આર્યુવેદ અને યોગમાં તન અને મનની પંચકર્મ થેરેપી-સારવારનો મહિમા છે. શરીરને તમામ ઝેરી કેમિકલ્સથી મુક્ત કરવા ડિટોક્સીફિકેશન માટે અથવા તો સાદા શબ્દોમાં કહીએ તો શરીરની આંતરિક સફાઈ માટે પંચકર્મ કરવામાં આવે છે. હવે આયુર્વેદ અને યોગને લગતી સારવાર મોંઘી થઈ ગઈ છે. વળી, યોગ્ય સારવાર મળતી પણ નથી. વાસ્તવમાં આયુર્વેદની મોટા ભાગની ઔષધી આપણી ખાણીપીણી અને જીવનશૈલીમાં જ વણાયેલી હતી, પરંતુ આપણે તે ભૂલી ગયા અને જીવનશૈલી ખોટી અપનાવતા ઘણા રોગનો શિકાર બન્યા. હવે ફરી આયુર્વેદ તરફ વળી રહ્યા છીએ, જે સારું છે, પણ જે ઔષધ કે જે ઈલાજ આપણા હાથમાં હોય તે માટે હજારો શા માટે ખર્ચવા. તો આવો અમે તમને એક એવું પીણું બતાવીએ જે ઉનાળામાં તમારા શરીરની સફાઈ માટે અમૃત સાબિત થઈ શકે છે. ડિટોક્સિફિકેશન સાથે અન્ય ઘણા ફાયદા આ પીણાંના છે અને તે ઘરમાં બને છે, બજારમાં તૈયાર પણ મળે છે. હોઈ શકે તમે તેનું સેવન કરતા હોવ તો થોડી અલગ રીતે કરશો તો ઘણા રોગથી મુક્ત થઈ શકશો.
આ પીણું છે આપણી દેશી મસ્ત મજાની છાશ. આયુર્વેદના નિષ્ણાતો જ કહે છે કે જો ત્રણ દિવસ કંઈ ન ખાતા-પીતા તમે માત્ર છાશ પીશો તો તમારા શરીરના તમામ ટોક્સિન્ન બહાર નીકળી જશે અને તમે તરોતાજા થઈ જશો.
આ ઉપરાંત છાશના ઘણા અલગ અલગ રીતે ઉપયોગ અને ફાયદા છે.
1. છાશ પીવાથી સ્થૂળતા ઓછી થાય છે. શરીરમાં જામેલી ચરબી ઓગળે છે અને ધીમે ધીમે ઓછી થાય છે.
2. જો વારંવાર પેશાબ જવાની સમસ્યા હોય તો છાશમાં થોડું મીઠું નાખી પીવાથી પેશાબ છૂટથી આવે છે અને આ ત્રાસથી રાહત મળે છે.
3. દહીનું આછું પાણી અથવા છાશમાં થોડું પાણી નાખી કોગળા કરવાથી મોઢામાં પડેલા ચાંદા મટી જાય છે.
4. છાશમાં અજમા નાખી પીવાથી પેટમાં જીવજંતુ મરી જાય છે. પેટ સાફ આવે છે.
5. છાશમાં ગોળ નાખી પીવાથી પેશાબ સમયે થતી બળતરા ઘણી ઓછી થાય છે.
6. છાશમાં થોડું જાયફળ નાખી પીવાથી માથાના દુઃખાવામાં રાહત મળે છે. માઈગ્રેનના દરદીઓ માટે ફાયદાકારક છે.
7. ખાલી પેટે છાશ પીવાથી પેટનો દુઃખાવો મટે છે. પેટમાં ગડબડ હોય કે પાચનમાં તકલીફ હોય તો કાંઈ ન ખાતા માત્ર છાશ પીવાથી રાહત મળે છે.
8. છાશમાં સાકર અને કાળી મરી નાખી પીવાથી પિત્તનો ત્રાસ ઓછો થાય છે.
કોઈ સારવાર કે થેરેપીનો વિરોધ નથી, પણ ઘરમાં જ ઈલાજ હોય તો બહાર જઈ હજારો શા માટે ખર્ચવા. તો પછી જમાવો દહીં ને પીઓ છાશ.