે ડૉક્ટરની સલાહ મુજબ પેટના વિભાજન અથવા ડાયસ્ટેસિસ રેક્ટીની સમયસર સારવાર પરિસ્થિતિને સંભાળી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -