Homeતરો તાજાબાળકોમાં આવેલા પરિવર્તન તરફ ધ્યાન આપો, ક્યાંક એ ડિપ્રેશન તો નથી?

બાળકોમાં આવેલા પરિવર્તન તરફ ધ્યાન આપો, ક્યાંક એ ડિપ્રેશન તો નથી?

હેલ્થવેલ્થ – રાજેશ યાજ્ઞિક

આપણે ચર્ચા કરી રહ્યા છીએ કે બાળકોમાં ડિપ્રેશન હોઈ શકે છે અને તેનાં કારણો શું હોઈ શકે. આ ચર્ચાને જ આગળ ધપાવતાં એ જાણવું પણ મહત્ત્વનું છે કે કેવી રીતે જાણી શકાય કે બાળક ડિપ્રેશનમાં છે?
બાળકો સ્વભાવે ચંચળ જ હોય છે તે સહુ જાણે છે. નાનું બાળક જલદીથી ખુશ પણ થઇ જાય છે અને નારાજ પણ, તેથી ઘણી વાર તેનામાં આવેલા પરિવર્તનને ઓળખવામાં માતા-પિતા પણ થાપ ખાઈ જતાં હોય છે. જાણીએ કેટલાંક લક્ષણો જે આપણને એ વાત તરફ ઈશારો કરી શકે કે બાળક ડિપ્રેશનનો શિકાર છે.
શાળામાં બદલાયેલી વર્તણૂક
ડિપ્રેશન સાથે વિદ્યાર્થીની લડાઈ તેમની આસપાસની વ્યક્તિઓની નજરમાં સ્પષ્ટ રીતે કદાચ ન આવે. ડિપ્રેશન તેમને તેમની નજીકની વ્યક્તિઓથી દૂર કરી શકે છે. આમાં મિત્રો અને શિક્ષકો પણ સામેલ હોઈ શકે છે, જેઓ ઘણી વાર સમસ્યાઓની નોંધ લેનારા પ્રથમ લોકોમાં હોય છે, કારણ કે વિદ્યાર્થીઓ તેમનો મોટા ભાગનો સમય શાળામાં વિતાવે છે. શિક્ષકો શરૂઆતમાં વિદ્યાર્થીમાં આવેલા પરિવર્તનને તેના પ્રયત્નોનો અભાવ સમજી શકે, પરંતુ વિદ્યાર્થીઓમાં હતાશાનાં ચિહ્નો વિશેની જો સમજણ હોય તો આ વર્તનને ઓળખી શકાય છે અને તેના ઉકેલ માટે પ્રયત્ન કરી શકાય છે.
જોકે ડિપ્રેશનના સૌથી સામાન્ય સંકેતો ઉદાસી, ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી અને એકલતા જેવા વર્તણૂકીય ફેરફારો છે. શારીરિક ફેરફારો પણ હતાશાને કારણે થઈ શકે છે. વજન ઘટવું, પેટમાં દુખવું અને માથાનો દુખાવો એ આમાંનાં કેટલાંક ઉદાહરણો છે. અન્ય ઘણાં લક્ષણો છે, જેમાં નીચેનાનો સમાવેશ થાય છે:
લઘુતાગ્રંથિ, ચીડિયાપણું, ગુસ્સો
શાળામાં વારંવાર ગેરહાજરી
મૃત્યુ અથવા આત્મહત્યાના વિચારો
તોફાની વર્તન, સહેલાઈથી રડી પડવું
ખાવાપીવાની કે ઊંઘવાની આદતોમાં પરિવર્તન
બાળક અચાનક ખાવા-પીવાનું ટાળવા લાગે, અનિચ્છા વ્યક્ત કરે અથવા નિયમિત કરતાં ઓછું ખાય. ક્યારેક ઊંધું પણ થાય કે અચાનક નિયમિત કરતાં વધારે અને વારંવાર ખાય, જેને આપણે ખાવાનો અતિરેક કહી શકીએ તેવું.
તેવી જ રીતે તેની ઊંઘવાની રીતમાં પણ પરિવર્તન આવી શકે. ઊંઘ અનિયમિત થઇ જવી, મોડે સુધી ઊંઘ ન આવવી, સવારે નિયમિત કરતાં વહેલા ઊઠી જવું અથવા રાત્રે ઊંઘ તૂટી જવી. તેનાથી ઊંધું વધારે પડતું ઊંઘવા માંડવું વગેરે લક્ષણો દેખાઈ શકે છે.
ઉદાસી અથવા નિરાશાની ભાવના
મોટે ભાગે બાળકો મસ્તી-મજાક કરતાં હોય અથવા તેમના પ્રિય વિષયમાં રુચિપૂર્વક વ્યસ્ત રહેતાં હોય, પણ જો તેમને અચાનક નિરાશા કે ઉદાસીના ભાવ થાય, તેઓ તેમની નિયમિત પ્રવૃત્તિઓને ટાળે અથવા કંટાળાનું બહાનું બતાવે તે પણ એક લક્ષણ હોઈ શકે છે.
મનોરંજક પ્રવૃત્તિઓમાં કંટાળો
બાળકોને રમત-ગમત, હરવું-ફરવું ગમતું હોય છે. મિત્રો સાથે મળીને તોફાન-મસ્તી એ નાનાં બાળકો જ નહિ, પણ કિશોરોમાંય સામાન્ય હોય છે, પરંતુ અચાનક તેઓ મિત્રોને મળવાનું ટાળે, રમવા જવાનો કંટાળો દર્શાવે, બહાર જવાને બદલે ઘરમાં રહેવાનું પસંદ કરવા લાગે તો પણ ડિપ્રેશન હોવાની શક્યતા તરફ વિચારવું જોઈએ.
ઊર્જા ઓછી થવી અથવા સાધારણ થાક
આપણે જાણીએ જ છીએ કે બાળકો દોડાદોડી કરતાં થાકતાં નથી. જો તેઓ થાકી ગયાની ફરિયાદ કરે તો આપણે એમ માની લઈએ કે કાં તેમને ભૂખ લાગી હશે અથવા બીમાર હશે, પણ માનસિક બીમારી વિશે આપણે બહુ વિચારતા નથી.
અહીં નિરીક્ષણ કરવાની જરૂર છે. જો
બાળક તેનો નિયમિત ખોરાક લેતું હોય, કોઈ દેખીતી બીમારી તાવ વગેરે ન હોય તો પછી શું કારણ છે, તેવો પ્રશ્ર્ન આપણા મનમાં થવો જોઈએ.
વારંવાર મૂડમાં બદલાવ
ડિપ્રેશનમાં રહેલા બાળકના મૂડમાં અસાધારણ બદલાવ વારંવાર જોવા મળી શકે. નાની નાની વાતોમાં ચિડાઈ જવું, આવેશમાં આવી જવું, ગુસ્સો આવવો, થોડી થોડી વારે નિર્ણયો બદલી નાખવા, જેવા મૂડ સ્વિંગ્સ ઓળખવા બહુ જરૂરી છે.
ડિપ્રેશનને ચિંતા કરતાં અલગ રીતે જોવાની પણ જરૂર છે. બાળકોમાં ચિંતાનાં લક્ષણો પણ જોવા મળે છે, જેમ કે…
ભવિષ્યની ચિંતા
માતા-પિતાથી દૂર થવાનો ડર
ગભરામણનાં શારીરિક લક્ષણો જેવાં કે પરસેવો છૂટવો
શાળાએ જવા કે સામાજિક પ્રવૃત્તિઓમાં ભાગ લેવાનો ઇનકાર
પ્રિયજનના મૃત્યુનો ડર
બાળકોમાં ચિંતા અથવા ભય છે કે ડિપ્રેશન તેને યોગ્ય નિરીક્ષણ અને નિષ્ણાતની મદદ લઈને સમજી તે મુજબ બાળકને યોગ્ય ઉપાય અને માર્ગદર્શન વડે તે સમસ્યામાંથી બહાર લાવી શકાય છે.
આવતા અંકમાં આપણે એના ઉપાયો વિશે જાણીશું. (ક્રમશ:)ઉ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular